Gujarat

રાજ્યના 32 જિલ્લાના 3 હજાર કેન્દ્રો પર શાંતિપૂર્ણ માહોલમાં જુનિયર ક્લાર્કની પરીક્ષા સંપન્ન

રાજ્યમાં જુનિયર કલાર્કની (Junior Cleark Exam) પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ છે. રાજ્યના 3 હજાર કેન્દ્ર પર 9 લાખ જેટલા ઉમેદવારોએ પરીક્ષા (Exam) આપી છે. પરીક્ષા શાંતિપૂર્ણ રીતે થાય તે માટે 32 જિલ્લામાં 500થી વધુ સ્ક્વોડ રાખવામાં આવ્યા હતા. પરીક્ષા આપી ઉમેદવારો પોતાના ઘર તરફ રવાના થયા હતાં. એસટી બસ (ST Bus) સ્ટોશનો તેમજ રેલવે સ્ટેશન (Railway Station) પર ઉમેદવારોની ભારે ભીડ જોવા મળી હતી. પરીક્ષા પહેલા અને પરીક્ષા પછી ઉમેદવારોને મદદ કરવા માટે પોલીસે પ્રસંશનિય કામગીરી કરી હતી.

રવિવારે રાજ્યમાં યોજાયેલી જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર સરળ હોવાના કારણે ઉમેદવારોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ઉમેદવારોએ જણાવ્યું કે પેપરમાં હિસ્ટ્રી અને કૃતિઓના સવાલ પૂછાયા હતા તેમજ પેપર સરળ હતું. જોકે સરળ હોવા છતાં પેપર વધુ લાંબુ હોવાને કારણે ઉમેદવારોને સમય ઓછો પડ્યો હોવાનું જણાવા મળી રહ્યું છે. બપોરે 12.30 કલાકથી શરૂ થયેલી પરીક્ષા 1.30 વાગ્યા સુધી ચાલી હતી. ઉમેદવારોને પેપર લખવા માટે એક કલાકનો સમય અપાયો હતો.

પાછલા વર્ષોમાં પરીક્ષાના પેપર ફૂટી જવાની ઘટનાને પગલે આ વખથે જુનિયર ક્લાર્કની પરીક્ષાને લઈ સરકારે ખૂબજ સઘન વ્યવસ્થા ગોઠવી હતી. જુનિયર ક્લાર્કની પરીક્ષા માટે દરેક પરીક્ષા કેન્દ્ર પર પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. પરીક્ષાર્થીઓને માત્ર આઈકાર્ડ, આધારકાર્ડ, પેન અને કોલ લેટર સાથે પરીક્ષા કેન્દ્રોમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. જ્યારે મોબાઈલ, પાકીટ સહિતની વસ્તુઓ લઈ જવા દેવાઈ ન હતી. દરેક પરીક્ષાર્થીઓનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. તેમજ પરીક્ષાર્થીઓના બૂટ-ચપ્પલ અને મોજા પણ બહાર કઢાવવામાં આવ્યા હતા. પરીક્ષા દરમિયાન તમામ કેન્દ્રો પર વીડિયોગ્રાફી કરાઈ હતી.

પરીક્ષા શાંતિ પૂર્વક પૂર્ણ થતા ઉમેદવારોએ હાશકારો અનુભવ્યો હતો. પરીક્ષા આપનારાઓએ IPS હસમુખ પટેલની કામગીરીને વખાણી હતી તેમજ સરકારની વ્યવસ્થાના પણ વખાણ કર્યાં હતા. વિદ્યાર્થીઓ જણાવ્યું હતું કે પેપર સરળ હતુ અને શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ ગયું એ ખૂબ સારી વાત છે. આ પરીક્ષાને લઈ તેઓ છેલ્લા બે વર્ષથી રાહ જોઈ રહ્યાં હતા. બીજી તરફ હસમુખ પટેલે જુનિયર ક્લાર્કની પરીક્ષા અંગેની વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું. હસમુખ પટેલે જણાવ્યું કે   તલાટીની પરીક્ષા આવવાની હોવાથી જૂન મહિનામાં જુનિયર ક્લાર્કનું પરિણામ જાહેર કરી દેવાશે.

જણાવી દઈએ કે રાજ્યમાં બે મહિના પહેલા જૂનિયર ક્લાર્કના પેપર લીકની ઘટના સામે આવી હતી. પરીક્ષા પહેલાં પેપર લીક થતા પરીક્ષા મોકૂફ કરવામાં આવી હતી. 9 વર્ષમાં 13 વાર પેપર લીક થયા હોય તેવી ઘટના બની હોવથી વિદ્યાર્થીઓ આ વખતે પણ ચિંતામાં હતા. આ પહેલાં વર્ષ 2016માં તલાટીનું પેપર, 2018માં TAT-શિક્ષક પેપર, 2018 માં જ લોકરક્ષક દળની પરીક્ષાનું પેપર, વર્ષ 2019માં બિનસચિવાલય ક્લાર્કનું પેપર, 2021માં હેડ ક્લાર્ક, 2022માં વનરક્ષકનું પેપર અને છેલ્લે 2023માં જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થયું હતું.

Most Popular

To Top