બીલીમોરામાં માછલી પડકવાની જાળમાં પોતાના જ પગ ફસાઇ જતાં મળ્યું મોત

બીલીમોરા: (Bilimora) બીલીમોરા નજીકના ધકવાડા ગામના તળાવમાં (Lake) માછલી (Fish) પકડવા ગયેલા (Phishing) બે શ્રમજીવીઓના પગ જાળમાં જ ફસાતાં તેમણે બૂમાબૂમ કરતાં આજુબાજુના લોકો મદદે આવ્યા હતા. પણ કમનસીબે બે પૈકી એક શ્રમજીવીનું (Labor) મોત નીપજ્યું હતું, જ્યારે બીજાનો આબાદ બચાવ થયો હતો.

છૂટક મજૂરી કામ કરી ગુજરાન ચલાવતા ધકવાડા ગામના હળપતિવાસમાં રહેતા સુમન ધીરુભાઈ હળપતિ અને શંકર બચુભાઈ હળપતિ શુક્રવારે સાંજે તેમના ઘરની પાછળ આવેલા તળાવમાં માછલી પકડવા ગયા હતા. મચ્છી પકડવા માટે તેઓએ મચ્છરદાની જેવી જાળનો ઉપયોગ કર્યો હતો. દરમિયાન જાળમાં ફસાયેલી માછલી કાઢવા માટે તળાવમાં છલાંગ મારી હતી ત્યારે બંનેના પગમાં તે ફસાઇ ગઇ હતી. આ બંને 20 ફૂટથી વધુ ઊંડા તળાવમાં ડૂબવા માંડ્યા હતા. તેમણે બૂમાબૂમ કરતાં આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને બંનેને તળાવમાંથી બહાર કાઢ્યા હતા, જેમાં શંકર બચુભાઈ હળપતિ (ઉં.45)નો શ્વાસ રૂંધાઈ જવાને કારણે મોત નીપજ્યું હતું. જ્યારે સુમન ધીરુભાઈ હળપતિ નો આબાદ બચાવ થયો હતો. બીલીમોરા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ચપ્પુ લઇને આવેલા યુવાનનું ચપ્પુ છીનવી તેના પર જ હુમલો
વલસાડ: વલસાડના બરૂડિયાવાડમાં ઉછીના પૈસા લેવાના મુદ્દે બે પરિવારો વચ્ચે ઝગડો થયો હતો. જેમાં એક યુવાન ચપ્પુ લઇને જેમની પર હુમલો કરવા આવ્યો હતો તેમણે તેનું જ ચપ્પુ લઇ તેને જ મારી દીધું હતું. આ મારામારીમાં મહિલાઓને પણ માર મરાતા પોલીસે બંને તરફી ફરિયાદ લઇ તપાસ હાથ ધરી છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ વલસાડ-પારડી બરૂડિયાવાડમાં રહેતા મેહુલ સંજય માંગેએ સિદ્ધાર્થ શશી વાંસફોડાના મિત્ર રાહુલ પાસે ઉછીના પૈસા લીધા હતાં. દરમિયાન ગતરોજ વલસાડ પારડી સપ્તસૃંગી માતાના મંદિર પાસે રમાતી ક્રિકેટ મેચ દરમિયાન સિદ્ધાર્થે ઉછીના આપેલા રૂપિયા પરત માંગ્યા હતા. એ મામલે બંને વચ્ચે ભારે બોલાચાલી થઇ ગઇ હતી. આ દરમિયાન મેહુલ માંગ તેના ઘરેથી ચપ્પુ લઇ આવ્યો હતો. જોકે, આ ચપ્પુ સિદ્ધાર્થે ઝૂંટવી લઇ તેને જ ડાભા હાથમાં અને ખભામાં મારી દીધું હતુ. આ ઝગડામાં સિદ્ધાર્થ સાથે તેનો ભાઇ અંકિત પણ જોડાયો હતો. બીજી તરફ મેહુલ અને તેના પિતા સંજયે વાંસફોડા પરિવારની મહિલાઓ વચ્ચે પડતા તેને માર માર્યો હતો. જેના પગલે મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. જ્યાં પોલીસે સંજય માંગની ફરિયાદ લઇ સિદ્ધાર્થ અને અંકિત વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો હતો અને બીજી તરફ સિદ્ધાર્થ વાંસફોડાની ફરિયાદ લઇ મેહુલ અને સંજય વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો હતો.

Most Popular

To Top