SURAT

એવું શું થયું કે સુરતના રમણ જાનીએ અચાનક બે સહકારી સંસ્થાના ડિરેક્ટર પદેથી રાજીનામું આપ્યું?

સુરત (Surat): સુરત જિલ્લામાં છેલ્લા ચાર દાયકાથી ભાજપના (BJP) સહકારી અગ્રણી તરીકે કાઠું કાઢનાર રમણભાઈ નાથુભાઈ પટેલ (જાની) (Raman Jani) એ અચાનક બે સહકારી સંસ્થાના (Co Operative) ડિરેક્ટર (Director) તરીકે રાજીનામું (Resignation) આપી દેતાં જિલ્લા ભાજપ અને સહકારી ક્ષેત્રમાં ચર્ચાઓ ઉપડી છે. સૂત્રોના જણાવ્યા મુજબ રમણભાઈ જાનીએ ગુજરાત સ્ટેટ ફ્રૂટ એન્ડ વેજિટેબલ્સ માર્કેટિંગ ફેડરેશન અને સુરત જિલ્લા ખરીદ વેચાણ સંઘના ડિરેક્ટર તરીકે બંને સંસ્થાના પ્રમુખ, સેક્રેટરીને રાજીનામાં મોકલી આપ્યાં હતાં.

ભાજપ હાઈકમાન્ડે એક વ્યક્તિ એક પદની નીતિ નક્કી કરતાં સુરત એપીએમસીનાં છેલ્લાં 25 વર્ષથી ચેરમેન અને 35 વર્ષથી ડિરેક્ટર રહેલા રમણ જાની હવે એકમાત્ર સુરત એપીએમસીના ડિરેક્ટર અને ચેરમેન પદે રહ્યા છે. સહકારી ક્ષેત્રના અગ્રણીઓનું કહેવું છે કે, રમણ જાનીના આ નિર્ણયથી સહકારી સંસ્થાઓમાં સત્તા અને ભાજપના સંગઠનમાં મહત્ત્વના પદ ધરાવનાર સુરત અને તાપી જિલ્લાના બીજા સહકારી આગેવાનો પર પણ રાજીનામાં આપવા દબાણ વધશે. આ મામલે રમણભાઈ જાનીનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે, બે સંસ્થાના ડિરેક્ટર તરીકે રાજીનામું આપવા માટે કોઈ કારણ નથી. સક્રિય રીતે સમય આપી શકાય એમ ન લાગતાં સ્વૈચ્છાએ રાજીનામું આપ્યું છે. એને કોઈ બીજા અર્થમાં ન લેવું જોઈએ.

અઠવાડિયા પહેલાં વડાપ્રધાને ગુજરાતના સહકારી સંસ્થાના હોદ્દાદારોની યાદી મંગાવી હતી
આ અગાઉ સત્તા, સંગઠન અને ભાજપના (BJP) જોરે કરોડોનું ટર્ન ઓવર ધરાવનાર ગુજરાતની (Gujarat) સહકારી બેંકો, (Co-operative Banks) એપીએમસી (APMC), સુગર મંડળીઓ, ડેરીઓ, ફર્ટિલાઈઝર કંપનીઓ, સેવા સહકારી મંડળીઓ સહિત રાજ્યની 360 સહકારી સંસ્થાઓમાં પ્રમુખ, ઉપપ્રમુખ જેવાં પદ પર ચોંટી ગયેલા આગેવાનોની હોદ્દાઓ સાથેની યાદી ગઈ તા. 9મી જૂનના રોજ વડાપ્રધાન કાર્યાલય (PMO) દ્વારા મંગાવવામાં આવતાં સહકારી ક્ષેત્રમાં ભૂકંપ જેવી સ્થિતિ સર્જાઈ હતી. જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા જૂનાગઢ-સાવજ દૂધ ઉત્પાદક સંઘના વાઇસ ચેરમેન અને જૂનાગઢ જિલ્લા પંચાયતના મહિલા પ્રમુખના પતિ દિનેશ ખટારીયા ડેરીના પ્રમુખ પદે અને જેઠાભાઇ પનેરા જીડીસીસી બેંકના એમડી બની જતા હરીફ જૂથે વડાપ્રધાનને ફરિયાદ કરી હતી. આ વિવાદ પછી પીએમ.ઓફીસ દ્વારા રાજ્યભરમાં સત્તા અને સંગઠનમાં મહત્વના હોદ્દા સાથે સહકારી સંસ્થાઓમાં પ્રમુખ, ઉપપ્રમુખ પદ ભોગવનાર આગેવાનોની યાદી મંગાવતા તરેહ તરેહની ચર્ચાઓ ચાલી હતી.

Most Popular

To Top