SURAT

સુરતના ફ્રોડ વૈજ્ઞાનિકની ખુલશે પોલ, પોલીસ કમિશનરે કર્યું એવું કામ કે હવે મિતુલ ત્રિવેદી નહીં બચે…

સુરત : ચંદ્રયાન-3ની ડિઝાઇન બનાવવામાં પોતાની ભૂમિકા હોવાની વાત કરનાર સુરતના મિતુલ ત્રિવેદીને શહેર પોલીસ કમિશનર અજય તોમરની ઓફિસથી તેડું આવ્યું હતું. જોકે ત્યાં મિડીયા જોઇને મિતુલ ત્રિવેદી સ્થળ છોડી ગયા હતા.
ચંદ્રયાન-3 જેવા અતિ મહત્વના ભારતના સિક્રેટ મિશન અંગે શહેરના ડો. મિતુલ ત્રિવદી દ્વારા સુરત સહિત આખા દેશમાં જે રાયતું ફેલાવવામાં આવ્યું છે તેના કારણે શહેર પોલીસ કમિશનર કચેરીનું તંત્ર એકદમ સર્તક થઈ ગયું છે, ચંદ્રયાન-3ની ડિઝાઈન પોતે કરી હોવાની વાતો કરનાર ત્રિવેદીના મામલે પોલીસ કમિશનર અજય તોમરે અમદાવાદ ઈસરોને જાણ કરી આ અંગે યોગ્ય સત્તાવાર સ્પષ્ટતા માંગી છે.

સ્પેશિયલ બ્રાન્ચને મિતુલ ત્રિવેદીની ઇન્કવાયરી સોંપાઇ
આ સમગ્ર મામલે ડીસીપી હેતલ પટેલને ઇન્કવાયરી સોંપવામાં આવી છે. સાંજના સાત વાગ્યા સુધી કોઇ ઇન્કવયારી થઇ નહીં હોવાની વિગત ડીસીપી હેતલ પટેલે જણાવી હતી.

અમદાવાદ ઈસરોના સિનિયર અધિકારીએ કહ્યું, સુરતના મિતુલ ત્રિવેદી ચંદ્રયાન પ્રોજેક્ટ સાથે જોડાયેલા નથી
ગાંધીનગર: (Gandhinagar) સુરતના ડૉ. મિતુલ ત્રિવેદી (Mitul Trivedi) પોતે ઈસરોના વૈજ્ઞાનિક તથા સલાહકાર હોવાની વાતો તથા દાવો કરી રહ્યા છે, જો કે અમદાવાદમાં આવેલા ઈસરોના વડામથક ખાતે સિનીયર અધિકારીઓ ડો. મિતુલ ત્રિવેદીના દાવાને સમર્થન આપી રહ્યા નથી. ઈસરોના (ISRO) અધિકારીઓ પર આજે રાજ્યભરમાંથી મીડિયાએ મિતુલ ત્રિવેદી વિશે માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો હતો. ઈસરોના સિનીયર અધિકારીઓએ એવુ કહ્યું હતું કે, ડૉ મિતુલ ત્રિવેદી ચંન્દ્રયાન -3ના પ્રોજેકટ સાથે જોડાયેલા નથી. હકીકતમાં ