SURAT

સુરતમાં ખાનગી બસ ઓપરેટર અને ધારાસભ્યની તકરારમાં લોકો પીસાયા

સુરત: (Surat) સુરતમાં આજથી ખાનગી બસો (Privet Buses) શહેરથી દૂર વાલક પાટિયા પાસે પિકઅપ-ડ્રોપ (Pickup-Drop) કરશે તેવા ખાનગી બસ ઓપરેટરોના (Bus Operator) નિર્ણયને કારણે પહેલાં જ દિવસે ભારે ધાંધલી સર્જાઈ હતી. સૌરાષ્ટ્ર, અમદાવાદ, ભાવનગરથી વહેલી સવારે સુરત પહોંચેલા મુસાફરોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણી અને ખાનગી બસ ઓપરેટરોના વિવાદ વચ્ચે મુસાફરો પીસાયા છે. તેવામાં લોકોનો રોષ જોવા મળ્યો હતો.

ધારાસભ્ય કુમાર કાનાણીએ ખાનગી બસોને કારણે થતા ટ્રાફિકને લઈને ટ્રાફિક ડીસીપીને પત્ર લખ્યો હતો. ત્યારબાદ ખાનગી બસ ઓપરેટરોએ 21 ફેબ્રુઆરીથી શહેરમાં એક પણ બસ પ્રવેશવા નહીં દેવા અને વાલક પાટિયા પાસેથી બધીજ બસોનું પિકઅપ-ડ્રોપ રાખવાનો નિર્ણય કર્યો હતો. આ તકરારને કારણે આજે વહેલી સવારથી પેસેન્જરોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. ખાનગી બસો દ્વારા મુસાફરોને વાલક પાટિયા પાસે ઉતારી દેવાતા લોકોને ત્યાંથી રિક્શા કરી પોતાના ઘર સુધી જવું પડ્યું હતું. જોકે મોકાનો લાભ લઈને રિક્શા ચાલકોએ પણ લૂંટ ચલાવી હતી. પહેલાં તો વહેલી સવારે ઓછી રિક્શાઓને કારણે મુસાફરોને રિક્શા મળી ન હતી. બીજું જે લોકોને રિક્શા મળી હતી તેઓએ પોતાના ઘર સુધી પહોંચવા માટે 500 રૂપિયા કે તેથી વધુ ભાડું ચુકવવું પડ્યું હતું.

આ તરફ સુરત બહાર બધી બસો ઊભી રાખી દેવાતા વાલક પાટીયાથી કામરેજ સુધી ટ્રાફિકજામ જોવા મળ્યો હતો. અધુરામાં પુરું પાલિકા તંત્ર દ્વારા પણ વહેલી સવારે બસોની વ્યવસ્થા કરવામાં ન આવતા લોકોએ કલાકો સુધી રાહ જોવાનો વારો આવ્યો હતો. સવારે 5 કે 6 વાગ્યે સૌરાષ્ટ્ર, અમદાવાદથી વાલક પાટિયા પર ઉતરેલા મુસાફરો સવારના 8 વાગ્યા સુધી અટવાયા હતાં છતાંય તેમને ટ્રાન્પોર્ટેશનનું યોગ્ય સાધન મળ્યું ન હતું. રિક્શાવાળાઓ પણ ઠસોઠસ મુસાફરો ભરીને લઈ જતા જોવા મળ્યા હતા. પહેલાં જ દિવસે વાલક પાટિયા પર અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો.

ધારાસભ્યએ મુખ્યમંત્રીને પત્ર લખીને સરકારી બસો દોડાવવા માટેની માંગ કરી
આ વિવાદ વચ્ચે ધારાસભ્ય કુમાર કાનાણીએ મુખ્યમંત્રીને પત્ર લખીને સરકારી બસો દોડાવવાની માંગ કરી છે. સુરતથી સૌરાષ્ટ્ર, અમદાવાદ, શિરડી, કચ્છ જનારાઓની સંખ્યા વધુ છે. તેને જોતા આ સ્થળો માટે સરકારી સ્લિપિંગ એસટી બસો દોડાવવાની માંગ કરવામાં આવી છે. જેને લીધે મુસાફરોને ઓછા ખર્ચે યોગ્ય સુવિધા મળી શકે સાથે સરકારને પણ મોટી આવક ઊભી થઈ શકે.

Most Popular

To Top