SURAT

સરસાણા ખાતે ચાર દિવસીય ‘ઉદ્યોગ–2024’ પ્રદર્શનનો આરંભ, ઉદ્યોગકારો માટે સફળતાનું પ્લેટફોર્મ બનશે

સુરત: ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (SGCCI) અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટરના સંયુકત ઉપક્રમે સરસાણા સ્થિત સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ચાર દિવસીય ‘ઉદ્યોગ– ર૦ર૪’ પ્રદર્શનનું (Udhyog2024) આયોજન કરવામાં આવ્યું છે.

આજે તા. 23 ફેબ્રુઆરીએ આ પ્રદર્શનનો ઉદ્દઘાટન સમારોહ યોજાયો હતો. જેમાં ઉદ્‌ઘાટક તરીકે કેપી એનર્જી લિમિટેડના ચેરમેન તેમજ મેનેજિંગ ડિરેકટર ડો. ફારૂક પટેલ પધાર્યા હતા અને તેમના વરદ હસ્તે ઉદ્યોગ પ્રદર્શનનું ઉદ્‌ઘાટન કરવામાં આવ્યું હતું. ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (DRDO)ના ઇન્ડસ્ટ્રી ઇન્ટરફેસ એન્ડ ટેકનોલોજી મેનેજમેન્ટના ડાયરેકટર અરૂણ ચૌધરીએ સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે સ્થાન શોભાવ્યું હતું. જ્યારે કાકરાપાર એટોમિક પાવર સ્ટેશન (NPCIL)ના સ્ટેશન ડાયરેકટર અજય કુમાર ભોલે અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ચીફ જનરલ મેનેજર ક્ષિતિજ મોહને સ્પેશિયલ ગેસ્ટ્‌સ તરીકે ઉપસ્થિત રહી સમારોહની શોભા વધારી હતી. આ ઉપરાંત જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર– સુરતના જનરલ મેનેજર એમ.કે. લાદાણી અને ટોરેન્ટ પાવર લિમિટેડ– સુરતના વાઇસ પ્રેસિડેન્ટ નિતિન માલકન અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.

  • ભારતની જીડીપીમાં ૮૩ ટકા યોગદાન વ્યાપાર અને ઉદ્યોગ – ધંધાનું છે ત્યારે ઉદ્યોગકારો અને વેપારીઓએ તેઓના પ્રયત્નોને હજી વધારવા પડશે : ચેમ્બર પ્રમુખ રમેશ વઘાસિયા
  • ઉદ્યોગોએ હવે ગ્રીન એનર્જી તરફ જવું પડશે, કાર્બન એમીશન જેટલું ઓછું થશે તેટલું ભાવિ પેઢી માટે સારુ રહેશે : ડો. ફારૂક પટેલ
  • મેક ઇન ઇન્ડિયા અંતર્ગત રક્ષા ક્ષેત્રના શસ્ત્રો ભારતમાં જ બની રહયા છે અને હવે તેમની નિર્યાત પણ થઇ રહી છે ત્યારે એમએસએમઇ ઉદ્યોગકારોએ ડિફેન્સ પબ્લિક સેકટરમાં આગળ આવવું જોઇએ : અરૂણ ચૌધરી
  • ન્યુકિલયર પાવર કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ વર્ષ ર૦૩૧–૩ર સુધીમાં ન્યુકિલયર પાવર પ્લાન્ટની ક્ષમતા ૭૪૮૦ મેગાવોટથી વધારીને રર૪૮૦ મેગાવોટ સુધી લઇ જવાનો ટારગેટ છે : અજય કુમાર ભોલે
  • ઉદ્યમ પોર્ટલ પર ગુજરાતના ૧પ લાખ MSME રજિસ્ટર્ડ છે, માત્ર સુરતમાંથી જ ૩ લાખથી વધુના MSME રજિસ્ટર્ડ છે : એમ.કે. લાદાણી

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રમેશ વઘાસિયાએ જણાવ્યું હતું કે, ચેમ્બરનું ફલેગશિપ દ્વિવાર્ષિક ઔદ્યોગિક પ્રદર્શન ‘ઉદ્યોગ’એ દક્ષિણ ગુજરાતનું સૌથી મોટું ઔદ્યોગિક પ્રદર્શન છે, જેનું આયોજન ચેમ્બર દ્વારા વર્ષ ૧૯૯૮થી કરવામાં આવી રહયું છે. ઉદ્યોગ પાછલી ૧૩ આવૃત્તિઓમાં ઘણી નવીનતાઓ અને ટેકનોલોજી માટે લોન્ચિંગ પેડ સાબિત થયું છે ત્યારે ઉદ્યોગની ૧૪મી આવૃત્તિ ઉદ્યોગકારોને ઉદ્યોગ–ધંધામાં સફળતાના માપદંડો પાર કરવા જરૂરી પ્લેટફોર્મ પૂરુ પાડશે.

