World

મોસ્કો ટેરર એટેકે મુંબઈ હુમલાની યાદ અપાવી, શું છે સામ્યતા જાણો..

મોસ્કો(Moscow) : રશિયાની (Russia) રાજધાની મોસ્કોના ક્રોકસ સિટી હોલમાં થયેલા હુમલાએ (Terror Attack) રશિયાને હચમચાવી નાખ્યું છે. સંગીત કાર્યક્રમ જોવા માટે લોકો કોન્સર્ટ હોલમાં મોટી સંખ્યામાં ભેગા થયા હતા ત્યારે આતંકવાદીઓ બંદૂકો લઈ ત્યાં ઘૂસી ગયા હતા અને આડેધડ લોકો પર ગોળીઓ ચલાવી હતી. આ હુમલામાં અત્યાર સુધીમાં 60 લોકોના મોત જ્યારે 145થી વધુ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે.

ઈસ્લામિક સ્ટેટે આ હુમલાની જવાબદારી સ્વીકારી છે. મોસ્કો પરના હુમલાએ ફરી એકવાર મુંબઈ હુમલાની યાદ અપાવી છે. 2008માં પાકિસ્તાનના આતંકવાદીઓએ જે રીતે મુંબઈમાં લોહી વહાવ્યું હતું તે જ પ્રકારે મોસ્કોમાં આતંકવાદી હુમલો પણ કરવામાં આવ્યો છે. નિષ્ણાતો આશંકા વ્યક્ત કરી રહ્યા છે કે ઈસ્લામિક સ્ટેટને મુંબઈ આતંકી હુમલાથી મોસ્કો પર હુમલો કરવાનો આઈડિયા આવ્યો હોઈ શકે છે. યુએસ નિષ્ણાત માઈકલ કુગેલમેને એક પોસ્ટમાં જણાવ્યું હતું કુગેલમેને લખ્યું કે મુંબઈ હુમલાએ આવા લોકોને પ્રેરણા આપી.

મોસ્કો પરના હુમલા માટે આતંકી સંગઠન ISIS-KP જવાબદાર હોવાનું માનવામાં આવે છે, જે અફઘાનિસ્તાનમાં ઇસ્લામિક સ્ટેટનો સૌથી નજીકના સાથી છે અને તે અગાઉ યુરોપ અને મધ્ય પૂર્વમાં અનેક હુમલાઓ માટે જવાબદાર છે. જોકે, ઈસ્લામિક સ્ટેટ જૂથે મોસ્કો પરના હુમલાની જવાબદારી સ્વીકારી છે. માઈકલ કુગેલમેને કહ્યું છે કે ઈસ્લામિક સ્ટેટે ISIS-KP વતી હુમલાનો દાવો કર્યો હોઈ શકે છે.

ISIS-KP શું છે અને તે કેટલું ખતરનાક સંગઠન છે?
ISIS-KPની સ્થાપના 2015માં પાકિસ્તાની તાલિબાનના અસંતુષ્ટ સભ્યો દ્વારા કરવામાં આવી હતી. જો કે, અફઘાનિસ્તાનમાં અમેરિકન કાર્યવાહીએ તેને નોંધપાત્ર નુકસાન પહોંચાડ્યું અને તેના ઘણા લીડર માર્યા ગયા હતા. 2021 માં તેના સભ્યોની સંખ્યા 1500 થી વધીને 2000 થઈ ગઈ હતી. તે જ વર્ષે અમેરિકાએ અફઘાનિસ્તાન છોડી દીધું અને તાલિબાન સત્તા પર પાછા ફર્યા હતા. ત્યાર બાદ ISIS-KP ને નાટકીય રીતે નવું જીવન મળ્યું હતું. યુએસ દળોની પીછેહઠ દરમિયાન ISIS-KP એ કાબુલના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર આત્મઘાતી બોમ્બ વિસ્ફોટ કર્યો હતો જેમાં 13 યુએસ સૈનિકો અને 170 થી વધુ નાગરિકો માર્યા ગયા હતા.

આ હુમલાએ અફઘાનિસ્તાનમાં ISIS-KPનો ગઢ સ્થાપિત કર્યો અને તાલિબાન માટે મોટો ખતરો ઉભો કર્યો. ત્યારથી તાલિબાન અફઘાનિસ્તાનમાં ISIS-KP સામે લડાઈ લડી રહ્યું છે. આ વર્ષે જાન્યુઆરીમાં ઈરાનના પૂર્વ કમાન્ડર કાસિમ સુલેમાનીની પુણ્યતિથિ પર એકત્ર થયેલી ભીડમાં થયેલા વિસ્ફોટમાં 84 લોકો માર્યા ગયા હતા. ઇસ્લામિક સ્ટેટની એ જ ખોરાસાન શાખાએ પછી હુમલાની જવાબદારી સ્વીકારી, જે તાજેતરના વર્ષોમાં ઈરાનના સૌથી ઘાતક હુમલાઓ પૈકી એક માનવામાં આવે છે.

આ આતંકી સંગઠન રશિયાને મુસ્લિમ વિરોધી માને છે
હવે આ જૂથે મોસ્કોમાં થયેલા હુમલાની જવાબદારી લીધી છે. ન્યૂયોર્ક સ્થિત આતંકવાદ નિષ્ણાત કોલિન પી ક્લાર્કે કહ્યું કે, ISIS-KP છેલ્લા બે વર્ષથી રશિયા પર નજર રાખી રહ્યું છે અને તેના સંદેશામાં રાષ્ટ્રપતિ પુતિનની ટીકા કરી છે. ISIS-KP ક્રેમલિન પર અફઘાનિસ્તાન, ચેચન્યા અને સીરિયામાં રશિયન હસ્તક્ષેપને ટાંકીને મુસ્લિમ વિરોધી હોવાનો આરોપ મૂકે છે.

ગુનેગારો સામે કડક કાર્યવાહીની રશિયાના પૂર્વ પ્રેસિડેન્ટની માંગણી
રશિયાના પૂર્વ રાષ્ટ્રપતિ દિમિત્રી મેદવેદેવે રશિયાની રાજધાની મોસ્કોમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલા પર આકરી પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું છે કે મોસ્કો કોન્સર્ટ સ્થળ પર આતંકવાદી હુમલાના ગુનેગારો સામે કોઈપણ દયા વગર કાર્યવાહી થવી જોઈએ. રશિયન ન્યૂઝ એજન્સી RT અનુસાર, દિમિત્રી મેદવેદેવે કહ્યું, આતંકવાદીઓ જવાબમાં માત્ર આતંકની ભાષા જ સમજે છે. આતંકવાદીઓને ફાંસીની સજા મળવી જોઈએ. આતંકવાદ સામે લડવાની વિશ્વની આ જ રીત છે.

Most Popular

To Top