Sports

વર્લ્ડકપ પહેલા 2007ની ભૂલનું પુનરાવર્તન કરી રહી છે ટીમ ઈન્ડિયા

ભારતીય ક્રિકેટ ટીમ 1932થી ઇન્ટરનેશનલ મેચો રમી રહી છે. ટીમે 1974માં તેની પ્રથમ વન ડે અને 2006માં તેની પ્રથમ T20 રમી હતી. ટીમ અત્યાર સુધીમાં 1700 થી વધુ ઇન્ટરનેશનલ મેચ રમી ચુકી છે. જો ચાહકોને પૂછવામાં આવે કે ભારતીય ક્રિકેટના 91 વર્ષના ઇતિહાસમાં સૌથી ખરાબ સમય કયો હતો? લગભગ દરેકનો એક જ જવાબ હશે કે 2007 વર્લ્ડ કપ. વેસ્ટઇન્ડિઝમાં રમાયેલા એ વર્લ્ડકપમાં બાંગ્લાદેશ અને ત્યારબાદ શ્રીલંકા સામે હાર્યા બાદ ભારત ટૂર્નામેન્ટના સુપર-8 તબક્કામાં પણ પહોંચી શક્યું નથી. આખો દેશ આ પરાજયને કારણે નિરાશામાં ડૂબી ગયો હતો. તે સમયે ટીમના કોચ ગ્રેગ ચેપલ હતા અને કેપ્ટન રાહુલ દ્રવિડ હતો. અત્યારે ભારતીય ટીમ 2023 વર્લ્ડકપની તૈયારી કરી રહી છે. આ વખતે રાહુલ દ્રવિડ કોચની ભૂમિકામાં છે અને ટીમ ફરી એકવાર એ જ ભૂલો કરી રહી છે જે 2007ના વર્લ્ડ કપ પહેલા ગ્રેગ ચેપલે કરી હતી.
બેટિંગ લાઇનઅપ સાથે છેડછાડ?

2007ના વર્લ્ડકપ પહેલા ભારતીય ટીમની બેટિંગ લાઇનઅપ સાથે ઘણી ચેડાં થયાં હતાં. ઓપનર સચિન તેંદુલકરને ચોથા નંબર પર મોકલવામાં આવ્યો હતો. રોબિન ઉથપ્પા ઓપનર બન્યો હતો. ક્યારેક ઈરફાન પઠાણ નંબર-3 પર રમી રહ્યો છે તો ક્યારેક મહેન્દ્ર સિંહ ધોની. ટૂર્નામેન્ટમાં સ્થિતિ એવી થઈ ગઈ કે ટીમ ઈન્ડિયાને કંઈ સમજાયું નહીં. ત્રણ મેચમાં ટીમે બે અલગ-અલગ ઓપનિંગ જોડી સાથે મેદાન પર ઉતરી હતી. વર્લ્ડકપ પહેલા જેની સતત અજમાયશ થઇ હતી તે ઈરફાન પઠાણને વર્લ્ડકપની પ્લેઈંગ ઈલેવનમાં સામેલ જ કરવામાં આવ્યો ન હતો. જ્યારે ધોની 7મા ક્રમે બેટીંગમાં ઉતર્યો હતો. સેહવાગના નંબર સાથે પણ ઘણીવાર ફેરફાર કરવામાં આવ્યો હતો.

2023માં એ જ કથાનું પુનરાવર્તન
2023ના વર્લ્ડકપ પહેલા 2007ની એ જ કથાનું પુનરાવર્તન થઈ રહ્યું છે. રોહિત શર્મા વેસ્ટ ઈન્ડિઝ સામેની વનડે સીરિઝની પ્રથમ મેચમાં 7મા નંબરે ઉતર્યો હતો. વિરાટને બેટિંગ કરવા માટે ઉતારવામાં જ ન આવ્યો. બીજી મેચમાં રોહિત-વિરાટને પડતો મૂકવામાં આવ્યા હતા. ત્રીજા નંબરે સંજુ સેમસન અને ચોથા નંબરે અક્ષર પટેલ રમવા આવ્યો હતો. આ સીરીઝ પહેલા ભારતે ઓસ્ટ્રેલિયા સામે ચેન્નાઈમાં વનડે રમી હતી. તેમાં અક્ષર પટેલ 5મા નંબરે આવ્યો હતો. જાન્યુઆરીમાં ન્યૂઝીલેન્ડ સામે મિડલ ઓર્ડરમાં રમનાર ઈશાન કિશન ઓપનિંગ કરી રહ્યો છે.

કેપ્ટન્સીથી લઈને બોલિંગ સુધીના પ્રયોગો
અનિલ કુંબલે 2005થી વનડેમાં મર્યાદિત સંખ્યામાં મેચ રમતો હતો. તેને વર્લ્ડકપની ટીમમાં એન્ટ્રી મળી હતી. મોહમ્મદ કૈફ, જે 4-5 વર્ષથી મુખ્ય વન ડે ખેલાડી હતો, તેને ટુર્નામેન્ટના થોડા મહિના પહેલા ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. ત્યારે પણ સેહવાગ પસંદગીની મેચોમાં કેપ્ટનશીપ મળતી હતી. આ વખતે પણ કંઈક એવું જ જોવા મળી રહ્યું છે. 2013માં છેલ્લે વનડે રમનાર ઉનડકટ ટીમમાં પાછો ફર્યો છે. શિખર ધવન આઉટ થયો છે. વેસ્ટ ઈન્ડિઝ સામેની બીજી મેચમાં હાર્દિક પંડ્યાએ કેપ્ટનશીપ કરી હતી.

આ કયા પ્રકારની વર્લ્ડકપની તૈયારી છે?
વર્લ્ડકપ પહેલા તમામ ખેલાડીઓ મેચ પ્રેક્ટિસ કરે તેવી અપેક્ષા છે. પરંતુ વેસ્ટઈન્ડિઝ સામેની વનડે સીરીઝમાં સામેલ ઝડપી બોલરો પર નજર કરીએ તો શાર્દુલ ઠાકુર સિવાય કોઈ વર્લ્ડકપમાં રમવાના હોય તેવું લાગતું નથી મહંમદ શમી ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ બાદથી આરામ કરી રહ્યો છે. તે સીધો એશિયા કપ જેવી મોટી ટુર્નામેન્ટમાં રમશે. ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ બાદ રોહિતે ચાર ઇનિંગ્સમાં બેટિંગ કરી છે જ્યારે કોહલીએ ત્રણ ઇનિંગ્સમાં બેટિંગ કરી છે. વેસ્ટ ઈન્ડિઝ સામેની છેલ્લી વનડે બાદ તેને ફરી એક મહિનાનો આરામ મળશે. કારણ કે ભારતે 2 સપ્ટેમ્બરે પાકિસ્તાન સામે આગામી વનડે રમવાની છે. ત્યારે એવો સવાલ ચોક્કસ થઇ શકે કે આ તે કેવી વર્લ્ડકપની તૈયારી?

Most Popular

To Top