ડો. ફારૂક પટેલ (ચેરમેન તેમજ મેનેજિંગ ડિરેકટર, કેપી એનર્જી લિમિટેડ)એ જણાવ્યું હતું કે, ઉદ્યોગોએ હવે ગ્રીન એનર્જી તરફ જવું પડશે. કાર્બન એમીશન જેટલું ઓછું થશે તેટલું ભાવિ પેઢી માટે સારું રહેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ ર૦૩૦ સુધીમાં દેશમાં પ૦૦ ગીગાવોટ ગ્રીન એનર્જીનું ઉત્પાદન કરવાનું લક્ષ્ય રાખ્યું છે ત્યારે આ લક્ષ્યને હાંસલ કરવા માટે દેશના દરેક નાગરિકને પોતાનું યોગદાન આપવું પડશે.

અરૂણ ચૌધરી (ડાયરેકટર, ઇન્ડસ્ટ્રી ઇન્ટરફેસ એન્ડ ટેકનોલોજી મેનેજમેન્ટ, ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (DRDO)એ જણાવ્યું હતું કે, યુ.એસ અને ચીન પછી ભારતીય આર્મી વિશ્વની ત્રીજી સૌથી મોટી રક્ષા ક્ષેત્રે શસ્ત્રોની આયાત કરતી આર્મી હતી. પરંતુ ભારતમાં મેક ઈન ઈન્ડિયાની શરૂઆત થતાં રક્ષા ક્ષેત્રના શસ્ત્રો ભારતમાં જ બનાવવામાં આવી રહયા છે અને હવે તેમની નિર્યાત પણ કરાઇ રહી છે.

અજય કુમાર ભોલે (સ્ટેશન ડાયરેકટર, કાકરાપાર એટોમિક પાવર સ્ટેશન NPCIL)એ જણાવ્યું હતું કે, ન્યુકિલયર પાવર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એ ભારતના તમામ એટોમિક પાવર સ્ટેશનનું સંચાલન કરે છે. કાકરાપાર પાવર પ્લાન્ટની ક્ષમતા ૭૦૮૦ મેગાવોટ છે. કુલ ર૪માંથી ૪ રિએકટર ગુજરાત સ્થિત કાકરાપાર ખાતે છે. ચારમાંથી ર રિએકટર રર૦ – રર૦ મેગાવોટના છે. કાકરાપાર સ્ટેશને જે રિએકટર છે એ અત્યાધુનિક રીતે ડિઝાઇન કરવામાં આવ્યા છે, જે હાલની સુરક્ષાના માપદંડોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યા છે, જે સંપૂર્ણ સ્વદેશી છે. ગર્વ લેવા જેવી આ બાબત મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરે છે.

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ચીફ જનરલ મેનેજર ક્ષિતિજ મોહને જણાવ્યું હતું કે, SMEની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને એસબીઆઈ દ્વારા દેશભરમાં વિશેષ પ૯ બ્રાન્ચ ઓપન કરાઈ છે, જેમાંથી ૯ બ્રાન્ચ સુરતમાં છે. સોલાર ક્ષેત્રના ઉદ્યોગ સાહસિકો માટે તેમની બેન્ક દ્વારા સૂર્યશકિત સ્કીમ બનાવવામાં આવી છે. વધુમાં તેમણે કહયું કે, ઉદ્યોગકારો માટે તેમની બેંકે નવું બિઝનેસ ટૂલ એન્જીન લાવી છે. આ ઉપરાંત સ્ટાર્ટ–અપ સેલ અમદાવાદમાં શરૂ કર્યો છે.

જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર– સુરતના જનરલ મેનેજર એમ.કે. લાદાણીએ જણાવ્યું હતું કે, એગ્રીકલ્ચર પછીનું સૌથી વધુ રોજગાર પૂરૂં પાડતું સેકટર MSME છે. ભારતમાં ઓર્ગેનાઇઝ અને અનઓર્ગેનાઇઝડ ૬ કરોડથી વધુ MSME છે, જેના થકી ૧ર કરોડ લોકોને રોજગારી મળે છે. ઉદ્યમ પોર્ટલ પર ગુજરાતના ૧પ લાખ MSME રજિસ્ટર્ડ છે. માત્ર સુરતમાંથી જ ૩ લાખથી વધુના MSME રજિસ્ટર્ડ છે અને તેમના થકી ર૦ લાખ લોકોને રોજગારી પ્રાપ્ત થઇ છે. તેમણે ભારત સરકાર અને રાજ્ય સરકારની MSME સંબંધિત વિવિધ યોજનાઓ અને એકટ વિશે માહિતી આપી હતી.

તેમણે જણાવ્યું હતું કે, અગાઉ રૂપિયા ૧૦ કરોડ સુધીના બિઝનેસનો એમએસએમઇમાં સમાવેશ થતો હતો, પરંતુ ભારત સરકારે ઉદ્યોગ સાહસિકોની મહત્વકાંક્ષાને ધ્યાને રાખી તેમાં ફેરફાર કરીને રૂપિયા પ૦ કરોડ સુધીના બિઝનેસનો એમએસએમઇમાં સામેલ કર્યો છે. જેથી કરીને ઉદ્યોગ સાહસિક સરકારની યોજનાઓનો લાભ લઈ પોતાના વ્યવસાયમાં એક નવો આયામ હાંસલ કરી શકે.

Most Popular

To Top