DMએ પાણી પીવડાવી સંભાળ્યા; IPS પત્ની અંશિકા વર્માની પોસ્ટે જીતી લીધાં દિલ
ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લામાં લગભગ બે વર્ષ સુધી પોતાની કામગીરી અને કડક પોલીસિંગને કારણે ‘સુપર કોપ’ તરીકે ઓળખ બનાવનાર IPS અધિકારી કૃષ્ણ કુમાર (કેકે) બિશ્નોઈ હવે સંભલથી વિદાય લઈ રહ્યા છે. તેમનું ટ્રાન્સફર કરવામાં આવ્યું છે અને તેમને હવે બિજનૌરના પોલીસ કપ્તાન તરીકે નવી જવાબદારી સોંપવામાં આવી છે. મહત્વ નું છે કે સંભલ પોલીસ લાઇનમાં શનિવારે તેમના માટે વિદાય સમારોહ યોજાયો હતો. આ દરમિયાન એક એવો ભાવુક ક્ષણ જોવા મળ્યો કે, કડક નિર્ણયો માટે જાણીતા SP કેકે બિશ્નોઈ પોતાની લાગણીઓ પર કાબૂ રાખી શક્યા નહીં અને તેમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. આ ભાવુક ક્ષણનો વીડિયો પણ સામે આવ્યો છે.
કેકે બિશ્નોઈએ સંભલમાં 1 વર્ષ 11 મહિના સુધી ફરજ બજાવી હતી. આ સમયગાળા દરમિયાન તેમણે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે અનેક મહત્વપૂર્ણ પગલાં લીધા હતા. ખાસ કરીને 24 નવેમ્બર 2024ના સંભલ હિંસા કાંડ બાદ જિલ્લામાં શાંતિ અને સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવામાં તેમની ભૂમિકા ચર્ચામાં રહી હતી. વિદાય સમારોહ દરમિયાન જ્યારે તેમણે આ ઘટનાને યાદ કરી અને તે સમયે પોતાની સાથે ખભેખભો મિલાવીને ફરજ બજાવનાર પોલીસ અધિકારીઓ તથા જવાનોના યોગદાનની વાત કરી, ત્યારે તેઓ અચાનક ભાવુક થઈ ગયા. વાત કરતાં કરતાં તેમની આંખોમાં આંસુ આવી ગયા.
મંચ પર ભાવુક થયા SP કેકે બિશ્નોઈ, DMએ તરત પાણી પીવડાવ્યું
વિદાય સમારોહમાં કેકે બિશ્નોઈ સંભલમાં પોતાના કાર્યકાળની કેટલીક મહત્વપૂર્ણ ઘટનાઓ યાદ કરી રહ્યા હતા. ખાસ કરીને 24 નવેમ્બર 2024ની હિંસા દરમિયાન પોલીસ ટીમે જે રીતે પરિસ્થિતિ સંભાળી હતી તેનો ઉલ્લેખ કરતાં તેઓ ભાવુક થઈ ગયા. તેમની આંખોમાં આંસુ દેખાતા બાજુમાં બેઠેલા સંભલના DM IAS અંકિત ખંડેલવાલે તરત તેમને પાણી પીવડાવીને સંભાળ્યા. આ ક્ષણ ખૂબ જ ભાવુક હતી. કેકે બિશ્નોઈને આ રીતે ભાવુક થતા જોઈને DM અંકિત ખંડેલવાલ પણ પોતાની લાગણીઓ પર કાબૂ રાખી શક્યા નહોતા અને તેમની આંખોમાં પણ આંસુ આવી ગયા હતા.આમ તો સામાન્ય રીતે પોલીસ અધિકારીઓ પોતાની ફરજ દરમિયાન કડક નિર્ણય અને શિસ્ત માટે ઓળખાય છે, પરંતુ વિદાયના સમયે કેકે બિશ્નોઈની આંખોમાં દેખાયેલી લાગણીઓએ સંભલ સાથેના તેમના જોડાણની બીજી તસવીર રજૂ કરી. તેમની કામગીરી દરમિયાન પોલીસકર્મીઓ સાથેનો સંબંધ અને સંભલમાં બનેલી મહત્વપૂર્ણ ઘટનાઓની યાદોએ તેમને ભાવુક કરી દીધા હતા.
