SURAT

કિરણ એક્સપોર્ટના માલિક વલ્લભ લાખાણીને રૂપિયાના જોરે ગરીબ પર દાદાગીરી કરવી પડી ભારે

સુરત : સત્તાના મદમાં છાકટા થયેલા હિરાના વેપારી અને સુરત ડાયમંડ બુર્સના (Surat Diamond Burse) ચેરમેનની સામે ફરિયાદ (Complaint) નોંધવાના આદેશ આપ્યા બાદ વરાછા પોલીસે (Police) તાત્કાલિક ફરિયાદ નોંધીને વલ્લભ લાખાણી (Vallabh Lakhani) તેમજ અન્યની સામે ગુનો (case) નોંધ્યો હતો. આ ઉપરાંત પીએસઆઇ પઢીયારની સામે પણ ઇન્કવાયરી કરવામાં આવી રહી છે. પીએસઆઇ પઢીયારે કિરણ એક્સપોર્ટના (Kiran Export) હેડની ફરિયાદ લેવાને બદલે તેને આરોપી બનાવીને 4 કરોડની ઠગાઇનો ગુનો નોંધી દેતા કોર્ટ (Surat Court) લાલઘૂમ થઇ હતી.

  • ‘હું ચોર છુ્’ તેવુ લખાણ લખેલી સ્લેટ પકડાવી તમામ કર્મચારીઓ સામે ઊભો રાખી દેવાયો હતો
  • પીએસઆઇ પઢીયારે કિરણ એક્સપોર્ટના હેડની ફરિયાદ લેવાને બદલે તેને આરોપી બનાવીને 4 કરોડની ઠગાઇનો ગુનો નોંધતા કોર્ટ લાલઘૂમ થઇ

આ કેસની વિગત મુજબ સરથાણા જકાતનાકા પાસે સેલિબ્રેશન હોમમાં રહેતા જીગ્નેશભાઇ કાકડીયા વરાછામાં આવેલી કિરણ એક્સપોર્ટમાં હેડ તરીકે કામ કરતા હતા. દિવાળી પહેલા તેઓની પાસે 22 કેરેટનું હીરાનું પેકેટ રહી ગયુ હતુ. જો કે, દિવાળી બાદ આ હીરા કિરણ એક્સપોર્ટના માલિક વલ્લભ શામજીભાઇ લાખાણીને પરત આપી દીધા હતા અને પોતાની ભૂલ સ્વીકારી લીધી હતી. ત્યારબાદ કિરણ એક્સોપર્ટના અન્ય મેનેજરો પણ જીગ્નેશની ઉપર નજર રાખી રહ્યા હતા. જીગ્નેશભાઇને કિરણ એક્સપોર્ટના તમામ કૌભાંડોની પણ જાણકારી હોવાની શંકા હોવાથી તેને વલ્લભભાઇએ પોતાની ચેમ્બરમાં બોલાવ્યા હતા. ત્યાં વલ્લભભાઇના ભત્રીજા વરૂણ અને આશિષ લાખાણી પણ હાજર હતા. આ ઉપરાંત બીજા 14 મેનેજરોએ ભેગા મળીને જીગ્નેશને પ્લાસ્ટિકના પાઇપ વડે માર માર્યો હતો, જીગ્નેશને ‘હું ચોર છું’ તેવુ લખાણ લખેલી સ્લેટ પકડાવી દીધી હતી અને સાંજે જ્યારે તમામ કર્મચારીઓ છૂટતા હતા તેઓની સામે ઊભો રાખી દેવાયો હતો.

આ મામલે જીગ્નેશભાઇની પત્ની નૈનાબેને વરાછા પોલીસમાં ફરિયાદ કરી હતી, પોલીસે બે દિવસ છતાં ગુનો નોંધવાને બદલે અરજી દફ્તરે કરી દીધી હતી. આ સાથે જ જીગ્નેશભાઇ તેમજ અન્યોની સામે 4 કરોડની ઠગાઇની ફરિયાદ પણ નોંધી દીધી હતી. આગોતરા જામીન મુક્ત થયેલા જીગ્નેશભાઇ અને તેની પત્ની નૈનાબેને વકીલ ડોલી દિપક શર્મા મારફતે કોર્ટમાં પ્રાઇવેટ ફરિયાદ કરી હતી. આ અરજી ચાલી જતાં કોર્ટે કિરણ એક્સપોર્ટના માલિકની સામે ગુનો નોંધવાનો આદેશ કર્યો હતો. આ ઉપરાંત વરાછાના પીએસઆઇ પઢીયારની સામે પણ ઇન્કવાયરી કરવા પોલીસ કમિશનરને સૂચન કરાયું હતું. કોર્ટના હુકમ બાદ વરાછા પોલીસે કિરણ જેમ્સના વલ્લભભાઇ શ્યામજીભાઇ લખાણી, વરૂણ બાબુભાઇ લખાણી, આશિષ બાબુભાઇ લખાણી, જીતુભાઇ મીયાણી, જીતેશભાઇ ઝડફીયા, પરેશભાઇ ગજેરા, ભાર્દિક કલથીયા, અશ્વિન ઇટાળીયા, રાજેન્દ્ર આકોલીયા, જયદીપ ભીમાણી, કાર્તિક સોજીત્રા, અરવિંદ બેલડીયા, હરેશ જાળીલા, વિજય કાનાણી, મનોજ સાવલિયા અને બંને બ્રાન્ચના ક્લીવીંગ ડિપાર્ટમેન્ટ તેમજ પોલિશીંગ ડિપાર્ટમેન્ટના તમામ હેડ સામે રાયોટીંગ અને મારામારીનો ગુનો દાખલ કર્યો છે.

કિરણ એક્સપોર્ટની સાથે ઠગાઇ કરવાના ગુનામાં ત્રણ કર્મચારીના જામીન મંજૂર
સુરત : કિરણ એક્સપોર્ટમાં કામ કરતા વિજયભાઇ ધીરૂભાઇ બદરખીયા, ગૌતમ હરીભાઇ કાછડીયા અને ધીરૂભાઇ જીવરાજભાઇ બદરખીયાની સામે કંપની સાથે 4 કરોડની ઠગાઇ કરવાનો ગુનો નોંધાયો હતો. આ કેસમાં પોલીસે વિજયભાઇ, ગૌતમભાઇ કાછડીયા તેમજ ધીરૂ બદરખીયાની ધરપકડ કરીને જેલમાં મોકલી આપ્યા હતા. જામીન મુક્ત થવા માટે ત્રણેયએ વકીલ રિધ્ધિશ વી. મોદી તેમજ મુકુંદ રામાણી મારફતે કોર્ટમાં જામીન અરજી કરી હતી. વકીલોએ દલીલો કરતા કહ્યું હતું કે, આરોપીઓને ખોટી રીતે ફસાવી દેવાયા છે, કોર્ટમાં તેઓની સામે ચાર્જશીટ પણ રજૂ થઇ ગઇ છે અને મુળ ફરિયાદી દ્વારા કોઇ વાંધો પણ કરવામાં આવ્યો નથી. આ અરજી ચાલી જતાં કોર્ટે આરોપીઓને જામીન મુક્ત કરતો હુકમ કર્યો છે.

Most Popular

To Top