SURAT

સુરતમાં હવે આ કારણે વિવિંગ એકમોમાં એકજ પાળી ચલાવવાની નોબત

સુરત: (Surat) શહેરમાં સતત વધી રહેલા કોરોનાના કેસોને લીધે પરપ્રાંતિય મજૂરોમાં ભયનો માહોલ ફેલાયો છે. તે ઉપરાંત લગ્નસરાની મોસમ હોવાથી પરપ્રાંતિય મજૂરો વતન પલાયન કરી રહ્યા છે. કામદારોની અછત (Workers Shortage) સર્જાતા કેટલાક વિસ્તારોમાં લૂમ્સ કારખાનોમાં એકજ પાળી ચલાવવની નોબત આવી છે. જો મજૂરોનો પલાયન નહીં રોકાય તો ગત વર્ષની જેમ કામદારોની સમસ્યા સર્જાઇ શકે છે.

સુરત શહેર-જિલ્લામાં 1.50 લાખ વીવર્સના 6.50 લાખથી વધુ મશીનો ધમધમે છે. દિવાળીથી હોળી દરમિયાન કોરોના બિમારીનું સંક્રમણ ઘટી જતા કાપડ ઉદ્યોગમાં પૂરજોશમાં કામ ચાલ્યું હતું, મહાનગર પાલિકાની ચૂંટણી બાદ શહેર અને દક્ષિણ ગુજરાતમાં કોરોના વકરતા શહેરની સ્થિતિ બદતર થઈ છે. વિવિંગ ઇન્ડસ્ટ્રી પર તેની અસર દેખાવા લાગી છે. એક જ રૂમમાં મોટી સંખ્યામાં કારીગરો રહેતા હોય તેઓ પણ કોરોના બિમારીની ઝપેટે ચઢવા લાગ્યા છે. જેને લીધે કારીગરો વતન તરફ દોટ મૂકવા માંડ્યા છે. વણાટ એકમોમાં કારીગરોની અછત સર્જાવા લાગી હોય મશીનોનો ધમધમાટ મંદ પડી ગયો છે.

સચીન ઈન્ડસ્ટ્રીયલ કો.ઓ. સોસાયટીના માજી સેક્રેટરી મયૂર ગોળવાલાએ કહ્યું કે, અનેક વણાટ એકમોમાં એક પાળી જ મશીનો ચલાવવાની ફરજ પડી રહી છે. ઉત્પાદન ઘટાડવાની નોબત ઉભી સર્જાઇ છે. કીમના વીવર્સ એસોસિયેશનના રસીક કોટડીયાએ કહ્યું કે, હોળીમાં કેટલાંક કારીગરો વતન ગયા હતા તે પરત ફર્યા નથી અને હવે કોરોનાના ડરથી કારીગરો જઈ રહ્યાં છે, જેના લીધે કારીગરોની અછત ઉભી થઈ છે. બીજી તરફ હોળી બાદ કોરોના વધતા સરકારી નિયંત્રણોના પગલે કાપડ માર્કેટમાંથી ગ્રેની ખરીદીના ઓર્ડર ઘટી ગયા છે. જૂના પેમેન્ટ પણ છૂટી રહ્યાં નથી. તેથી હાલમાં વીવર્સ કારીગરોને સાચવવા પૂરતા માંડ 20 ટકા જેટલું જ પ્રોડક્શન લઈ રહ્યાં છે. વીવીંગ યુનિટમાંથી કાપડ માર્કેટ કે મિલ ક્યાંય ગ્રેની ડિલીવરી હાલ થઈ રહી નથી. જો પરિસ્થિતિ નહી સુધરે તો આવનારા દિવસોમાં કાપડ ઉદ્યોગ માટે મોટી મુશ્કેલી સર્જાશે.

Most Popular

To Top