SURAT

સુરતના 52 વર્ષના ખેડૂતને ફેસબુક મિત્ર બનેલી 23 વર્ષીય યુવતી સાથે કારમાં જવાનું ભારે પડ્યું

બારડોલી: (Surat) સુરતના કુંભારિયા ખાતે રહેતા ખેડૂતને સોશિયલ મીડિયામાં (Social Media) સ્ત્રી મિત્ર બનાવવું ભારે પડ્યું હતું. ફેસબુક (Facebook) પર મિત્ર બનેલી એક યુવતીએ આધેડ ખેડૂતને (Farmer) બારડોલી મળવા બોલાવ્યા બાદ તેની કારમાં બેસી ગઈ હતી. નાંદીડાથી પલસાણા રોડ પર થોડે દૂર કાર (Car) ઊભી રાખી વાતચીત કરતા હતા એ સમયે યુવતીના પતિની ઓળખ આપી એક શખ્સ આવ્યો હતો અને ત્યારબાદ અન્ય કારમાં પાંચ જેટલા ઇસમે આવી પોલીસની ઓળખ આપી આધેડ ખેડૂત પાસે 20 લાખ રૂપિયાનો તોડ કર્યો હતો. આ ઘટના અંગે બારડોલી પોલીસમથકમાં ફરિયાદ નોંધાઈ છે.

  • સુરતના 52 વર્ષના ખેડૂતને ફેસબુક મિત્ર બનેલી 23 વર્ષીય યુવતી સાથે કારમાં જવાનું ભારે પડ્યું
  • પલસાણા તરફ જતાં હાઇવેના સર્વિસ રોડ પર ગાડીમાં બેસી વાતચીત કરતી વેળા નકલી પોલીસ ત્રાટકી
  • પલસાણા એલસીબીમાં હોવાનું જણાવી કેસ કરવાની ધમકી આપી હનીટ્રેપમાં ફસાવી 20 લાખ પડાવ્યા

સુરતના કુંભારિયા ગામે રહેતા 52 વર્ષીય અજિતભાઈ બારડોલીના ગોજી ગામે ખેતીની જમીન હોવાથી અવારનવાર ત્યાં આવતા હોય છે. જાન્યુઆરી માસમાં ફેસબુક પર એક યુવતીની ફ્રેન્ડ રિક્વેસ્ટ આવતાં તેણે રિક્વેસ્ટ એક્સેપ્ટ કરી હતી. મહિલાએ તેનું નામ હેતલ પટેલ અને ઉંમર 23 વર્ષ હોવાનું જણાવ્યું હતું. ગત 6 ફેબ્રુઆરીના રોજ ખેડૂત પોતાની કારમાં બારડોલીના ગોજી ગામે ખેતરે આવ્યો હતો. એ સમયે મહિલાએ મેસેજ કરી આપણે રૂબરૂ મળીએ, હું મળવા માંગું છું એમ કહી આધેડને બારડોલી રેલવે સ્ટેશન ખાતે મળવા બોલાવ્યા હતા. જ્યાંથી યુવતી કારમાં બેસી ગઈ હતી. ત્યારબાદ બંને નાંદીડા ગામથી પલસાણા તરફ જતાં હાઇવેના સર્વિસ રોડ પર ગાડીમાં બેસી વાતચીત કરતા હતા. એ સમયે ચારેક અજાણ્યા વ્યક્તિઓ તેમની કાર પાસે આવ્યા હતા.

જે પૈકી એક શખ્સે આધેડને તમાચો મારી પોતે હેતલનો પતિ હોવાની ઓળખ આપી હતી. ત્યારબાદ આધેડનો મોબાઇલ ફોન લઈ લીધા બાદ બળજબરીથી કારમાં બેસી ગયા હતા. ગાડી નાંદીડાથી પલસાણા હાઇવે તરફ હંકારી ઘલુડા પાટિયા પાસે જતાં જ પલસાણા તરફથી એક કાર આવી હતી. હેતલ પટેલ અને અન્ય બે ઇસમો ખેડૂતની કારમાંથી ઊતરી બીજી કારમાં બેસી ગયા હતા અને બીજી કારમાંથી ત્રણ શખ્સ ઊતરીને ખેડૂતની કારમાં બેસી ગયા હતા, જેમાં પાછળ બેસેલા એક શખ્સે પોતે પલસાણા એલસીબીમાં હોવાનું જણાવી કેસ કરવાની ધમકી આપી હતી અને કેસ ન કરવું હોય તો 25 લાખ રૂપિયાની માંગણી કરી હતી. છેલ્લે 20 લાખ રૂપિયામાં સમાધાન થયું હતું.

બાદ ખેડૂતને તેના ઘર તરફ કુંભારિયા લઈ ગયા હતા અને રૂપિયા લઈ આવવા કહેતાં ખેડૂત કારમાંથી ઊતરી તેના ઘરે ગયા હતા અને ઘરમાં મૂકેલા 5 લાખ રૂપિયા રોકડા તેમજ ચેકબુક લઈને આવ્યા હતા. ત્યાંથી સુરત રોડ પર આવેલી આઇસીઆઇસીઆઇ બેન્કની શાખામાં જઈ ચેક મારફત પંદર લાખ રૂપિયા ઉપાડી કુલ 20 લાખ રૂપિયા શખ્સોને આપ્યા હતા. અને તેઓ ખેડૂતને મોબાઇલ ફોન અને કારની આપીને જતા રહ્યા હતા. સમાજમાં આબરૂની બીકે ખેડૂતે ફરિયાદ કરવાનું ટાળ્યું હતું. બાદમાં તેમના મિત્રએ હિંમત આપતાં તેમણે આ અંગે એલસીબીમાં ફરજ બજાવતા હોવાની ઓળખ આપનાર ઠગ ગૌરવભાઈ પરીખ (રહે., બારડોલી), રાહુલ ઉર્ફે કેટીએમ, ખાલીદ કુરેશી, શાહરુખ ઉર્ફે બોબો, આશુતોષ દવે, સુદામ આહિરે અને હેતલ પટેલ વિરુદ્ધ ફરિયાદ કરતાં બારડોલી ટાઉન પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top