SURAT

સામાન્ય વાતમાં સુરતના પોલીસ જમાદારે વેપારીને તમાચા ઠોકી દીધા, નગ્ન કરી ફેરવવાની આપી ધમકી

સુરત: (Surat) વેડ રોડ ઉપર આવેલી દુકાનમાં પેકિંગનું શર્ટ (Shirt) ચકાસવા માંગણી કરી દુકાનદારે શર્ટ નહીં આપતાં ચોકના ડી-સ્ટાફનો જમાદાર (Police) ઉશ્કેરાયો હતો. પોલીસે દુકાનદારને ચાર-પાંચ તમાચા (Slap) મારી દેતાં જમાદારની સામે ચોકબજાર પોલીસમાં ફરિયાદ (Complaint) કરવામાં આવી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ ઘોડદોડ રોડ ઉપર શિવાલય એપાર્ટમેન્ટમાં રહેતા વિવેક દિનેશ જૈન વેડ રોડની સંત જલારામ સોસાયટીમાં ઇવા એન્ટરપ્રાઇઝના નામે રેડિમેઇડ કપડાંનો વેપાર કરે છે. 10 દિવસ પહેલાં તેમની દુકાનમાં ચોકબજાર પોલીસનો ડી-સ્ટાફ કપડાં લેવા માટે ગયો હતો. કપાળે ચાંદલો કરી આવેલા ડી-સ્ટાફના પરેશ જમાદારે પોતાની ઓળખાણ પોલીસની આપી વિવેકભાઇની પાસેથી શર્ટ જોવા માંગ્યા હતા. વિવેકભાઇને ત્યાં કામ કરતો કારીગર સનોજે પરેશ મહારાજને ચાર-પાંચ શર્ટ બતાવ્યાં હતાં.

  • પેકિંગવાળું શર્ટ નહીં આપતાં ડી-સ્ટાફના જમાદારે વેપારીને ધોઈ નાંખ્યો
  • વેડરોડના વેપારી વિવેક જૈને સીધો ગૃહમંત્રીના પીએ જયેશભાઈને ફરિયાદ કરી દીધી
  • રેડિમેઇડ કપડાંની દુકાન ધરાવતા વેપારી સાથે માથાકૂટ કરનાર ચોકબજાર પોલીસના પરેશ મહારાજની સામે ગુનો નોંધાયો

આ દરમિયાન પરેશ મહારાજે પેકિંગવાળાં શર્ટ માંગ્યાં હતાં. સનોજે બહાર કાઢેલાં બીજાં શર્ટ પહેરી ચેક કરી લેવા કહેતાં પો.કો. પરેશ મહારાજ ઉશ્કેરાયો હતો અને સનોજને ગાળો આપવા લાગ્યો હતો. થોડીવાર બાદ વેપારી વિવેક જૈન પોતે આવ્યો હતો અને પો.કો. પરેશ મહારાજને સમજાવવા લાગ્યો હતો ત્યારે પોલીસે વિવેક જૈનને ચાર-પાંચ તમાચા મારી દીધા હતા. આ મારામારીમાં વચ્ચે પડેલા સનોજને પણ વાગ્યું હતું.

આ બનાવ અંગે વિવેક જૈને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના પર્સનલ આસિસ્ટન્ટ જયેશભાઇને ફરિયાદ કરી હતી અને ઘટનાની જાણ કરી હતી. આ બાબતે પોલીસ કમિશનરને પણ ફરિયાદ કરવામાં આવી હતી. મામલો ગૃહ વિભાગમાંથી આવતાં આખરે ચોકબજાર પોલીસના ડી-સ્ટાફના પરેશ મહારાજની સામે મારામારીનો ગુનો નોંધવામાં આવ્યો હતો.

વેપારીને દુકાન ખાલી કરાવી વેડ રોડ ઉપર નગ્ન ફેરવવાની ધમકી
પરેશ મહારાજે વેપારી વિવેક જૈનની સાથે મારામારી કર્યા બાદ દુકાનનાં સીસીટીવી ફૂટેજ તેમજ ડીવીઆર માંગ્યું હતું. આ ઉપરાંત પોલીસે વિવેકભાઇને દુકાન ખાલી કરવાની ધમકી આપી વેડ રોડ ઉપર નગ્ન ફેરવવાની ધમકી આપી હતી.

Most Popular

To Top