SURAT

સુરતમાં ઉત્તર ભારતીય કામદારોનું પલાયન, કરફ્યુ લાગી જતો હોવાથી કામદારો રાતથી જ રેલવે સ્ટેશન પહોંચી જાય છે

સુરત: (Surat) યુપી, બિહાર સહિત ઉત્તરભારત કામદારોને લઇ જતી લક્ઝરી બસના ટ્રાવેલર્સ પર વહીવટી તંત્રએ ભીંસ વધારતા કામદારો સુરત અને ઉધના સ્ટેશનેથી (Surat Udhna Railway Station) જતી ટ્રેનોનો મહત્તમ ઉપયોગ કરી રહ્યા છે. સુરતમાં કોરોના સંક્રમણના કેસો વધવા સાથે હોસ્પિટલમાં બેડ અને વેન્ટિલેટર નહી મળતા ગભરાયેલા કામદારો નાના બાળકો સહિતના પરિવારના સભ્યોને લઇ રાતે આઠ વાગ્યે કરફ્યુ લાગે તે પહેલા બીજા દિવસે સવારે ઉપડનારી ટ્રેનોમાં (Train) બેસીને વતને જવા માટે એક દિવસે પહેલાજ સુરત રેલવે સ્ટેશને પહોંચી રહ્યા છે.

આવતીકાલે શનિવારે ઉત્તરભારત જતી ટ્રેનમાં પ્રવાસ કરવા માટે મોટી સંખ્યામાં કામદારો પરિવારજનોને લઇ શુક્રવારે આઠ વાગ્યે કરફ્યુ લાગે તે પહેલાજ સુરત રેલવે સ્ટેશને આવી પહોંચતા રેલ્વે સ્ટેશનો ગ્રાઉન્ડ ફ્લોર ઉભરાઇ ગયો હતો. ટ્રેન શનિવારે સવારે 8 વાગ્યાની હોવા છતા લોકો શુક્રવારે સાંજે સાત વાગ્યેજ સ્ટેશને આવી પહોંચ્યા હતા. આવોજ નજારો ઉધના રેલવે સ્ટેશને પણ જોવા મળી રહ્યો છે. કામદાર અગ્રણીઓ કહે છે કે છેક વાપી, ઉમરગામ,અતુલ,નવસારી,બિલિમોરાથી કામદાર પરિવારો ટ્રેન પકડવા એક દિવસ અગાઉ સુરત રેલવે સ્ટેશને આવી રહ્યા છે. કારણ કે ત્યાંથી તેમને લોકલ ટ્રેન સવારે મળી રહી નથી.

એવીજ રીતે સુરતની સ્મશાન ભૂમિઓમાં મૃતદેહોના વેઇટિંગના ફોટોગ્રાફ અને વીડિયો નિહાળ્યા પછી સુરતમાં રહેતા કામદારો પણ ટ્રેનોમાં વતને પહોંચી રહ્યા છે. ઉદ્યોગકારો અને વહીવટીતંત્રના 90 ટકા કામદારો સુરતમાં હોવાના દાવાઓ વચ્ચે લક્ઝરી બસ અને ટ્રેન મારફત કામદારોનું પલાયન યથાવત રહ્યુ છે. માત્ર ઉત્તરભારત નહીં પરંતુ ઓડિશાના કામદારો પણ પલાયન કરી રહ્યા છે. જેને લીધે ઉધના અને સુરત રેલવે સ્ટેશને ભીડ વધી રહી છે.

કામદારોએ વતનની વાટ પકડી, હવે વિવિંગ એકમોમાં એકજ પાળી ચલાવવાની નોબત

સુરત: શહેરમાં સતત વધી રહેલા કોરોનાના કેસોને લીધે પરપ્રાંતિય મજૂરોમાં ભયનો માહોલ ફેલાયો છે. તે ઉપરાંત લગ્નસરાની મોસમ હોવાથી પરપ્રાંતિય મજૂરો વતન પલાયન કરી રહ્યા છે. કામદારોની અછત સર્જાતા કેટલાક વિસ્તારોમાં લૂમ્સ કારખાનોમાં એકજ પાળી ચલાવવની નોબત આવી છે. જો મજૂરોનો પલાયન નહીં રોકાય તો ગત વર્ષની જેમ કામદારોની સમસ્યા સર્જાઇ શકે છે.

સુરત શહેર-જિલ્લામાં 1.50 લાખ વીવર્સના 6.50 લાખથી વધુ મશીનો ધમધમે છે. દિવાળીથી હોળી દરમિયાન કોરોના બિમારીનું સંક્રમણ ઘટી જતા કાપડ ઉદ્યોગમાં પૂરજોશમાં કામ ચાલ્યું હતું, મહાનગર પાલિકાની ચૂંટણી બાદ શહેર અને દક્ષિણ ગુજરાતમાં કોરોના વકરતા શહેરની સ્થિતિ બદતર થઈ છે. વિવિંગ ઇન્ડસ્ટ્રી પર તેની અસર દેખાવા લાગી છે. એક જ રૂમમાં મોટી સંખ્યામાં કારીગરો રહેતા હોય તેઓ પણ કોરોના બિમારીની ઝપેટે ચઢવા લાગ્યા છે. જેને લીધે કારીગરો વતન તરફ દોટ મૂકવા માંડ્યા છે. વણાટ એકમોમાં કારીગરોની અછત સર્જાવા લાગી હોય મશીનોનો ધમધમાટ મંદ પડી ગયો છે.

Most Popular

To Top