Business

બ્રાન્ડેડ દવાઓ વિરુદ્ધ જિનેરિક દવાઓનો જંગ

યુરોપ અને અમેરિકાની ફાર્માસ્યુટિકલ કંપનીઓ જીવનસંરક્ષક દવાઓના વેચાણમાંથી ચિક્કાર નફો કમાય છે, એ બહુ જાણીતી વાત છે. એઇડ્સ, કેન્સર, ટીબી, ડાયાબિટીશ વગેરે હઠીલા રોગોની સારવાર માટે જે બ્રાન્ડેડ દવાઓ મળે છે, તેની કિંમત ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓની પહોંચ બહાર હોય છે. મલ્ટિનેશનલ ડ્રગ કંપનીઓ આ દવાઓની પેટન્ટ કરાવે છે અને પછી તેમાંથી અઢળક નફાખોરી કરે છે. ફાર્માસ્યુટિકલ કંપનીઓની આ લૂંટફાટ સામે ભારત  સહિતના દેશોમાં ઘણી સંસ્થાઓ અને વ્યક્તિઓ લડી રહી છે.

દુનિયાના ચાર ખંડોમાં ચાલી રહેલી આવી લડતની કથા દસ્તાવેજી ફિલ્મના રૂપમાં વણી લેવી એ મોટો પડકાર કહેવાય. પંજાબી પિતા અને આઇરીશ માતા દ્વારા જન્મ પામેલા ધિલ્લોન મોહન ગ્રેની ફિલ્મ ‘ફાયર ઇન ધ બ્લડ’અનેક વિદેશી ફિલ્મ ફેસ્ટિવલોમાં વખણાઇને ભારતમાં રિલીઝ થઇ છે. ઇ.સ.૧૯૯૦ના દાયકામાં આફ્રિકા ખંડમાં એચઆઇવીએ દેખા દીધી ત્યાર પછી એઇડ્સના ખપ્પરમાં લાખો માનવીઓ હોમાઇ ગયા છે. ઇ.સ.૧૯૯૬માં મલ્ટિનેશનલ કંપનીઓ દ્વારા એન્ટી રિટ્રોવાઇરલ દવાઓ શોધવામાં આવી, જે ‘એઆરવી’ના ટૂંકા નામે ઓળખાતી હતી. આ દવા લેનાર એચઆઇવીનો દર્દી એઇડ્સની બીમારીથી બચી જાય છે, એવો દાવો આ કંપનીઓ કરતી હતી.

આફ્રિકાના ગરીબ દર્દીઓને આ દવા પરવડે તેમ નહોતી; પણ મલ્ટિનેશનલ કંપનીઓ માનવતા ખાતર પણ પોતાના નફામાં કાપ મૂકવા તૈયાર નહોતી. આ દવાના અભાવમાં આફ્રિકા ખંડમાં ઇ.સ.૧૯૯૬ અને ૨૦૦૩ વચ્ચે આશરે એક કરોડ એઇડ્સના દર્દીઓનાં મોત થયાં હોવાનો અંદાજ છે. ત્યાર બાદ વિવિધ દેશોના ચાર આંદોલનકારીઓ દ્વારા જે પ્રચંડ ઝુંબેશ ચલાવવામાં આવી તેના પરિણામે મલ્ટિનેશનલ કંપનીઓએ ઝૂકવું પડ્યું હતું.

આ ફિલ્મની કથામાં ભારતની ફાર્માસ્યુટિકલ કંપનીઓ પશ્ચિમી કંપનીઓની સરખામણીએ અત્યંત સસ્તી અને અસરકારક જિનેરિક દવાઓ બનાવીને દુનિયાના અનેક પછાત દેશોમાં વસવાટ કરતાં કરોડો ગરીબ દર્દીઓની સેવા કરે છે તેની હકીકતો અત્યંત ચોટદાર રીતે વર્ણવવામાં આવી છે. ભારતની ફાર્માસ્યુટિકલ કંપનીઓ યુરોપ અને અમેરિકામાં જિનેરિક દવાઓ સસ્તામાં વેચી રહી છે. તેમને ખતમ કરવા મલ્ટિનેશનલ ડ્રગ કંપનીઓ જાતજાતનાં કાવતરાંઓ રચી રહી છે, પણ ભારતીય ફાર્માસ્યુટિકલ કંપનીઓની પ્રગતિને તેઓ કોઈ રીતે રોકી શકી નથી.

