વડાપ્રધાને ટીકા ઉત્સવ ઉજવવાનું કહ્યું પણ સુરતમાં વેક્સિનેશનની સ્પીડ અડધી થઈ ગઈ

સુરત: (Surat) એક બાજુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૧થી ૧૪ એપ્રિલ દરમિયાન રસી મુકાવીને ‘રસીકરણ ઉત્સવ’ ઉજવવા દેશવાસીઓને અપીલ કરી છે. જેના ભાગરૂપે શહેરના નાગરિકો સ્થાનિક પ્રશાસન અને વિવિધ સેવા સંસ્થાઓ આયોજિત રસીકરણ (Vaccination) કેમ્પમાં તબક્કાવાર રસી મુકાવી આ ઉત્સવમાં સહભાગી બની રહી છે. શહેર ખાતે હાલ વિવિધ કેમ્પ અને મહાનગરપાલિકા આયોજિત રસીકરણ સ્થળો પરથી રોજ અંદાજિત સરેરાશ ૧૪થી ૧૫ હજાર જેટલા લોકો રસી મુકાવી રહ્યા છે. જો કે, ચિંતાની વાત એ છે કે વડાપ્રધાને ટીકા ઉત્સવની અપીલ કરી ત્યારે જ સુરતમાં (Surat) વેક્સિનેશનની સ્પીડ (Speed) ઘટીને અડધી થઇ ગઇ છે.

  • અત્યાર સુધીમાં સુરતમાં 7.13 લાખ લોકોએ વેક્સિન મુકાવી, 45 વર્ષથી નીચેની કોઈપણ વ્યક્તિને વેક્સિન નહીં મૂકવાના નિયમ બાદ વેક્સિનેશન ઘટ્યું
  • જો આવી જ સ્પીડ રહી તો શહેર આખાને વેક્સિન મૂકતાં એક વર્ષ નીકળી જશે

ચાલુ માસની શરૂઆતમાં સુરત મનપાએ એક દિવસમાં 40થી 50 હજાર લોકોને વેક્સિન મૂકી હતી. પરંતુ ત્યાર બાદ 45 વર્ષથી નીચેના કોઇ પણ વ્યક્તિને વેક્સિન નહીં મૂકવાનો નિયમ આવતાં વેક્સિનેશનની સ્પીડ ઘટી ગઇ છે. અને સરેરાશ 20 હજાર લોકોને જ વેક્સિન મૂકવામાં આવી રહી છે. આ રીતે જો વેક્સિનની સ્પીડ રહી તો શહેરના 60 લાખથી વધુ લોકોને સંપૂર્ણ વેક્સિનેશન કરતાં એક વર્ષ નીકળી જાય તેવી સ્થિતિ છે. શહેરમાં અત્યાર સુધી 7.13 લાખથી વધુ લોકોને વેક્સિન મુકાઇ ચૂકી છે.

દુકાન ચાલુ રાખવા દુકાનદાર માટે વેક્સિન કે ટેસ્ટિંગનું સર્ટિ. ફરજિયાત : 6238 દુકાન બંધ કરાવાઈ

સુરત : શહેરમાં કોરોનાના સતત વધી રહેલા સંક્રમણનું કારણ લોકો દ્વારા ગાઇડલાઇનના પાલન બાબતે રખાતી બેદરકારી પણ છે. ત્યારે મનપા દ્વારા આદેશ કરાયો છે કે, દુકાનો ખોલવા માટે કોરોનાનો નેગેટિવ ટેસ્ટ અથવા વેક્સિન મૂક્યાનું સર્ટિ. ફરજિયાત છે. આમ છતાં ઘણા દુકાનદારો તેનું પાલન નહીં કરતા હોવાથી આવા દુકાનદારોની દુકાન બંધ કરાવવામાં આવી રહી છે. સોમવારે 25 હજારથી વધુ દુકાનો પર જઇ તપાસ કરતાં 6238 દુકાનદાર પાસે બંનેમાંથી એકપણ સર્ટિ. નહીં હોવાથી તેની દુકાનો બંધ કરાવાઇ હતી. તેમજ મનપા દ્વારા એવી પણ ચીમકી આપવામાં આવી છે કે, કોવિડની ગાઇડ લાઇનનો ભંગ કરનારા સામે હવે મનપા પોલીસ ફરિયાદ પણ દાખલ કરશે. સોમવારે આવા સાત લોકો સામે કાર્યવાહી કરાઈ હતી.

Related Posts