Editorial

ભારતમાં શહેરોમાં વધુ કમાણીની ચર્ચા પણ સુપર રિચ પરિવારોની સંખ્યા ગામડાઓમાં વધુ

પ્રત્યેક ભારતીયની વિચારસરણી એવી છે કે ગામડા કરતાં શહેરમાં કમાણી વધુ છે અને આ કારણે જ લોકો ગામડાઓમાંથી શહેર તરફ પ્રયાણ કરે છે. ભૂતકાળમાં ગામડાઓમાં રહેતા લોકોની સંખ્યા ખૂબ વધારે હતી પરંતુ હાલમાં ભારતમાં દેશની 68 ટકાથી વધુ વસતી ગામડાઓમાં વસે છે અને બાકીની 31 ટકાથી વધુ વસતી શહેરમાં વસે છે. સામાન્ય માન્યતા એવી છે કે શહેરોમાં વધારે પૈસા મળે છે પરંતુ જો તાજેતરમાં જે એક અંદાજ મૂકવામાં આવ્યો છે તે એવું બતાવી રહ્યો છે કે ભવિષ્યમાં ભારતના શહેરો કરતાં ગામડાઓમાં સુપર રીચ લોકોની સંખ્યા વધારે હશે.

નોટ ફોર પ્રોફિટ થિંક ટેન્ક પીપલ રિસર્ચ ઓન ઈન્ડિયાઝ કન્ઝ્યુમર ઈકોનોમીસ (પ્રાઈસ) દ્વારા નાણાંકીય વર્ષ 2030-31માં ભારતમાં સુપર રિચ પરિવારોની સંખ્યા 91 લાખ પર પહોંચવાની સંભાવના દર્શાવવામાં આવી છે. જ્યારે વર્ષ 2046-47માં સુપર રિચ લોકોની સંખ્યા 3.27 કરોડ થશે તેવો અંદાજ મૂકવામાં આવ્યો છે. જે પરિવારની વાર્ષિક આવક આશરે 2 કરોડ રૂપિયા છે તેને સુપર રિચ તરીકે ઓળખવામાં આવે છે. ભૂતકાળમાં 1994-95માં આવા પરિવારોની સંખ્યા ભારતમાં માત્ર 98 હજાર જ હતી પરંતુ ત્યારબાદ તે ધીરેધીરે વધવા માંડી અને 2020-21માં આ સંખ્યા વધીને 18 લાખ થઈ ગઈ હતી. જે પરિવાર દ્વારા વાર્ષિક 30 લાખની આવક કરવામાં આવે છે તે પરિવારોને રિચ તરીકે ઓલખવામાં આવે છે.

આવા પરિવારોની સંખ્યા પણ 2024થી 2047 સુધીમાં 43.7 કરોડ થવાની ધારણા છે. સંસ્થાય દ્વારા દેશના 25 રાજ્યોમાં 40 હજાર પરિવારોને મળીને આ સરવે કરવામાં આવ્યો હતો. વર્ષ 2020-21માં પુરા થયેલા પાંચ વર્ષમાં સુપર રિચ પરિવારોની સંખ્યામાં મોટો ઉછાળો જોવા મળ્યો હતો. 2015-16માં સુપર રિચ પરિવારોની સંખ્યા જ્યાં 10.6 લાખ હતી ત્યાં આ સંખ્યા 2020-21માં વધીને 18 લાખ થઈ ગઈ હતી. સુપર રિચ પરિવારોમાં સૌથી વધુ મુંબઈ અને દિલ્હીમાં છે જ્યારે ત્યારબાદ સુરત, બેંગ્લુરૂ, અમદાવાદ અને પુણેમાં રિચ પરિવારો વધ્યા છે. તેમાં પણ સુરત અને નાગપુરમાં સુપર રિચ પરિવારોનો વધારો ખૂબ ઝડપી રહ્યો છે.

શહેરી વિસ્તારોમાં સુપર રિચનો વધારો 10.6 ટકાના દરે વધ્યો, જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં સુપર રિચ પરિવારોનો વધારો 14.2 ટકાના દરે વધવા પામ્યો છે. આ જ રીતે ગ્રામ્ય વિસ્તારોમાં રિચ પરિવારોનો વધારો 12 ટકાનો રહ્યો અને શહેરી વિસ્તારોમાં તે 9.4 ટકાનો રહ્યો છે. દેશમાં સુપર રિચ પરિવારોમાં સથી વધુ મહારાષ્ટ્રમાં 6.48 લાખ પરિવારો નોંધાયા છે. જ્યારે બીજા ક્રમે દિલ્હીમાં 1.81 લાખ પરિવાર અને ત્રીજા ક્રમે ગુજરાતમાં 1.41 લાખ પરિવારો સુપર રિચની કક્ષામાં નોંધાયા છે. ત્યારબાદ તમિલનાડુ 1.37 લાખ, પંજાબ 1.01 લાખ સુપર રિચ પરિવારો નોંધાયા છે. દેશમાં 70 ટકા રિચ પરિવારો મહારાષ્ટ્ર, તમિલનાડુ, ઉત્તરપ્રદેશ, ગુજરાત, દિલ્હી, કર્ણાટક, પશ્ચિમ બંગાળ અને પંજાબમાં જ છે. જ્યારે બિહાર, યુપી અને ઓડિશામાં માજ્ઞ 11 ટકા જ સુપર રિચ પરિવારો છે.

સરવે એવું કહે છે કે, 2047 સુધીમાં દેશની 166 કરોડની વસતીમાંથી 102 કરોડ લોકો મિડલ ક્લાસમાં હશે. સરવે એવું બતાવી રહ્યો છે કે, ભલે શહેરી વિસ્તારોમાં આવકનું પ્રમાણ વધારે હોય પરંતુ જો રિચ કે પછી સુપર રિચની કક્ષામાં આવતાં પરિવારોની વાત હોય તો તે ગ્રામ્ય વિસ્તારોમાં જ વધારે નોંધાયેલા છે. આજે પણ ગામડામાં રહેલા લોકોની સંપત્તિ શહેરમાં રહેલા લોકો કરતાં વધારે છે. આ વધારામાં મોટો ભાગ જમીનોની કિંમતે પણ ભજવ્યો છે. છેલ્લા કેટલાક વર્ષોમાં જમીનોની કિંમતમાં મોટો વધારો થયો છે અને તેણે પણ સુપર રિચ પરિવારોની સંખ્યા વધારી છે તે સત્ય છે. આ સરવે બતાવી રહ્યું છે કે દેશની સમૃદ્ધિ આજે પણ શહેરોને બદલે ગામડાઓમાં સચવાયેલી છે તે નક્કી છે.

Most Popular

To Top