ફિલ્મી ઢબે સજ્જુને પકડતી વખતે અગાસી પરથી પથ્થરમારો નહીં થાય તે માટે પોલીસે ડ્રોન કેમેરા વાપર્યા

સુરત: (Surat) સુરતના કુખ્યાત નાનપુરાના સજ્જુ કોઠારીને (Sajju KotharI) પકડવા માટે સુરત પોલીસે ભારે પરસેવો પાડવો પડ્યો હતો. ક્રાઈમ બ્રાંચ દ્વારા નાનપુરા જમરૂખ ગલીમાં સજ્જુ કોઠારીના મકાનની સાથે સાથે આ ગલીના 40 જેટલા બંધ મકાનોને ચેક કરવામાં આવ્યા હતા. ક્રાઈમ બ્રાંચને (Crime Branch) એવી માહિતી મળી હતી કે, સજ્જુ કોઠારી પોતાના મકાનની સાથે સાથે ગલીના અન્ય મકાનોમાં પણ રાત વિતાવે છે. આ મકાનોની તપાસ બાદ એ સ્પષ્ટ થયું હતું કે સજ્જુ પોતાના બંગલામાં જ છે. સજ્જુ કોઠારીએ જુગારની ક્લબ અને દારૂના અડ્ડાઓ તેમજ જમીનની સોપારીમાંથી 500 કરોડ કરતા વધુની કમાણી કરી હોવાની ચર્ચા છે. સજ્જુ કોઠારીની સુરતના મુસ્લિમ બિલ્ડરો સાથેની ભાગીદારી પણ ચર્ચામાં છે ત્યારે આગામી દિવસોમાં પોલીસ દ્વારા નિષ્પક્ષ તપાસ કરવામાં આવશે તો મોટા કારનામા બહાર આવવાની સંભાવના છે.

  • માથાભારે સજ્જુ કોઠારીને પકડવા માટે પોલીસે પહેલા 40 મકાનો ચેક કર્યા હતા
  • મહિલાઓ પોલીસ પર હુમલો નહીં કરે તે માટે પોલીસે પહેલેથી જ મહિલા પોલીસને તૈનાત રાખી હતી
  • સજ્જુ કોઠારીએ ગુનાખોરી કરીને 500 કરોડથી પણ વધુની કમાણી કરી હોવાની ચર્ચા
  • સુરતના મુસ્લિમ બિલ્ડરો સાથેની સજ્જુ કોઠારીની ભાગીદારી હોવાથી પોલીસ નિષ્પક્ષ તપાસ કરે તે જરૂરી

સજ્જુને પકડતી વખતે અગાસી પરથી પથ્થરમારો નહીં થાય તે માટે પોલીસે ડ્રોન કેમેરા વાપર્યા હતા
પો. કમિ. અજય તોમરે જણાવ્યું હતું કે, અગાસી પરથી પથ્થરમારો નહી થાય તે માટે પોલીસ દ્વારા ડ્રોન કેમેરાનો ઉપયોગ કરાયો હતો. સજ્જુને પકડતા પહેલા પોલીસ દ્વારા પુરી ચોકસાઈ રાખવામાં આવી હતી.

