સુરતમાં પ્રેગ્નેન્ટ મહિલાઓનું વેક્સિનેશન: 8 સેન્ટર્સ પર રજીસ્ટ્રેશન વગર સીધી રસી મેળવી

સુરત: (Surat) શહેરમાં મંગળવારે 173 સેન્ટરો પર રસીકરણ (Vaccination) હાથ ધરાયું હતું. પાલિકા દ્વારા હવે હવે સગર્ભા મહિલાઓને વેક્સિનેશન આપવાની આજથી શરૂઆત કરવામાં આવી છે. સુરતમાં આઠ જેટલા વેક્સિનેશન સેન્ટર ઉપર સગર્ભા મહિલાઓને (Pregnant Lady) વેક્સિન આપવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સુરત મહાનગર પાલિકામાં અત્યાર સુધીમાં 32 હજાર મહિલાઓનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે. જોકે જે મહિલાઓએ રજીસ્ટ્રેશન ન કરાવ્યું હોય તેમને પણ લાઈનમાં ઉભા રાખ્યા વગર તાત્કાલિક રસી આપવામાં આવી હતી. સગર્ભા મહિલાઓ માટે અલગ વ્યવસ્થા ઉભી કરી 8 સેન્ટર જાહેર કરવામાં આવ્યા છે.

પાલિકાને રોજિંદા 50થી 80 હજાર ડોઝની જરૂર હોવાથી લાઈનો લાગવાની શક્યતાઓ રહેલી છે. જોકે જેમ રસી ઉપલબ્ધ થાય છે તેમ વધુમાં વધુ લોકોને આવરી લેવાના પાલિકા દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. હાલ પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા 173 રસીકરણ કેન્દ્રોનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં પ્રથમ અને બીજા ડોઝ માટે સેન્ટર અલગ અલગ રાખવામાં આવ્યા છે.

સુરતમાં કોરોના વેક્સિનની અછત જૂન મહિનાથી છે. ત્યારે હવે બે દિવસ રસીકરણ બંધ રહેતું હોવા છતાં વેક્સિનની અછત હોવાનું લાગી રહ્યું છે. સોમવારે 165 જેટલા સેન્ટર પર રસીકરણ કરાયું હતું. જેમાં એક સેન્ટર દીઠ 135 લોકોને રસી આપવામાં આવી હતી. જ્યારે મંગળવારે સેન્ટર દીઠ 120 લોકોને જ રસી આપવામાં આવશે. સુરત સહિત રાજ્યમાં બુધવાર અને રવિવારે વેક્સિન પ્રક્રિયા બંધ રાખવામાં આવી હતી.

મંગળવાર માટે પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા સુરતમાં 173 સેન્ટર જાહેર કરાયા છે. કોવિશીલ્ડનાં પહેલા ડોઝ માટે 80 અને બીજા ડોઝ માટે 80 સેન્ટર છે. જ્યારે બે સેન્ટર વિદેશ જતા નાગરિકો માટે અને ત્રણ સેન્ટર કો-વેક્સિન રસીના છે. જેમાં પનાસ હેલ્થ સેન્ટર, અંબાનગર, ઉમિયાધામ ખાતેના વેક્સિનેશન સેન્ટરોનો સમાવેશ થાય છે.

બીજી તરફ સગર્ભા મહિલાઓ માટે વેક્સિનનો કાર્યક્રમ શરૂ કરાતા મહિલાઓને રાહત થઇ છે. પાલ, નાના વરાછા, અલથાણ, ભાઠેના સહિતના વિસ્તારોમાં વ્યવસ્થા ઊભી કરાઇ છે. સગર્ભા મહિલાઓએ ઓનલાઇન રજીસ્ટ્રેશન પણ કરાવવાની જરૂર નથી. સીધા હેલ્થ સેન્ટર જ્યાં નક્કી કર્યા છે ત્યાં જઈને પોતાનો ઓળખકાર્ડ આપીને ત્યાં જ વેક્સિનેશન લેવાની રહેશે. આઠ જેટલા વેક્સિનેશન સેન્ટર ઉપર સગર્ભા મહિલાઓને વેક્સિન આપવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. એન્ટિનેટર કેર માટે સુરત મહાનગર પાલિકામાં અત્યાર સુધીમાં 32 હજાર મહિલાઓનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે.

Related Posts