IPS પત્ની અંશિકા વર્માએ શેર કરી ખાસ પોસ્ટ
કેકે બિશ્નોઈની ભાવુક વિદાય બાદ તેમની પત્ની અને પોતે પણ IPS અધિકારી અંશિકા વર્માએ સોશિયલ મીડિયા પર પતિ માટે ખાસ સંદેશ શેર કર્યો. અંશિકા વર્મા હાલમાં બેરેલીમાં SP South તરીકે ફરજ બજાવી રહ્યા છે. તેમણે કેકે બિશ્નોઈની તસવીર શેર કરીને લખ્યું “Always proud of you! Best wishes for the next assignment”, એટલે કે, “મને હંમેશા તમારા પર ગર્વ છે. આગામી જવાબદારી માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ.” અંશિકા વર્માની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. બંને અધિકારીઓ પોતપોતાની પોલીસ જવાબદારીઓ માટે જાણીતા છે અને તેમની જોડી અગાઉ પણ ચર્ચામાં રહી છે. માર્ચ 2026માં કેકે બિશ્નોઈ અને અંશિકા વર્માએ રાજસ્થાનમાં લગ્ન કર્યા હતા. બંને ઉત્તર પ્રદેશ કેડરના IPS અધિકારીઓ છે. લગ્ન પહેલાં તેમની સગાઈ અને અન્ય કાર્યક્રમોની તસવીરો તથા વીડિયો પણ સોશિયલ મીડિયા પર ચર્ચામાં આવ્યા હતા.
‘જ્યાં રહેશે ત્યાં રોશની લૂંટાવશે’ શાયરીથી વિદાય
વિદાય સમારોહ દરમિયાન કેકે બિશ્નોઈએ સંભલ પોલીસના તમામ અધિકારીઓ અને કર્મચારીઓનો આભાર માન્યો.તેમણે ખાસ કરીને સંભલ હિંસા દરમિયાન તેમની સાથે ખભેખભો મિલાવીને ઊભા રહેલા થાણા પ્રભારીઓ પોલીસકર્મીઓના યોગદાનને યાદ કર્યું. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે સંભલની હિંસા પર કાબૂ મેળવવો અને ઉપદ્રવીઓ સામે કડક કાર્યવાહી કરવી કોઈ એક વ્યક્તિની ઉપલબ્ધિ નહોતી, પરંતુ સમગ્ર સંભલ પોલીસની ટીમવર્કની સફળતા હતી. સમારોહના અંતે તેમણે એક શાયરી પણ કહી“જ્યાં રહેશે ત્યાં રોશની લૂંટાવશે, કોઈ ચિરાગનું પોતાનું મકાન નથી હોતું.” આ શબ્દો સાથે તેમણે સંભલથી પોતાની વિદાયને ભાવનાત્મક અંદાજમાં રજૂ કરી. તેમના શબ્દોમાં એક તરફ સંભલ છોડવાનું દુઃખ હતું તો બીજી તરફ નવી જવાબદારી તરફ આગળ વધવાનો સંકલ્પ પણ જોવા મળ્યો.
સંભલ હિંસા બાદ અનેક કડક પગલાં લીધા
કેકે બિશ્નોઈના કાર્યકાળ દરમિયાન સંભલમાં કાયદો અને વ્યવસ્થા મજબૂત કરવા માટે અનેક મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવ્યા હતા. 24 નવેમ્બર 2024ની હિંસા બાદ ફરાર આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસ દ્વારા જામા મસ્જિદની દીવાલો પર ફરાર આરોપીઓના પોસ્ટર લગાવવામાં આવ્યા હતા. સાથે જ હિંસા સાથે જોડાયેલા માસ્ટરમાઇન્ડ તરીકે પોલીસ દ્વારા દર્શાવવામાં આવેલા શારિક સઠા ગેંગ સામે ગેંગસ્ટર એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી.હિંસા બાદ ભવિષ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત રહે તે માટે સંભલ જિલ્લાના અલગ-અલગ પ્રવેશ અને બહાર નીકળવાના માર્ગો પર 10 અલગ બેરિયર બનાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત જિલ્લામાં 39 નવી પોલીસ ચોકીઓ બનાવવામાં આવી હતી. આ પગલાંનો હેતુ સંભલમાં પોલીસની હાજરી અને ઝડપી પ્રતિસાદની ક્ષમતા વધારવાનો હતો.
