Columns

વાત એક પથ્થરની

એક ગામમાં એક ખેડૂત રહેતો હતો. તે રોજ પોતાના ખેતરમાં કામ કરતો. તેના ખેતરમાં એક પથ્થર જમીનમાં સજ્જડ ફસાયેલો હતો. પથ્થરનો થોડો ભાગ જમીનથી ઉપર નીકળેલો હતો, જેનાથી અથડાઇને તે ઘણી વખત પડી ચૂક્યો હતો. ઘણી વાર તેના પગની આંગળીનો નખ ઉખડયો હતો અને લોહી નીકળ્યું હતું. કેટલી વખત તેનાથી અથડાઇને ખેતીનાં ઓજાર પણ તૂટી જતાં હતાં. ખેડૂત ઘણી વખત વિચારતો કે આ પથ્થરને જમીનમાંથી કાઢી નાખું, જેથી સમસ્યા ખતમ થાય, પરંતુ દરેક વખતે તે વિચાર ‘વિચાર’ જ રહેતો.

ક્યારેક તે આળસ કરતો કે પછી કાઢીશ.કયારેક વિચારતો આ પથ્થર તો જમીનની ખૂબ અંદર સુધી ઘૂસેલો હશે, મોટો હશે તો કાઢવો ખૂબ જ મુશ્કેલ થશે.મારા એકલાથી નહિ નીકળે.આવું વિચારીને ખેડૂત તે પથ્થરને કાઢવાનો પ્રયાસ જ નહોતો કરતો. વાવણીની મોસમ આવી.વાવણી માટે ખેતરને તૈયાર કરવા ખેડૂત ખેતર ખેડી રહ્યો હતો, બરાબર કામને ટાણે જ તેનું હળ પથ્થરથી અથડાયું અને તૂટી ગયું. ખેડૂત મુશ્કેલીમાં મૂકાઈ ગયો. તેણે એ જ સમયે નક્કી કર્યું કે આજે કંઈ પણ થઈ જાય, હું આ પથ્થરને જમીનમાંથી કાઢીને જ રહીશ.

બહુ મોટો પથ્થર હશે તેમ વિચારી તે મદદ માટે પોતાના મિત્રોને બોલાવી લાવ્યો અને ખોદકામ શરૂ કર્યું. બધા લોકો ખૂબ જોરજોરથી તે પથ્થરને કાઢવા માટે મહેનત કરવા લાગ્યા. ખેડૂતને લાગતું હતું કે આ પથ્થરને કાઢવા માટે ખૂબ મહેનત કરવી પડશે, પરંતુ જ્યારે ખોદકામ શરૂ કર્યું તો તે ખૂબ જ નાનકડો પથ્થર નીકળ્યો, જે થોડી મહેનતથી જ બહાર આવી ગયો.પથ્થર ખેતરની જમીનમાંથી નીકળી ગયો એટલે ખેડૂત ખુશ તો થયો, પણ મનોમન અફસોસ પણ કરવા લાગ્યો  કે જેને તે આજ સુધી મોટો પથ્થર સમજી રહ્યો હતો તે તો એક સામાન્ય પથ્થર નીકળ્યો. આળસમાં મહેનતથી બચવાના ચક્કરમાં અને બહુ મોટો પથ્થર હશે તે ખોટી માન્યતાથી આટલા સમયથી તેનું નુકસાન થઈ રહ્યું હતું.મોટો પથ્થર હશે ..

આસાનીથી નહિ નીકળે તેવી માન્યતા કે ડર રાખ્યા વિના આ આજે કરી તે મહેનત પહેલાં જ કરી લેત તો તેનું આટલું નુકસાન ન થયું હોત.આપણે પણ ઘણી વખત જીવનમાં  આવનારી નાની-નાની મુશ્કેલીઓને ખૂબ મોટી સમજી લઈએ છીએ અને તેનાથી છુટકારો મેળવવાની જગ્યાએ તકલીફ ભોગવતા રહીએ છીએ. પછી જ્યારે આપણે આ સમસ્યાનો ઉકેલ લાવી દઇએ છીએ ત્યારે ખબર પડે છે કે સમસ્યાનો ઉકેલ એટલો અઘરો ન હતો નાહક  આપણે આટલા સમયથી પોતાનું જ નુકસાન કરી રહ્યા હતા. એટલે સમસ્યા નાની હોય કે મોટી, તેનો ઉકેલ તરત લાવી દેવામાં જ શાણપણ છે.
-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top