Comments

કલાકારનો પહેલો પાઠ

એક નાટકના ખૂબ જ ફેમસ કલાકાર હતા. તેમણે વર્ષો સુધી સ્ટેજ પર નાટકો કર્યાં અને પછી તો ફિલ્મ અને ટી.વી.માં પણ કામ કરવા લાગ્યા, પણ નાટક જ તેમનો પહેલો પ્રેમ રહ્યો. ફિલ્મ અને ટી.વી. ના કામમાં ગમે તેટલા બીઝી હોય છતાં તેઓ નાટક તો કરતા જ. એક દિવસ એક ઓટીટી પ્લેટફોર્મની સીરીઝ માટે તેઓ કામ કરી રહ્યા હતા અને શુટિંગ પહેલાં તેમણે એક નહિ, પણ ચાર વાર રિહર્સલ કર્યું. બરાબર ડાઈલોગ્સ મોઢે કરી લીધા.અરીસામાં જોઇને બોલી લીધા અને આ બધું કર્યા બાદ તેમણે ડાયરેક્ટરને કહ્યું, ‘ડાયરેક્ટર સાહેબ, તું એક વાર રિહર્સલ જોઈ લે પછી ટેક કરીએ.’ડાયરેક્ટર યુવાન હતો. લગભગ કલાકારથી અડધી ઉંમરનો, તેણે કહ્યું, ‘સર, તમે આટલા સિનિયર કલાકાર છો. મને શું કામ સાહેબ કહીને મજાક કરો છો અને તમે તો અનુભવી છો તો આટલા બધા રિહર્સલ અને પ્રેકટીસની શું જરૂર છે.તમે આ બધા વિના પણ સારામાં સારું પરફોર્મન્સ જ આપશો મને ખાતરી છે.’

કલાકાર હસ્યા અને બોલ્યા, ‘અરે,હું મજાક નથી કરતો. આ જ મારી રીત છે.હું કોઈ પણ સીન કરવા પહેલાં આટલી પ્રેક્ટીસ કરું જ છું અને પછી જ ટેક આપું છું અને એટલે જ તને લાગે છે કે મારું પરફોર્મન્સ સારું છે.તારા વિશ્વાસ બદલ આભાર, પણ મારા માટે તું એક વાર રિહર્સલ જોઈ લે. એક ડાયરેક્ટર તરીકે તને જે જોઈએ છે તે પ્રમાણે છે કે નહિ.’ યુવાન ડાયરેક્ટરને કલાકારની વાત અને રિહર્સલ બંને ગમ્યાં.સીન પહેલા જ ટેકમાં ઓ.કે. થઇ ગયો. યુવાન ડાયરેક્ટર પછી કોફીના બે મગ લઈને કલાકાર પાસે ગયો અને બોલ્યો, ‘સર, તમે તો હાલતી ચાલતી યુનિવર્સિટી છો. કઈ રીતે કામ કરવું જોઈએ એ તમારી પાસેથી શીખવું જોઈએ. તમને બિલકુલ રીહર્સલની જરૂર નથી, છતાં તમે આટલી મહેનત કરો છો. કોઈ આટલી મહેનત કરતું નથી.’

કલાકારે કહ્યું, ‘દોસ્ત, હું જયારે નવો નવો નાટકમાં આવ્યો અને એક્ટિંગની શરૂઆત કરી ત્યારે મને મારા પહેલા ડાયરેક્ટર સાહેબે શીખવ્યું હતું કે ‘હંમેશા એવી અને એટલી પ્રેક્ટીસ કરવી કે કંઈ જ આવડતું નથી અને પહેલી વાર જ કરી રહ્યા છો અને હંમેશા પરફોર્મન્સ એવું આપવું કે તમારાથી સારું કોઈ આ પરફોર્મન્સ આપી જ ન શકે.’ બસ આ પહેલો પાઠ શીખ્યો અને આજ સુધી તે પ્રમાણે જ કરું છું અને તેને કારણે જ વર્ષોથી સારું કામ કરી શકું છું.’કલાકારે જીવનના દરેક ડગલે કામ લાગે તેવી વાત શીખવી દીધી.– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top