Dakshin Gujarat

તાપી નદી કિનારે વસતુ એક નગર અગ્નિકાંડમાં બળીને રાખ થઇ ગયું હતું, બચી ગયેલા લોકો..

સુરત : વ્યારાનગરની ઐતિહાસિક્તા (Historical place) અંગે સને 2012માં મહાશોધ નિબંધ તૈયાર કરાયો હતો. વીર નર્મદ દ.ગુજરાત યુનિવર્સિટીમાં રજુ કરાયેલા આ મહાનિબંધમાં વ્યારામાં સોલંકી અને ગાયકવાડી શાસનનો ઉલ્લેખ કરવા સાથે વ્યારાનું નામ અને તે ક્યારે વસ્યું તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

વ્યારાની ઐતિહાસિક્તા અને તેના શાસન અંગે સંશોધન કરીને મહાનિબંધ યુનિવર્સિટીમાં રજુ કરવામાં આવ્યો હતો. ગોસાઇ ચૈતાલી સન્મુખગીરીએ ડો.હિતેન્દ્રસિંહ ખરવાસિયા (ખરવાસિયા કોલેજ, વ્યારા)ના માર્ગદર્શન હેઠળ પીએચડી કરી હતી. જેમાં વ્યારાના નામ અને વ્યારા ટાઉન કઇ રીતે વસ્યુ તે બાબતને આવરી લેવાઇ છે. સોલંકી શાશન દરમિયાન વ્યારાનું નામ વૈહારિકા હતું. તે પહેલા વિજયનગર તરીકે પણ વ્યારાને ઓળખાતું હોવાની લોકમાન્યતા પ્રચલિત હતી. સોલંકી વંશના શાસક જયસિંહ ત્રીજાના પુત્ર વિજયસિંહે મંગલપુરીમાં પોતાની સત્તા સ્થાપી હતી. મંગલપુરીએ વ્યારા તાલુકામાં આવેલું માંગળિયા છે. વિક્રમ સંવત 1149 (ઇ.સ.1093)માં વિજયસિંહે મંગલપુર-મંડલમાનું એક ગામ બ્રાહ્મણને દાનમાં આપ્યું હતું. એણે પોતાના નામે વિજયપુર વસાવી ત્યાં રાજધાની સ્થાપી હતી.

વ્યારા નગરની પ્રાચીનતા તથા તેની હયાતીની જાણકારી મુજબ એક એવી પણ માન્યતા છે કે, સદીઓ પૂર્વે સુર્યપુત્રી તાપી નદીના દક્ષિણ કિનારે, અનેક જોજનમાં ફેલાયું આબાદીથી ભરપૂર, સુખી એવું એક નગર વસતું હતું. આ નગરમાં એક કાળરાત્રિના અશુભ ચોઘડિયે અગ્નિનું એક ભયંકર તાંડવ ખેલાયું અને આ અગ્નિકાંડમાં એ સમૃદ્ધ નગર બળીને ભસ્મીભૂત થઇ ગયું. તે નગરની ભુમિને અપશુકનિયાળ માનીને અથવા તો આ વિકરાળ દ્રશ્યની યાદ ભૂલવા માટે બાકી બચેલી વસ્તી સ્થળાંતર કરીને મીંઢોળા નદીના તટે આવી વસી તેને આજનું વ્યારા તરીકે ઓળખાય છે.

Most Popular

To Top