રિમાન્ડના મુદ્દાઓ

  • સજ્જુ કોઠારીએ લાકડાનું ફર્નિચર મેળવીને વેપારી સાથે સાડા સાત લાખની ઠગાઇ કરી હતી,
  • આ ઉપરાંત સૈયદપુરાની મિલકતનો દસ્તાવેજ પણ પોતાની પાસે રાખીને તે દસ્તાવેજ છોડાવવા માટે 9 એસી અને આરટીજીએસથી 4.20 લાખ મેળવ્યા હતા.
  • સજ્જુ કોઠારી 10 ટકા વ્યાજ વસૂલતો હતો અને કેટલા વ્યક્તિઓને ગેરકાયદેસર વ્યાજે રૂપિયા આપીને મિલકત પચાવી પાડી છે, તેમજ કેટલી બેનામી આવક મેળવી છે તે તપાસવાનું બાકી છે.
  • બેનંબરના રૂપિયાથી પોતાના તેમજ પરિવારના અન્ય સભ્યોના નામે મિલકતો ખરીદી છે કે નહી..? તેની તપાસ કરવાની છે
  • આરોપીએ પોલીસ પકડથી બચવા માટે પોતાના બંગલામાં દિવાલની અંદર ગુપ્તરૂમ બનાવ્યો છે.
  • જેવી રીતે ગુપ્તરૂમ બનાવ્યો તેવી રીતે બીજા કોઇ હથિયારો છુપાવ્યા છે કે નહી..? અને બીજા કોઇ વ્યક્તિને હથિયારો આપ્યા છે કે નહી..? તે તપાસવાનું છે
  • સજ્જુ કોઠારીની સામે લૂંટ, ધાડ, ખંડણી, મની લોન્ડરીંગ જેવા અનેક ગુના નોંધાયા છે અને ટોળકી ઊભી કરીને લોકોમાં ભય ઊભો કર્યો છે
  • આરોપી મોહંમદ સમીર સલીમ શેખ સક્રિય સભ્ય છે અને બંનેને સાથે રાખીને પુછપરછ કરવાની છે
  • બંકર જેવા રૂમમાં છુપાયેલા સજ્જુના મોબાઇલ ફોનના સીડીઆર મંગાવીને તપાસ કરવાની છે
  • સજ્જુ કોઠારીના બેંક એકાઉન્ટ અને પરિવારના બેંક એકાઉન્ટની વિગતો તપાસ કરવાની છે

સજ્જુ પકડાઈ જતાં મેમણ બિલ્ડરો ઉચ્ચ પોલીસ અધિકારીઓને સલામ મારવા દોડી ગયા
હાલમાં મોહમદ સોહેલ આમદ મનસુર નામના એક બિલ્ડર દ્વારા સજ્જુ કોઠારી તેમજ અન્યો ધાક ધમકીથી તેની પાસેથી નાણાં પડાવતા હોવાની ફરિયાદ કરવામાં આવી હતી. સોહેલકાંડમાં સંડોવાયેલા મોટા માથાઓે પોલીસ કચેરીમાં આવીને એક વિવાદીત પોલીસ અધિકારી સાથે મીટિંગો પણ કરી હતી. તેમાં આ બિલ્ડરો પોતે જેલ ભેગા નહી થાય તે માટે શહેરના એક પોલીસ અધિકારીને કાકલૂદી કરી હોવાની ચર્ચા છે. અલબત રાજકીય વગ ધરાવતા આ માફિયા બિલ્ડરો સામે કાર્યવાહી થાય છે કે નહી તે સમય જ કહેશે.

  • સજ્જુ કોઠારીને પકડવા માટે કેટલા સભ્યોની ટીમો હતી…?
  • ક્રાઇમ બ્રાન્ચના એસીપી
  • 4 પોલીસ ઇન્સ્પેક્ટર
  • 8 પોલીસ સબ ઇન્સ્પેક્ટર
  • 45 પોલીસ કર્મચારીઓ
  • મહિલા કર્મચારીની અલગથી ટીમો બનાવવામાં આવી હતી
  • સજ્જુ કોઠારીની વિરુદ્ધ નોંધાયેલા ગુનાઓ
  • 2 – ગુજસીટોક
  • 1 – લેન્ડગ્રેબિંગ
  • 1 – હત્યા
  • 1 – હત્યાનો પ્રયાસ
  • 11 – રાયોટિંગ તથા પોલીસ ઉપર હુમલો
  • 1 – હથિયાર
  • 3 – ખંડણી તેમજ વ્યાજખોરી
  • 11 – મારી નાંખવાની ધમકી
  • 3 – સરકારી ફરજમાં રૂકાવટ
  • 1 – ઘરફોડ ચોરી
  • 1 – છેડતી
  • 6 – જુગાર
  • 1 – હથિયાર
  • 2 – દારૂ
  • 3 – તડીપાર ભંગ
  • 9 – પાસા
  • 2 – તડીપાર

Most Popular

To Top