Surat Main

સુરત મનપાના અધિકારી એચ.એસ. સુથાર અને પૂર્વ કોર્પોરેટર પ્રવીણ માળીનો કોરોનાએ ભોગ લીધો

સુરત: (Surat) સુરત મહાનગર પાલિકામાં (Corporation) કોરોનાએ વધુ બે વ્યક્તિઓનો ભોગ લીધો છે. થોડા દિવસ પહેલાં જ ગાર્ડન વિભાગમાં ફરજ બજાવતા કર્મચારી ગુલાબ પટેલનું મોત થયું હતું. ત્યારબાદ પાલિકાનાં પૂર્વ કોર્પોરેટર અને શહેર ભાજપના (BJP) ખજાનચી પ્રવીણ માળી તેમજ કાર્યપાલક ઇજનેર એચ.એસ.સુથારનું કોરોનાને કારણે નિધન થયું છે. સુથાર બે મહિના પછી સુરત મહાનગર પાલિકામાંથી નિવૃત્ત થવાના હતાં. તેઓ છેલ્લા સેન્ટ્રલ ઝોનના કાર્યપાલક ઇજનેર (Engineering) તરીકે ફરજ બજાવી રહ્યા હતાં. જ્યારે ભારતીય જનતા પાર્ટીના ખજાનચી અને પૂર્વ કોર્પોરેટર પ્રવીણભાઈ માળી છેલ્લા લાંબા સમયથી ભાજપમાં કાર્યરત હતાં જેઓનું પણ કોરોનાને કારણે મોત થયું હતું.

શહેરમાં કોરોનાએ અજગરી ભરડો લીધો છે. કોવિડમાં દિવસ-રાત કામગીરી કરી રહેલા મનપાના ઘણા કર્મચારીઓ પણ કોરોનાની ચપેટમાં આવી ચૂક્યા છે. તો ઘણાં મોતને પણ ભેટી ચૂક્યાં છે. ત્યારે મનપાના કર્મચારીઓ પણ તેના ભરડામાં જઈ રહ્યા છે. સુરત મહાનગરપાલિકામાં ગાર્ડન વિભાગમાં ફરજ બજાવતા 56 વર્ષના ટેક્નિકલ આસિસ્ટન્ટ ગુલાબ પટેલ કે જેઓ કોરોનાની ચપેટમાં આવ્યા હતા. અને વલસાડ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા. અને શનિવારે તેમનું અવસાન થયું હતું.

કોરોનાએ સુરત મહાનગર પાલિકાના ફાયર વિભાગમાં પણ હાહાકાર મચાવ્યો

સુરતમાં વધેલા કોરોનામાં સુરત મહાપાલિકાનો ફાયર વિભાગ પણ ચપેટમાં આવી ગયો છે. જેમાં છેલ્લા 10 જ દિવસમાં ફાયરના 15 અધિકારી-કર્મચારીઓ કોરોનામાં સપડાઈ ગયા છે. શહેર ફાયર વિભાગ છેલ્લા પંદરેક દિવસથી સતત હોસ્પિટલો, ગોડાઉનો, કોમ્શીર્યલ બિલ્ડીંગોમાં અપૂરતી ફાયર સેફ્ટી સુવિધાને લઇને સીલીગની કામગીરી કરી રહી છે. એટલું જ નહી ફાયર કર્મચારીઓ એમ્બ્યુલન્સ, શબવાહિની કે આગના અકસ્માતનની સતત ખડેપગે રહીને ઇમરજન્સી કામગીરી કરી રહ્યા છે. ત્યારે ફાયર વિભાગના ડિવિઝનલ ઓફિસરોથી લઇને ફાયર ઓફિસરો, કર્મચારીઓ મળીને છેલ્લા દસ દિવસમાં 15ને કોરોના થયો છે.

નિષ્ણાંતોનું ગણિત ઉંધુ પડ્યું

શહેરમાં કોરોનાને લઈને સ્થિતિ વધારે બગડી રહી છે. ત્યારે તબીબો અને નિષ્ણાંતોની સેકન્ડ વેવમાં સંક્રમણ વધવાની પણ ડેથ રેશિયો ઓછો રહેવાની ધારણાઓ ખોટી સાબિત થઈ છે. શહેરમાં મોતનો આંકડો પોઝિટિવ દર્દીઓની લગોલગ પહોંચી રહ્યો છે. ભારત દેશમાં કોરોનાનો સેકન્ડ વેવ હજી શરૂ પણ થયો નહોતો ત્યારે વિદેશોમાં આ વેવમાં લાખોની સંખ્યામાં દર્દીઓ મોતને ભેટી રહ્યા હતા. ભારતમાં જ્યારે સેકન્ડ વેવ શરૂ થયો ત્યારે જાણે તબીબો અને નિષ્ણાતોનો એવો મત હતો કે આ વેવ વધારે ઘાતક નહીં હોય. પરંતુ જે રીતે અચાનક જ મોતનો રેશિયો વધી ગયો તેનાથી તબીબો ફફડી ઉઠયા છે.

Most Popular

To Top