Dakshin Gujarat Main

મહુવાના ધામખડીમાં ઓનલાઈન ગેમના ચક્કરમાં 24 વર્ષીય યુવાને સ્યુસાઇડ નોટ લખી આપઘાત કર્યો

અનાવલ: મહુવાના (Mahuva) ધામખડીનો ૨૪ વર્ષીય યુવાન ઓનલાઈન (Online) ગેઇમની (Game) માયાજાળમાં ફસાઈ ચૂક્યો હતો. ઓનલાઈન ગેઇમમાં મોટું દેવું થઈ ગયું અને ચિંતામાં ને ચિંતામાં જીવન ટુંકાવવાનો અંતિમ નિર્ણય લીધો હતો. ત્યારે તેની સ્યુસાઇડ નોટ (Suicide Note) મળી આવી હતી, જેમાં તેણે વ્યથા ઠાલવી હતી.

  • ‘આઈ એમ રિયલી સોરી’થી લઈ ગેમ મોતનું કારણ બન્યું હોવાનો ઉલ્લેખ

હૃદયને કંપાવનારી વિગત તો એ છે કે, મૃતક યુવાનનાં માતા-પિતા મૂકબધીર છે. ઓનલાઈન ગેઇમના પાપે એકના એકના વહાલસોયા દીકરાને ગુમાવવાનું દર્દ સહન કરવું પડ્યું છે. અંકિત પટેલે પોતાની વ્યથા સ્યુસાઇડ નોટના સ્વરૂપમાં કાગળ પર રજૂ કરી હતી. જેમાં જણાવ્યું હતું કે, ‘આઈ એમ રિયલી સોરી. મને બો સમજાવ્યો. છતાં પણ મેં નય સુધર્યો. ગેમ રમવાનું ચાલુ રાખ્યું, એ જ ગેમ મારા અંતનું કારણ બની ગયું. રમી એપ્લિકેશને મારી સાથે ફ્રોડ કરી મારી પાસેથી અત્યાર સુધીમાં ચાર લાખ રૂપિયા લઈ લીધા. બો બધી લોન લેવાઈ ગઈ ભૂલમાં.’ હાલ તો બનાવ પણ વાલીઓ માટે ચેતવણીરૂપ છે.

ઓલપાડના દિહેણમાં બસ સ્ટેન્ડમાં યુવાનની હત્યા કરનારો આરોપી રામનગરથી ઝડપાયો
ઓલપાડ ટાઉન: ઓલપાડના દિહેણ ગામે બસ સ્ટેન્ડમાં 30 વર્ષીય કોળી પટેલ યુવાનની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. તેની સાથે મજૂરી કામે આવેલી મહિલાની પોલીસે શોધખોળ કરી ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા બાદ મહિલાની સઘન પૂછપરછ કરતાં અન્ય શખ્સની સંડોવણી બહાર આવતાં પોલીસે દાહોદના આરોપી મજૂરને બાતમીના આધારે રામનગર ખાતેથી ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી.

ઓલપાડના દિહેણ ગામે બસ સ્ટેન્ડમાં ચેતન રમેશ પટેલ (ઉં.વ.૩૦) (રહે., ૧૦૦૧, એકતાનગર સોસાયટી, પાલ, નૂતન રો હાઉસની સામે, સુરત શહેર, મૂળ રહે., મલગામા, નવાપરા ફળિયા, તા.ચોર્યાસી, જિ-સુરત શહેર)નું કોઇ અજાણ્યા ઇસમે અગમ્ય કારણસર કોઇ બોથડ પદાર્થ વડે માથાના ભાગે તેમજ ચહેરા ઉપર દાઢીના ભાગે ઘા મારી ગંભીર ઈજા કરી સ્થળ ઉપર મોત નીપજાવી હત્યા કરી ભાગી છૂટ્યો હતો. જો કે, મૃતક ચેતનની સાથે આશા હરણે નામની મહિલા પણ હતી. જેને પોલીસે ઝડપી પાડી હતી. જેની પૂછપરછ બાદ અન્ય શખ્સને શોધી કાઢવા એસ.ઓ.જી. શાખા તથા એલ.સી.બી. શાખા/પેરોલ ર્ફ્લો સ્ક્વોડ તથા ઓલપાડ પો.સ્ટે.ના પોલીસ અધિકારી/માણસોની અલગ અલગ ટીમો બનાવી સઘન તપાસ હાથ ધરી હ્યુમન ઇન્ટેલિજન્સ તથા ટેક્નિકલ એનાલિસિસ તથા સી.સી.ટી.વી. સર્વેલન્સ દ્વારા ચોક્કસ દિશામાં વર્ક આઉટ કરી ગુનામાં સંડોવાયેલો આરોપી સુરત શહેરના રામનગર ખાતે આવનાર છે.

જેથી પોલીસ અધિકારી તથા પોલીસ સ્ટાફના માણસો દ્વારા સુરત શહેર રામનગર ચોકડી ખાતેથી રમેશ મડ્યા ડામોર (ઉં.વ.૪૬) (ધંધો-મજૂરી રહે.,હાલ તાપી નદી કોઝવે, તાપી નદીના પાળા ઉપર પડાવમાં, રાંદેર, સુરત શહેર, મૂળ રહે., જેતપુર, નિશાળ ફળિયું, તા.ઝાલોદ, જિ.દાહોદ)ને ઝડપી પાડ્યો હતો. આરોપીની પૂછપરછ કરતાં તેણે પોતે જ આ હત્યાના ગુનાને અંજામ આપ્યાની કબૂલાત કરી હતી. વધુમાં પૂછપરછ દરમિયાન આરોપીએ જણાવ્યું હતું કે, આરોપી રમેશ ડામોર મૃતક ચેતન અને આશા નામની મહિલાને મજૂરીકામ કરવા માટે ઓલપાડ પિંજરત ગામ ખાતે લઇ ગયો હતો. જો કે, ત્યાં કામ નહીં મળવા બાબતે તેમજ સાથે આવેલી મહિલાની સામે આરોપી રમેશ ડામોર જોયા કરતો હોય તે બાબતે ચેતન અને આરોપી વચ્ચે બોલાચાલી ઝઘડો તકરાર થઇ હતી અને રાત્રે દિહેણ ગામે બસ સ્ટેન્ડમાં આરોપી રમેશ ડામોરે ચેતનના માથામાં પેવર બ્લોક(પથ્થર)ના ઘા મારી ગંભીર ઇજા પહોંચાડી સ્થળ ઉપર મોતને ઘાત ઉતારી હત્યા કરી ભાગી છૂટ્યો હતો. જેને એસઓજી પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Most Popular

To Top