SURAT

સુરતીઓ લાઈટબિલ વધારે આવે છે તેમ માનતા હોવ તો સાંભળી લો, આવતા મહિનાથી બિલ હજુ વધશે..!

સુરત (Surat) : પડ્યા પર પાટુ મારવું એ ભાજપ (BJP) સરકારની નીતિ રીતિ બની ગઈ છે. દહીં, માખણ, ઘઉંનો લોટ, મધ, ગોળ, પેકીંગ માં મળતું અનાજ સહિતની ચીજવસ્તુઓ પર જીએસટી (GST) લગાવ્યા બાદ ગુજરાત સરકારની (Gujarat Government) વિજ કંપનીઓએ વીજબિલમાં (Light Bill) 79 પૈસાનો વધારો ઝીંકી દઈ આ કારમી મોંઘવારીમાં પ્રજાને દાઝયા ઉપર દામની સાથે સાથે કરંટનો ઝટકો પણ સરકારે આપ્યો હોવાનું સહકારી આગેવાન અને સુરત જિલ્લા પંચાયતના પૂર્વ વિપક્ષી નેતા દર્શન નાયકે જણાવ્યું હતું.

  • સરકારની ફ્યુલ ચાર્જ વધારાની નીતિને કારણે વીજબિલમાં 79 પૈસાનો જંગી વધારો દાઝ્યા પર ડામ સમાન
  • સુરતના સહકારી આગેવાન દર્શન નાયકે વિરોધ વ્યક્ત કર્યો

વીજબીલમાં વધારા અંગે પ્રતિક્રિયા આપતા સહકારી અને ખેડૂત આગેવાન દર્શન નાયકે જણાવ્યું કે, દક્ષિણ ગુજરાત વીજ કંપનીના કાર્યક્ષેત્રમાં આવતા ભરૂચ, પાલેજ થી વલસાડ, વાપી ભીલાડ સુધીના વિસ્તારમાં 32 લાખ ગ્રાહકોનો સમાવેશ થાય છે. જેમાં સુરત સર્કલમાં સુરત સિટી, રાંદેર, ઓલપાડ, ચોર્યાસી સહિતના વિસ્તારમાં સરકારી વીજ કંપનીના 9 લાખથી વધુ ગ્રાહકો છે. જ્યારે સુરત રૂરલમાં તાપી જિલ્લો, કાપોદ્રાથી પલસાણા, કોસંબા, કામરેજ કડોદરા સહિતના વિસ્તારોના 8.50 લાખ સરકારી વીજ કંપનીના ગ્રાહકો છે. આ તમામ ગ્રાહકો પર સરકારની ફ્યુલ ચાર્જ વધારાની નીતિને કારણે 270 કરોડથી વધુ ભાવ વધારાનો બોજો ગ્રાહકો પર પડશે. જેની સૌથી મોટી અસર ગરીબ અને મધ્યમ વર્ગના લોકો ઉપર થશે.

એક તરફ મોંઘવારી માઝા મૂકી રહી છે, પેટ્રોલ-ડીઝલ-ગેસ ના ભાવ આસમાને પહોંચી ગયા છે. મોંઘવારીને કાબુમાં કરવા ભાજપ સરકાર સદંતર નિષ્ફળ ગઈ છે. મન ફાવે ત્યારે ભાવ વધારો ઝીંકી દઈ પ્રજાની કમર બેવડી કરી નાખી છે. તાજેતરમાં સરકારની વિજ કંપનીઓએ વીજ બિલમાં યુનિટ દીઠ 79 પૈસાનો વધારો ઝીંકી સામાન્ય પ્રજા ઉપર મોંઘવારી વધુ એક માર કરી દીધો છે. વધતી મોંઘવારીથી પહેલાથી જ લોકોનું બજેટ ખોરવાયેલું છે ત્યારે વિજબિલ વધારો સામાન્ય વર્ગ માટે ઘર ચલાવવું મુશ્કેલ બની જશે. સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં સરકારી વીજ કંપનીના અસંખ્ય ખેડૂત ગ્રાહકો છે. એક તરફ દિવસ દરમિયાન સરકાર પૂરતા પ્રમાણમાં વીજળી આપી શકતી નથી. ખેડૂતોના વીજ પ્રશ્નો હલ કરી શકતી નથી, તેવામાં વીજ બિલમાં આ ભાવવધારો ખેડૂતોની મુશ્કેલીમાં ઔર વધારો કરી દેશે.

સસ્તી પ્રસિદ્ધિ માટે જાહેરાતોમાં કરોડો રૂપિયાનો ખર્ચ કરતી ભાજપ સરકાર વધતી જતી મોંઘવારીને કાબુમાં કરવાને બદલે પ્રજાને વધુને વધુ મોંઘવારીના દામ આપી પ્રજા ઉપર બોજ નાંખી રહી છે. માત્ર પ્રજા હિત ની વાતો કરતી ભાજપ સરકાર પ્રજાને ગેરમાર્ગે દોરી રહી હોય તેવું લાગી રહ્યું છે. સરકાર દ્વારા વીજ બિલમાં કરાયેલો વધારો ગરીબ અને મધ્યમ વર્ગના લોકો અને ખેડૂતોના હિતમાં પાછો ખેંચવાની માંગ સહકારી આગેવાન દર્શન નાયકે કરી છે.

Most Popular

To Top