SURAT

સુરતની સ્મીમેર હોસ્પિટલમાં શ્વાસ ફૂલી ગયો ત્યાં સુધી જુનિયર ડોક્ટરને દોડાવાયા, રેગિંગનો વીડિયો વાયરલ

સુરત: (Surat) સુરત મહાનગરપાલિકાની (SMC) સ્મીમેર હોસ્પિટલ (Smimer Hospital) ફરી એક વખત વિવાદમાં (Controversy) સપડાઈ છે. ગઈ તા. 19મી માર્ચને શનિવારે રાત્રે ઓર્થોપેડિક વિભાગના બીજા વર્ષના ત્રણ રેસિડન્ટ ડોક્ટરો દ્વારા પ્રથમ વર્ષના રેસિડન્ટ ડોક્ટરની હોસ્પિટલ બિલ્ડિંગમાં દોડવાની સજા આપવામાં આવી હોવાની ચર્ચા ઉઠી છે. આ સમગ્ર ઘટનાનો વિડિયો (Video) સોશિયલ મીડિયામાં (Social Media) વાઇરલ (Viral) થતાં સ્મીમેર હોસ્પિટલના ડીન સહિતના અધિકારીઓ દોડતા થયા હતા. પાર્ટ ઓફ ટ્રેનિંગના બહાને રેગિંગ (Raging) કરનાર સિનિયર્સ ડોક્ટર દ્વારા રેગિંગ કરાયાના આક્ષેપ થતા તેઓના જવાબ લેવામાં આવ્યા છે. આ સાથે જ હોસ્પિટલના ડીન ડોક્ટર દિપક દ્વારા પાંચ સભ્યોની કમિટી બનાવીને તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

  • સુરત મહાનગર સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં જુનિયર રેસિડન્ટ તબીબને સિનિયરો દ્વારા રેગિંગ કરાતું હોવાના આક્ષેપથી ચકચાર
  • સિનિયર રેસીડન્ટ દ્વારા જુનિયર ડોકટરને હોસ્પિટલમાં દોડાવવાના મામલાએ જોર પકડતા હોસ્પિટલના ડીન ડોક્ટર દિપકે 5 સભ્યોની કમિટી બનાવી તપાસના આપ્યા આદેશ

સુરતની સ્મીમેર હોસ્પિટલમાં સિનીયર ડોક્ટર્સ દ્વારા પ્રથમ વર્ષના જુનિયર ડોક્ટર્સની રેગિંગ થઈ હોવાની ચર્ચા સાથેનો વીડિયો વાયરલ થતાં મેડીકલ ફેક્લ્ટીમાં ખળભળાટ મચી ગયો છે. સિનીયર ડોક્ટર્સ દ્વારા જુનિયર ડોક્ટર્સને અડધો કલાક સુધી સતત દોડાવવાની સજા કરવામાં આવી હોવાની ચર્ચા ઉઠી હતી. હોસ્પિટલની લોબીમાં જ જુનિયર ડોક્ટર અડધો કલાક સુધી દોડતા રહ્યાં હતાં. શ્વાસ ચઢી જવા સાથે તેઓ પરસેવે રેબઝેબ થઈ ગયા હતા. ડોક્ટરને આમ દોડતાં જોઈ દર્દીઓ પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા. સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થતાં હોસ્પિટલના ડીન ચોંકી ઉઠ્યા છે અને સમગ્ર મામલે તપાસના આદેશ આપ્યા છે.

સ્મીમેર હોસ્પિટલમાં દોડતા એક રેસિડેન્ટ ડોક્ટરને જોઈને દર્દીઓ આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા. દોડીને આવતો રેસિડેન્ટ ડોક્ટર તાત્કાલિક સારવાર વિભાગની બાહર એટીએમ સામે બાંકડા પર બેઠેલા સિનિયર ડોક્ટર પાસે આવતો હતો અને ફરી દોડવા માંડતો હતો. આ રીતે તે અડધો કલાક સુધી દોડતો રહ્યો હતો. દોડનાર ડોક્ટરને હાંફ ચઢી ગયો હતો અને તે પરસેવે રેબઝેબ થઈ ગયો હોવા છતાં સિનયર્સને તેમની પર દયા આવી નહોતી. આ ઘટનાનો કોઈકે વીડિયો ઉતારી લીધો હતો જે વાયરલ થતાં હોસ્પિટલના અધિકારીઓ ચોંકી ઉઠ્યા હતા. ઓર્થોપેડિક વિભાગના ત્રણ રેસિડેન્ટ ડોક્ટરો તેમના વિભાગના એક જુનિયર રેસિડેન્ટને હેરાન કરી રહ્યાં હતાં. આ ઉપરાંત અન્ય એક જુનિયર ડોક્ટર સાથે પણ અભદ્ર વ્યવહાર કરતા હોવાની ચર્ચા છે. રેગિંગ કરનાર સિનીયર ડોક્ટરોએ તેને ટ્રેનિંગ અને પાર્ટ ઓફ વર્કનો ભાગ ગણાવ્યો હતો.

હોસ્પિટલમાં રેગિંગની આ પ્રથમ ઘટના સામે નથી આવી. ભૂતકાળમાં પણ સિનિયર તબીબો દ્વારા જુનિયર તબીબો સાથે આ જ પ્રકારની ઘટના બની છે ત્યારે સોમવારે હોસ્પિટલના બિલ્ડિંગમાં બનેલી ઘટનાની ગંભીરતા જોઈને હોસ્પિટલના ડીન ડોક્ટર દિપક તે વિભાગના વડા સાથે વીડિયોમાં દેખાતા પ્રથમ અને બીજા વર્ષના રેસિડન્ટ ડોકટરોને તેમની ઓફિસમાં બોલાવી પૂછપરછ પણ કરી હતી. જો કે ભોગ બનનાર તબીબને આ મામલે ફરિયાદ આપવા માટે પણ સૂચના આપવામાં આવી છે ત્યારે તે પ્રકારે આ મામલો જોર પકડી રહ્યો ત્યારે હોસ્પિટલના ડો. દિપક દ્વારા આ મામલે પાંચ તબીબોની એક કમિટી બનાવી તપાસના આદેશ આપ્યા છે. જોકે આ મામલે હવે હોસ્પિટલ સત્તાધીશોએ કયા પ્રકારના પગલાં લે છે તે જોવાનું રહ્યું પણ હાલ સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થતાં ની સાથે અનેક તર્ક વિતર્કો શરૂ થયા છે.

સ્મીમેરના હેડની સ્પષ્ટતા, વાતનું વતેસર કરાયું છે
આ ઘટના સામે આવ્યા બાદ સ્મીમેર હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગના વડા ડો. જનક રાઠોડે સ્પષ્ટતા કરતાં કહ્યું કે, આ સમગ્ર મામલે વાતનું વતેસર થયું છે. હોસ્પિટલ પરિસર લાંબું હોય જુનિયર ડોક્ટરો કામ અર્થે એક ઠેકાણેથી બીજા ઠેકાણે દોડીને જઈ રહ્યાં હતાં. કોઈ રેગિંગની વાત નથી. જે જુનિયર ડોક્ટર દોડતા દેખાઈ રહ્યાં છે તેઓએ લેખિતમાં જવાબ આપ્યો છે, જે મુજબ તેઓનું કોઈ રેગિંગ થયું નથી તેવી સ્પષ્ટતા થઈ છે.

Most Popular

To Top