National

સુરત બાદ હવે હૈદરાબાદમાં 4 વર્ષના બાળકને 3 કૂતરાઓએ પીંખી નાંખ્યો, ભયાનક વીડિયો આવ્યો સામે

હૈદરાબાદ: દેશના લગભગ તમામ રાજ્યોમાંથી શ્વાનના (Dog) આંતકના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ગુજરાત (Gujarat), મહારાષ્ટ્ર (Maharashtra) બાદ હવે હૈદરાબાદથી (Hydrabad) એક દર્દનાક કિસ્સો સામે આવ્યો છે. હૈદરાબાદમાં રસ્તા પરથી પસાર થઈ રહેલા ચાર વર્ષના માસૂમ બાળકને (Kid) કૂતરાઓના ટોળાએ પીંખી નાંખ્યો હતો. કૂતરાઓએ બાળકને બચકાં ભર્યા(Dog Bite), બાળકને દૂર સુધી ખેંચી ગયા હતા. બાળકના રડવાનો અવાજ સાંભળીને બાળકના પિતા દોડી આવ્યા હતા અને માસૂમ બાળકને કૂતરાઓથી બચાવ્યો હતો. લોહીલૂહાણ હાલતમાં બાળકને હોસ્પિટલ લઈ જવાયો હતો. પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું, ડૉક્ટરે બાળકને મૃત જાહેર કર્યો હતો.

મળતી માહિતી અનુસાર નિઝામાબાદના રહેવાસી ગંગાધર હૈદરાબાદમાં રહે છે અને સુરક્ષા ગાર્ડ તરીકે કામ કરે છે. તેમનો પરિવાર પણ અહીં રહે છે. ગંગાધર જે બિલ્ડિંગમાં સિક્યુરિટી ગાર્ડ છે ત્યાં કૂતરાઓએ તેના બાળક પર હુમલો કર્યો હતો. આ ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. સીસીટીવીમાં જોઈ શકાય છે કે બાળક ક્યાંક જઈ રહ્યો છે, ત્યારે પાછળથી ત્રણ-ચાર કૂતરા આવીને તેના પર એક પછી એક હુમલો કરે છે.

સીસીટીવીમાં જોઈ શકાય છે કે કૂતરાઓએ હુમલો કર્યા બાદ બાળક જમીન પર પડી ગયો હતો. ત્યાર બાદ કૂતરાઓ તેને બચકાં ભરવા લાગ્યા હતા અને ખેંચવા લાગ્યા હતા. બાળક લોહીથી લથબથ થઈ ગયો હતો અને જોર જોરથી રડવા લાગ્યો હતો. બાળકના રડવાનો અવાજ સાંભળીને પિતા ગંગાધર તેની પાસે દોડી આવ્યા હતા. ત્યાર બાદ તેઓ બાળકને હોસ્પિટલ લઈ જાય છે પરંતુ સારવાર પહેલા બાળકનું મોત નિપજ્યું હતું. સ્થાનિક પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો.

આ ઘટનાને નજરે જોનારા લોકોએ જણાવ્યું કે તે નજીકની કોલેજમાં સુરક્ષા પર તૈનાત હતો. રવિવારે ફરજ પર હતા ત્યારે તેમણે એક ચોકીદારને મદદ માટે બૂમો પાડતા સાંભળ્યા હતો. આ પછી જ્યારે તે ત્યાં પહોંચ્યો તો તેણે જોયું કે ચોકીદારના હાથમાં તેનો લોહીથી લથબથ પુત્ર હતો. ત્યાર બાદ તેઓ લોકોએ બાળકને હોસ્પિટલ લઈ જવામાં મદદ કરી હતી.

દેશભરમાં કૂતરાઓનો આતંક
બિહાર, ઉત્તર પ્રદેશથી લઈને મહારાષ્ટ્ર, ગુજરાત સુધી કૂતરાના આતંકના સમાચારો સામે આવી રહ્યા છે. તાજેતરમાં ગુજરાતના સુરતમાં પણ રખડતા કૂતરાઓએ આતંક મચાવ્યો છે. સુરત મહાનગર પાલિકા વિસ્તારમાં છેલ્લા 15 દિવસમાં કૂતરા કરડવાના 477 કેસ નોંધાયા છે. જે લોકો કૂતરાનો શિકાર બન્યા છે તેમાં ત્રણ વર્ષના બાળકોથી લઈને વૃદ્ધોનો સમાવેશ થાય છે. કૂતરાઓએ ટુ વ્હીલર અને રાહદારીઓ પર પણ હુમલો કર્યો હતો.

Most Popular

To Top