SURAT

સુરત: રોંગસાઇડ આવેલા વકીલ અને પોલીસની વચ્ચે રસીદ માટે બબાલ: પોલીસે વકીલને તમાચો મારી દીધો

સુરત : જહાંગીરપુરામાં (Jahangirpura) રોંગસાઇડ ઉપર આવેલા વકીલ (Lawer) અને તેની ગર્ભવતી પત્ની સાથે ટ્રાફિક પોલીસની (Traffic Police) રૂા.1500ની રસીદને લઇને માથાકૂટ થઇ હતી. વકીલે રોંગસાઇડે આવવા માટે દંડ ભર્યો હતો, પરંતુ આ દંડ અન્ય કોઇ પ્રાઇવેટ વ્યક્તિના ખાતામાં જતા રસીદ માંગવામાં આવી હતી. ત્યારે આ રસીદ આપવાના મુદ્દે પોલીસે વકીલને તમાચો મારી દીધો હતો. આ ઉપરાંત વકીલની સામે જ ફરજમાં રૂકાવટની ફરિયાદ કરીને તેને બેસાડી દેવાયો હતો. વકીલે ટ્રાફિક પોલીસની સામે કોર્ટમાં ફરિયાદ કરી હતી અને બાદમાં વકીલને સારવાર માટે સિવિલ હોસ્પિટલ જવા કોર્ટે આદેશ આપ્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ કતારગામ પ્રમુખ પાર્ક અંબિકા રેસિડેન્સીમાં રહેતા 46 વર્ષીય હસમુખભાઇ સોમાભાઇ રાવત સુરત શહેર ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવે છે. ગઈકાલે તેઓ જહાંગીરપુરા ડભોલી બ્રિજની નીચે ટ્રાફિક સર્કલ -૧૧ ની કચેરી પાસે નરસિંહ મહેતા ઉધાન પાસે ફરજ પર હાજર હતા. દરમિયાન ત્યાં પંડોળની કેશવપાર્ક સોસાયટીમાં રહેતા એડવોકેટ વિપુલ વિઠ્ઠલભાઇ પાણખાણીયા પોતાની ગર્ભવતી પત્ની સાથે રોંગસાઇડે આવ્યા હતા. વિપુલભાઇ ત્રિપલ સવારીમાં હોવાથી હસમુખભાઇએ તેઓને અટકાવ્યા હતા, દંડ ભરવા બાબતે માથાકૂટ થયા બાદ વિપુલભાઇએ રૂા.1500 આપવા માટે જણાવ્યું હતું. બીજી તરફ ટ્રાફિક પોલીસે ક્યુઆર કોડ આપ્યો હતો.

જેમાં વિઠ્ઠલભાઇએ રૂ.1500 ટ્રાન્સફર કરતા તે અન્યના ખાતામાં જમા થયા હતા. આ દંડની સામે વિપુલભાઇએ રસીદની માંગણી કરી હતી. પરંતુ પોલીસે થોડીવાર બાદ રસીદ આપવા કહ્યું હતું. પરંતુ વિપુલભાઇની પત્નીને પેટમાં દુ:ખાવો થતા તેઓએ ઉતાવળે રસીદ આપવાનું કહીને મોબાઇલમાં રસીદ બુકનો ફોટો પાડવાનો પ્રયાસ કર્યો હતો. તે દરમિયાન હસમુખભાઇએ વિપુલભાઇના હાથમાંથી ફોન આંચકી લેતા ઝપાઝપી થઇ હતી. હસમુખભાઇએ વિપુલભાઇને તમાચો મારી દીધો હતો અને બંને વચ્ચે મારામારી થઇ હતી. જે અંગે વિપુલભાઇની સામે ફરજમાં રૂકાવટનો ગુનો નોંધી તેની ધરપકડ કરાઇ હતી. આજે કોર્ટમાં રજૂ કરાયેલા વિપુલભાઇએ ટ્રાફિક પોલીસની સામે ફરિયાદ હોવાનું કહીને કોર્ટમાં સમગ્ર ઘટના કહી હતી. કોર્ટે વિપુલભાઇને જામીન મુક્ત કરીને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં જવા માટે સૂચના આપી હતી.

‘તમારા બધાના પટ્ટા ઉતારી નાંખીશ’ કહેનાર વકીલની સામે ગુનો નોંધાયો
પોલીસે વિપુલ પાણખાણીયાની સામે ફરજમાં રૂકાવટનો ગુનો નોંધ્યો હતો. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે વિપુલે દંડની પાવતી ફાડી નાખી એલ.આર મેલૂજીનો કોલર પકડી ઝાપટો મારી દીધી હતી. જેથી હસમુખભાઇ વચ્ચે પડી રોકવા જતા તેનો પણ કોલર પકડી ઝપાઝપી કરી હતી. તમારા બધાના ટોપી પટ્ટા ઉતારી નાખીશ અને ફરી આ જ્ગ્યા પર દેખાશો તો તમને જાનથી પતાવી દઇશ. તેવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જહાંગીરપુરા પોલીસમાં આ અંગે ફરજમાં રૂકાવટનો ગુનો દાખલ કર્યો હતો. અને તેની ધરપકડ કરી હતી. જો કે, આજરોજ કોર્ટમાં વિપુલને જામીન મુક્ત કરાયા હતા.

Most Popular

To Top