સંવેદનશીલ વિસ્તારમાં નવી પોલીસ ચોકી અને કંટ્રોલ રૂમ
સંભલના વિવાદિત ધાર્મિક સ્થળના વિસ્તારમાં હિંસા બાદ એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો. ધર્મસ્થળની સામે સત્યવ્રત પોલીસ ચોકી સ્થાપિત કરવામાં આવી હતી અને તેની સાથે સંબંધિત વિસ્તારમાં કંટ્રોલ રૂમ સ્થાપિત કરવાની કામગીરી પણ કરવામાં આવી હતી. આ વ્યવસ્થાનો હેતુ સંવેદનશીલ વિસ્તારમાં સતત પોલીસ દેખરેખ અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ પર ઝડપી નજર રાખવાનો હતો.સંભલમાં અગાઉ સામે આવેલા આતંકવાદી કનેક્શનને ધ્યાનમાં રાખીને ATSની સ્થાપના માટે પણ પ્રયાસો કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત શહેરમાં ચારે તરફથી નજર રાખવા માટે 250થી વધુ CCTV કેમેરા લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કેમેરાને સત્યવ્રત પોલીસ ચોકી ખાતે સ્થાપિત કરવામાં આવેલા ઇન્ટિગ્રેટેડ કમાન્ડ કંટ્રોલ સેન્ટર સાથે જોડવાની વ્યવસ્થા કરવામાં આવી રહી હતી. તેનો હેતુ એક જ કંટ્રોલ રૂમમાંથી શહેરની વિવિધ ગતિવિધિઓ પર નજર રાખવાનો હતો.
બિજનૌરમાં હવે નવી જવાબદારી
સંભલમાં લગભગ બે વર્ષનો કાર્યકાળ પૂર્ણ કર્યા બાદ કેકે બિશ્નોઈને બિજનૌરના પોલીસ કપ્તાન તરીકે નવી જવાબદારી આપવામાં આવી છે. નવી પોસ્ટિંગ સાથે તેમની સામે હવે બિજનૌરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા ઉપરાંત પોલીસિંગ વ્યવસ્થાને વધુ અસરકારક બનાવવાનો પડકાર રહેશે. સંભલમાં તેમની કડક પોલીસિંગને કારણે બનેલી ‘સુપર કોપ’ની છબી બાદ બિજનૌરમાં પણ તેમની કામગીરી પર સૌની નજર રહેશે. કેકે બિશ્નોઈની કારકિર્દીની વાત કરીએ તો તેઓ મૂળ રાજસ્થાનના બાડમેર જિલ્લાના રહેવાસી છે. તેમણે 2017માં પોતાના બીજા પ્રયાસમાં UPSC સિવિલ સર્વિસ પરીક્ષા પાસ કરીને ઓલ ઈન્ડિયા રેન્ક 174 મેળવી હતી અને IPS બનવાનું સપનું સાકાર કર્યું હતું. IPS બનતા પહેલાં તેમણે ફ્રાન્સમાં અભ્યાસ કર્યો હતો અને લગભગ 30 લાખ રૂપિયાની નોકરી છોડીને સિવિલ સર્વિસમાં આવવાનો નિર્ણય લીધો હતો.
વિદાયનો વીડિયો બન્યો ચર્ચાનો વિષય
સંભલ પોલીસ લાઇનમાં યોજાયેલા વિદાય સમારોહનો ભાવુક વીડિયો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર લોકો કેકે બિશ્નોઈની લાગણીઓ અને તેમના કાર્યકાળની ચર્ચા કરી રહ્યા છે. એક પોલીસ અધિકારી તરીકે કડક નિર્ણય લેવા માટે જાણીતા કેકે બિશ્નોઈને પોતાના સાથીદારો અને સંભલની ઘટનાઓને યાદ કરીને ભાવુક થતા જોઈને લોકો પણ ભાવનાત્મક થઈ રહ્યા છે. ખાસ કરીને DM અંકિત ખંડેલવાલે તેમને પાણી પીવડાવીને સંભાળ્યો તે ક્ષણ વીડિયોનો સૌથી ચર્ચિત ભાગ બની છે.
આ સમગ્ર ઘટનામાં એક વાત ખાસ ધ્યાન ખેંચે છે, કેકે બિશ્નોઈએ પોતાની સફળતાનો શ્રેય વ્યક્તિગત રીતે લેવાને બદલે સમગ્ર સંભલ પોલીસ ટીમને આપ્યો. તેમણે સ્પષ્ટ કર્યું કે હિંસા પર નિયંત્રણ મેળવવું, આરોપીઓ સામે કાર્યવાહી કરવી અને જિલ્લામાં કાયદો-વ્યવસ્થા મજબૂત બનાવવી એ સામૂહિક પ્રયાસનું પરિણામ હતું. હવે સંભલથી તેમની વિદાય થઈ છે અને નવી જવાબદારી બિજનૌરમાં શરૂ થવાની છે,ત્યારે તેમની પત્ની અંશિકા વર્માના શબ્દો “Always proud of you” વિદાયની ભાવુક તસવીરને વધુ ખાસ બનાવી રહ્યા છે.