Surat Main

સુરત શહેરમાં ધોધમાર વરસાદ, અનેક તાલુકાઓ જળબંબાકાર, નેશનલ હાઈવે પર પાણી ભરાયા

સુરત: (Surat) સુરત શહેર અને જિલ્લામાં રવિવારે સવારથી જ ધોધમાર વરસાદ (Rain) વરસ્યો હતો. સુરત શહેરમાં બપોર બાદ વરસાદી વાતાવરણ જામ્યું હતું. સાંજ 6 કલાકથી સુરતમાં વરસાદની જોરદાર બેટિંગ શરૂ થઈ હતી. જેને કારણે થોડી જ વારમાં શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતાં. બીજી તરફ બારડોલી, કામરેજ, મહુવા, માંડવી, ઓલપાડ, પલસાણા તાલુકામાં સવારથી જ પવન સાથે વરસાદ શરૂ થયો છે. બપોર બાદ પણ સુરત શહેરમાં હળવા વરસાદી ઝાપટા જોવા મળ્યા હતા. બીજી તરફ સુરતમાં ધોધમાર વરસાદથી ચલથાણથી પસાર થતા નેશનલ હાઈવે 48 પર પાણી ભરાયા (Filled With Water) છે. અહીંયા પાણી ભરાતા વાહન ચાલકો હાલાકીનો સામનો કરી રહ્યા છે. આ સાથે જ સુરતના કડોદરા, કામરેજ વિસ્તાર તેમજ હાઈવે પરના રસ્તાઓમાં પણ પાણી ભરાયા છે. મહુવામાં સવારે 8થી 10 વાગ્યા સુધીમાં અઢી ઈંચ વરસાદ ખાબકી જતા ઠેર ઠેર પાણી ભરાયા હતાં.

સુરત શહેરમાં પવન અને વાદળોના ગડગડાટ સાથે મુશળધાર વરસાદ (rain) પડ્યો હતો. સેન્ટ્રલ ઝોનમાં સૌથી વધુ વરસાદ વરસતા પાણી ભરાઈ ગયા હતાં. બીજી તરફ વેસુ, અડાજણ, કતારગામ, ઉધના, પાંડસરા, સચિન રોડ પર ધોધમાર વરસાદ વરસાદને કારણે પાણી ભરાયા હતાં. પાંડેસરા, સચિન રોડ પર ટ્રાફિક (Traffic) જામ સર્જાયો હતો.

દક્ષિણ ગુજરાતના ખેડૂતો પણ વાવણીલાયક વરસાદની રાહ જોઈ રહ્યા છે. આતુરતાપૂર્વક સમયસર વરસાદ થાય તો ચોમાસુ પાકની વાવણી કરવાની શરૂ થાય. વરસાદી માહોલ જામતા ખેડૂતો પણ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. ત્યારે સુરત શહેર અને જિલ્લામાં રવિવારે વરસાદે જોરદાર એન્ટ્રી કરી હતી. છેલ્લા કેટલાય દિવસથી સુરતમાં તડકો અને ભારે ગરમીનો માહોલ હતો. છુટોછવાયો વરસાદ થતો હતો પરંતુ તેનાથી ઠંડક વર્તાતી ન્હોતી. જ્યારે રવિવારે કાળા વાદળોથી સમગ્ર સુરત શહેર ઘેરાઈ ગયું હતું. બપોર સુધી વાદળોના ગડગડાટ સાથે હળવો વરસાદ વરસ્યો હતો. પરંતુ બપોર બાદ ધોધમાર વરસાદી ઝાપટાં પડતા વાતાવરણમાં ઠંડક વર્તાઈ હતી. બીજી તરફ રવિવારનો દિવસ હોવાથી શહેરવાસીઓએ વરસાદી મોસમમાં ફરવાનો આનંદ પણ લીધો હતો. લોકો ખાણીપીણીની લારીઓ પર ઉમટી પડ્યા હતાં.

સુરત જિલ્લાની વાત કરીએ તો સુરત જિલ્લામાં વહેલી સવારથી જ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. ગાજવીજ સાથે બારડોલી, મહુવા, પલસાણા અને કામરેજમાં વરસાદ ખાબક્યો છે.

  • જિલ્લામાં નોંધાયેલો વરસાદ
  • તાલુકા વરસાદ(મીમી)
  • બારડોલી 107
  • ચોર્યાસી 18
  • કામરેજ 120
  • મહુવા 131
  • માંડવી 64
  • માંગરોળ 46
  • ઓલપાડ 25
  • પલસાણા 98
  • સુરત 29
  • ઉમરપાડા 94

Most Popular

To Top