SURAT

સુરતમાં બે સરદારજી મહિલાની હાજરી છતાં આ ટ્રીક અજમાવી કબાટ સાફ કરી ગયા

સુરતઃ (Surat) મોરાભાગળ ખાતે રહેતી મહિલાએ સોસાયટીમાં આવેલા બે સરદારજીઓને ચાવી (Key) બનાવવા બોલાવ્યા હતા. બંને અજાણ્યાઓએ મહિલાની નજર ચુકવી કબાટમાંથી (Cupboard) રોકડ અને દાગીના મળીને 62,500 રૂપિયાની ચોરી (Theft) કરી નાસી ગયા હોવાની ફરિયાદ રાંદેર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.

  • મોરાભાગળ ખાતે ચાવી બનાવવાના બહાને આવેલા બે સરદારજી કબાટ સાફ કરી ગયા
  • રોકડ તથા દાગીના મળી 62,500ની ચોરી, બીજી ચાવી માંગી વાંકી કરી કબાટમાં નાંખી ચેક કરવાના બહાને ખાનું બહાર કાઢ્યું હતું
  • રંજનબેન તેમના પરિવાર સાથે બહાર જવાની હોવાથી તેમને તથા સાસુ લોખંડના કબાટમાં રૂપિયા જોવા ગયા તો કબાટમાં મુકેલા રોકડા 10 હજાર ગાયબ હતા
  • કબાટના અંદર બીજા ખાનામાં જોતા સોના ચાંદીના દાગીના પણ ગાયબ હતા

મોરાભાગળ ખાતે ખાંડાકુવા ભરૂચાની વાડી પાસે રહેતી 47 વર્ષીય રંજનબેન જયંતીભાઇ પ્રજાપતિએ રાંદેર પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ ગત 12 મે ના બપોરે રંજનબેનના સાસુ ગંગાબેન બપોરના દોઢ થી અઢી વાગ્યાના સમયગાળામાં ઘરે એકલા હતા. ત્યારે બે સરદારજી જેવા અજાણ્યા ગંગાબેન પાસે આવી તાળાની ચાવી બનાવવાનુ કહ્યું હતું. જેથી ગંગાબેને ઘરના જુના તાળાની ચાવી બનાવવા માટે તાળુ અંદર લેવા ગયા હતા. આ બંને તેમની પાછળ ઘરની અંદર ઘુસી ગયા હતા. બાદમાં ગંગાબેને આ બંનેને તાળુ આપી ચાવી બનાવવાનું કહ્યું હતું. ચાવી બનાવતા બનાવતા બીજી કોઇ ચાવી હોય તો આપો તેમ કહ્યું હતું. જેથી ગંગાબેને તેઓને કબાટની ચાવી આપી હતી.

બંનેએ આ ચાવી વાંકી વાળી દિધી હતી. અને ચાવી સીધી કરવાનુ કહેતા ચાવી સીધી કરી કબાટમાં લગાડી હતી. અને કબાટમાંથી બાજુનુ ખાનુ બહાર કાઢ્યું હતું. ચેક કરીને ગંગાબેનને ચાવી પરત આપી દિધી હતી. બાદમાં બંને અજાણ્યા મજુરીના 30 રૂપિયા લઈને જતા રહ્યા હતા. રંજનબેન તેમના પરિવાર સાથે બહાર જવાની હોવાથી તેમને તથા સાસુ લોખંડના કબાટમાં રૂપિયા જોવા ગયા તો કબાટમાં મુકેલા રોકડા 10 હજાર ગાયબ હતા. કબાટના અંદર બીજા ખાનામાં જોતા સોના ચાંદીના દાગીના પણ ગાયબ હતા. રાંદેર પોલીસ સ્ટેશનમાં કુલ 62,500 રૂપિયાના ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસે વધારે તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top