ભારતની જિનેરિક દવાઓ બનાવતી કંપનીઓ અમેરિકામાં દવાઓની નિકાસ કરીને ત્યાંની મલ્ટિનેશનલ કંપનીઓને પડકાર ફેંકી રહી છે. ઇ.સ.૨૦૦૩માં અમેરિકાના તત્કાલીન રાષ્ટ્રપતિ જ્યોર્જ બુશે એચઆઇવી-એઇડ્સની વ્યાધિ સામે લડવા ૧૫ અબજ ડોલરની સરકારી સહાયની જાહેરાત કરી હતી. આ રકમ દ્વારા તેઓ અમેરિકાની ફાર્માસ્યુટિકલ કંપનીઓ દ્વારા ઉત્પાદિત મોંઘી ‘એઆરવી’દવાઓ ખરીદીને ગરીબ દર્દીઓને મફતમાં સારવાર આપવા માંગતા હતા. આ અરસામાં જ ભારતની ફાર્માસ્યુટિકલ કંપનીઓએ અમેરિકાની બજારમાં જિનેરિક ‘એઆરવી’દવાઓ સાથે પ્રવેશ કર્યો હતો, જે પ્રમાણમાં અત્યંત સસ્તી હતી. અમેરિકાની સરકારે પણ ૧૫ અબજ ડોલરનો ઉપયોગ આ સસ્તી જિનેરિક દવાઓ ખરીદવા માટે કર્યો હતો.

ઇ.સ.૧૯૯૦ના દાયકામાં આફ્રિકાના લાખો લોકો જ્યારે એઇડ્સની બીમારીથી ટપોટપ મરી રહ્યા હતા ત્યારે માનવ અધિકારો માટે લડતા ડેસમન્ડ ટુટુ અને ભારતીય ફાર્મા કંપની સિપ્લાના અધ્યક્ષ ડો. યુસુફ હમીદ તેમની મદદે આવ્યા હતા. સિપ્લા કંપનીએ એઇડ્સ સામે લડવા માટે જિનેરિક દવાઓ બનાવી હતી, જે મલ્ટિનેશનલ કંપનીઓની દવાઓ કરતાં દસમા ભાગની કિંમતે મળતી હતી. અમેરિકાની દવા કંપનીઓનો ગરાસ લૂંટાઇ ગયો ત્યારે તેમણે ભારતની કંપની સામે અમેરિકાની અદાલતમાં દાવાઓ ઠોકી દીધા હતા. આ લડાઇમાં અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બીલ ક્લિન્ટન, ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સના માનવતાવાદી વકીલ જેમ્સ લવ અને ન્યુ યોર્ક ટાઇમ્સના પત્રકાર ડોનાલ્ડ મેકનીલનો જબરદસ્ત સહયોગ મળ્યો હતો. આ સમાજસેવકોની લડતના પરિણામે આફ્રિકાના લાખો દર્દીઓને મોતના મુખમાંથી બચાવી લેવાયા હતા.

યુરોપ અને અમેરિકાની મલ્ટિનેશનલ કંપનીઓ પોતાનો જાલિમ નફો અકબંધ રાખવા ભારતમાં પણ જિનેરિક દવાઓ સામે લડત આપી રહી છે. સ્વિટ્ઝર્લેન્ડની ‘નોવાર્ટીસ’કંપની બ્લડ કેન્સરની સારવાર માટેની ‘ગ્લિવેક’નામની દવા બનાવે છે. જો કોઇ દર્દી એક મહિના માટે ‘ગ્લિવેક’ની સારવાર લે તો તેનો ખર્ચો આશરે એક લાખ રૂપિયા આવે છે, પણ તેનો જીવ બચી જાય છે. ભારતની એક કંપનીએ આબેહૂબ આવી દવા અલગ બ્રાન્ડનેમથી બનાવી, જેનો મહિનાનો ખર્ચો આશરે દસ હજાર રૂપિયા જ આવતો હતો. ‘નોવાર્ટીસ’કંપનીએ ભારતની કંપની સામે સુપ્રિમ કોર્ટ સુધી લડત આપી, પણ છેવડે સ્વીસ કંપની હારી ગઇ હતી.

ભારતની કંપનીઓ અમેરિકાની બજારમાં સસ્તી જિનેરિક દવાઓ વેચવા લાગી તેને કારણે અમેરિકાની પ્રજામાં પણ જિનેરિક દવાઓ પ્રત્યે જબરદસ્ત આકર્ષણ પેદા થયું છે, જે બ્રાન્ડેડ દવાઓ કરતાં સસ્તી હોય છે. અમેરિકાની બજારમાં આજની તારીખમાં ૨૯૦ જિનેરિક દવાઓ વેચાઇ રહી છે, જેમાંથી ૧૧૦ દવાઓ ભારતીય કંપનીઓ દ્વારા બનાવવામાં આવી છે. ‘ફાયર ઇન ધ બ્લડ’ફિલ્મ જોઇને ભારતના દર્દીઓ પણ જિનેરિક દવાઓનું મહત્ત્વ સમજશે તો તેઓ ફાર્માસ્યુટિકલ કંપનીઓ દ્વારા થતી લૂંટફાટથી બચી શકશે. ભાજપ સરકારે દેશમાં જિનેરિક દવાઓ વેચતી દુકાનો મોટા પાયે શરૂ કરાવીને વિદેશી કંપનીઓના નફા પર રોક લગાવી છે.

Most Popular

To Top