SURAT

સુરતમાં કાપડ વેપારીને ટેલીગ્રામ એપ્લિકેશન પર અજાણ્યાએ મેસેજ કર્યો, ઈન્વેસ્ટ કરાવી નફો બતાવ્યો અને..

સુરત: કાપોદ્રા (Kapodra)ખાતે રહેતા અને પુણા કેનાલ પર કાપડનો વેપાર કરતા વેપારી સાથે ટેલીગ્રામ (Teligram) એપ્લિકેશન (Application) પર સંપર્ક થતાં અજાણ્યાએ ઇન્વેસ્ટના (Invest) બહાને રૂપિયા લઈ શરૂઆતમાં નફો બતાવ્યો હતો. બાદમાં ટુકડે ટુકડે 8.08 લાખ લઈ તેમાંથી માત્ર 1.24 લાખ આપી બાકીના 6.84 લાખ નહીં આપી છેતરપિંડી કરી હોવાની ફરિયાદ (Complaint) સાયબર ક્રાઈમ પોલીસમાં (Police) નોંધાઈ હતી.

કાપોદ્રા ખાતે સમ્રાટ સોસાયટીમાં રહેતા 26 વર્ષીય યોગેશ વાલજી સખરેલીયા પુણા કેનાલ રોડ પર આર.વી.એન્ટરપ્રાઈઝના નામે સાશ્વત પ્લાઝામાં કાપડનો વેપાર કરે છે. ગત જુલાઈ-2021માં તેમના મોબાઈલમાં ટેલીગ્રામ એપ્લિકેશનમાં અમે ટ્રેડિંગનું કામ કરીએ છીએ અને તેમા ઇન્વેસ્ટ કરવાથી દસથી બાર ટકા જેટલું વળતર મળશે તેવો મેસેજ એમસીએક્સ બોક્સ પ્રા.લિ. નામના ટેલીગ્રામ પરથી આવ્યો હતો. મેસેજમાં આવેલી લિંક ઓપન કરતાં વોટ્સએપ ખૂલ્યું હતું. તેમાં એક મોબાઈલ નંબર પર વાતચીત કરી હતી. એનિડેસ્ક એપ્લિકેશન દ્વારા અન્ય લોકોને કરાવેલા નફાની વિગતો બતાવતાં યોગેશભાઈને વિશ્વાસ આવ્યો હતો. જેથી વિશ્વાસમાં આવી તેમણે પહેલા 10 હજાર ઇન્વેસ્ટ કર્યા હતા. શરૂઆતમાં તેમના ખાતામાં નફા સાથેની રકમ જમા થઈ હતી. જેથી લાલચમાં આવી તેમણે ત્રણ અલગ અલગ આઈડી બનાવડાવી હતી. તેમાં ટુકડે ટુકડે 8.08 લાખ જમા કરાવ્યા હતા. જેમાંથી તેમને માત્ર 1.24 લાખ પાછા વિડ્રો કરવા મળ્યા હતા. બાકીના 6.84 લાખ વિડ્રો કરી શક્યા ન હતા. યોગેશભાઈએ તેમને હાલ જરૂર હોવાથી 2.57 લાખ વિડ્રો કરવા કહેતાં સામેવાળા વ્યક્તિએ ફોન કટ કરતાં તેમના સાથે છેતરપિંડી થઈ હોવાનું જાણવા મળ્યું હતું.

મહાઠગ પંકજ સચદેવા સામે વધુ એક 3.83 લાખની ઠગાઈનો ગુનો નોંધાયો
સુરત: રિંગ રોડની જાપાન માર્કેટમાં વેપાર કરતા વેપારી પંકજ સચદેવાની સામે વધુ એક 3.83 લાખની ઠગાઇનો ગુનો નોંધાયો છે.

પ્રાપ્ત વિગતો મુજબ અડાજણ રાજહંસ મલ્ટિપ્લેક્સ રોડ સંગીની એપાર્ટમેન્ટમાં રહેતા કમલેશ ભંવર જૈન રિંગ રોડ મિલેનિયમ માર્કેટમાં શાંતિ સારીઝના નામે વેપાર કરે છે. કમલેશ પાસેથી રિંગ રોડ જાપાન માર્કેટમાં ડી.એસ.ક્રિએશનના પ્રોપરાઈટર પંકજ સચદેવાએ સને-2018માં રૂ.2.61 લાખનો માલ તેમજ કમલેશના મિત્ર સુનીલ કિશનચંદ કોટકની પાસેથી રૂ.1.20 લાખનો માલ મળી કુલ રૂ.3.83 લાખનો માલ ખરીદ્યો હતો અને પેમેન્ટ આપ્યું ન હતું. આ પંકજ સચદેવાએ અન્ય કાપડ વેપારી પાસેથી પણ લાખો રૂપિયાનો માલ ખરીદી પેમેન્ટ આપ્યું ન હતું. આ બનાવ અંગે સલાબતપુરા પોલીસે પંકજ સચદેવાની સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

Most Popular

To Top