Vadodara

તાઉતેનો મહિલા અધિકારીઓએ કર્યો પ્રતિકાર

વડોદરા :  તાઉતે વાવાઝોડાનો વડોદરા જિલ્લાની મહિલા અધિકારીઓએ તેમની ફરજ નિષ્ઠા અને કર્મઠતા ઉપરાંત મક્કમ મનોબળ સાથે પ્રતિકાર કર્યો હતો. તાઉ’તે વાવાઝોડાનો વડોદરા જિલ્લામાં નારી શક્તિના પ્રતિક સમા કલેકટર શાલિની અગ્રવાલ સહિત આઠ અધિકારીઓએ પોતાને સોંપાયેલી ફરજને સાર્થક કરીને જે મજબૂતાઇથી પ્રતિકાર કર્યો હતો, તે પ્રેરક છે.

પાદરા તાલુકા લાયઝન તરીકે ફરજ બજાવનાર જમીન સંપાદન અધિકારી નિયતી ઉત્સવે જણાવ્યું કે, પાદરા મામલતદાર તરીકે મહિલા હતા. આ પૂર્વે પણ પ્રિ-મોન્સુન લાયઝન તરીકે નિમણૂંક કરાઇ હતી, એટલે તે ફરજ પરના સ્ટાફથી અને અધિકારીથી પરિચિત હતા. વાવઝોડાનો પ્રતિકાર કરવામાં એમજીવીસીએલ, વન, માર્ગ અને મકાન (પંચાયત) દરેક વિભાગનો ફાળો રહ્યો. બધા વચ્ચે સારું સંકલન હતુ તેના પરિણામે કોવિડ હોસ્પિટલમાં એકપણ દર્દીને તફલીફ પડી ન હતી. સુચારું સંકલનરૂપે કોવીડ હોસ્પિટલમાં ડિઝલ જનરેટરના સેટ લગાવવામાં આવ્યા હતા. 

નાયબ કલેકટર તરીકે ફરજ બજાવતા શ્રધ્ધા શ્રીમાળીએ જણાવ્યું કે, ડેસરમાં કોઇ મોટી કોવિડ હોસ્પિટલ નથી, તકેદારીના ભાગરૂપે ઓક્સિજનની જરૂરિયાતવાળા દર્દીને સાવલી શિફ્ટ કરી દીધા. તાલુકા મામલતદારની ડિઝાસ્ટરની મહત્વની ભૂમિકા ભજવતા એક મહિલા ગર્ભવતી હતા જેમણે સતત કામગીરી કરી હતી. બે દિવસ સુધી રાત્રે કચેરી ખાતે જ તેઓ રહ્યા હતા. રાત્રે ફરજ દરમિયાન પણ સ્ત્રી-પુરૂષ જેવા જાતિગત ભેદ વિના તમામ કર્મચારીઓએ ફરજ બજાવી પોતાની કર્મઠતા અને કર્તવ્ય નિષ્ઠાની પ્રતીતિ કરાવી હતી. સ્ત્રી-પુરૂષના કોઇપણ ભેદભાવ વિના દરેક સરખી રીતે કામ કરતા હતા. આ ફરજ દરમિયાન સાઇટ વિઝીટ કરી લોકોનો પણ એટલે સહકાર મળ્યો. વન વિભાગમાં કર્મચારી-અધિકારી તરીકે કેટલીય મહિલાઓ ફરજ બજાવે છે. તાઉ’તે વાવાઝોડા ફરજ દરમિયાન તેઓને ૬ વૃક્ષો અને દિવાલ પડી ગયાની ફરિયાદ મળી હતી.

Most Popular

To Top