SURAT

ગજબના ઉત્સાહ સાથે સુરતની હજારો મહિલાઓએ સાડી વોકેથોનમાં ભાગ લીધો

સુરત: (Surat) ભારતીય સંસ્કૃતિની ઓળખ એવી સાડીનું (Sari) સમ્માન વધારવા અને મહિલાઓની ફિટનેસને (Fitness) ધ્યાનમાં રાખીને રવિવારે સવારે 6.30 કલાકે સુરતમાં સાડી વોકેથોનનું આયોજન કરાયું હતું. દેશમાં પ્રથમ વાર સુરતમાં યોજાયેલા આ સાડી વોકેથોનમાં (Walkathon) અલગ અલગ પ્રાંતની મહિલાઓએ પરંપરાગત સાડી પહેરીને ભાગ લીધો હતો. સુરતના અલથાણ પોલીસ ગ્રાઉન્ડ થી પાર્લે પોઇન્ટ સુધી ત્રણ કિલોમીટર સુધી મહિલાઓ સાડી પહેરીને ઉત્સાહભેર ચાલી હતી.

પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે SMC અને સુરત સ્માર્ટ સિટી ડેલવપમેન્ટ કોર્પોરેશન લિ. દ્વારા ઐતિહાસિક સાડી વોકેથોન યોજાઈ હતી. સાડી વોકેથોનમાં સુરતની મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. મહિલાઓના સ્વાસ્થ્યને અનુલક્ષીને યોજાયેલી આ વોકેથોનની થીમ ‘વોક ફોર યોર હેલ્થ ઈન સિક્સ યાર્ડ્સ ઓફ એલિગન્સ’ રાખવામાં આવી હતી. રવિવારે સવારે આ વોકેથોનને કેન્દ્રિય ટેક્સટાઇલ મંત્રી દર્શનાબેન જરદોશ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને સાંસદ સી.આર.પાટીલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, મેયર હેમાલીબેન બોઘાવાલા તેમજ સુરત મહાનગર પાલિકાના કમિશ્નર શાલિની અગ્રવાલ સહિતના મહાનુભાવોએ ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું. હજારોની સંખ્યામાં મહિલાઓ આ અવસરે હાજર રહી હતી.

વોકેથોનની શરૂઆત ગરબાના તાલે કરાઈ હતી. વોકેથોનમાં અનેકતામાં એકતાના દર્શન થયા હતાં. અહીં અલગ અલગ રાજ્યોનું પ્રતિનિધિત્વ કરતી મહિલાઓએ પોતાની પરંપરાગત ડિઝાઈન અને સ્ટાઈલની સાડીઓ પહેરી હતી. ગુજરાતી સ્ટાઈલની સાડી ઉપરાંત અહીં હરિયાણા, બિહાર, ઝારખંડ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, કેરળ, કર્ણાટક, પ.બંગાળ જેવા રાજ્યોની તુસાર, ગીચા, મધુબની પેઈન્ટિંગ સાડીઓ, કાંથા, કોસા સિલ્ક, ફૂલકરી, પટોળા, બનારસી, લહેરિય વગેરેની ઝલક જોવા મળી હતી. વોકેથોનનું મુખ્ય આકર્ષણ એ હતું કે અહીં મહિલાઓ માટે નિશુલ્ક પાણીપુરી પરોસવામાં આવી હતી. જેનો મહિલાઓએ આનંદ લીધો હતો. વોકેથોનમાં મહિલા પોલીસ અધિકારીઓ, સરકારી મહિલા કર્મચારીઓ, યુનિવર્સિટીની વિદ્યાર્થીનીઓ ઉપરાંત વિવિધ સામાજિક સંગઠનની બહેનોએ ભાગ લીધો હતો. આમ રવિવારનો દિવસ સુરતની મહિલાઓ માટે એક ઉત્સવ બની રહ્યો હતો.

આ અવસરે સાંસદ સી.આર.પાટીલે જણાવ્યું હતું કે ભારતીય પોષાકનું અભિન્ન અંગ અને વૈશ્વિક ઓળખ ધરાવતી સાડી પહેરીને ભારતીય મહિલાઓએ આપણી સંસ્કૃતિને હર હંમેશ પ્રાધાન્ય આપ્યું છે. આજે પણ તેની ઝલક અહીં દેખાઈ રહી છે. તેમણે મહિલાઓના રાષ્ટ્રીય વિકાસમાં યોગદાનની પણ પ્રશંસા કરી હતી. બીજી તરફ કેન્દ્રિય મંત્રી દર્શનાબેન જરદોશે જણાવ્યું હતું કે લઘુ ભારત સમા સુરતમાં મહિલાઓને સ્વાસ્થ્ય જાગૃતિનો સંદેશો આપતી ‘સુરત સાડી વોકેથોન’થી એક નવો રેકોર્ડ બનાવ્યો છે.

Most Popular

To Top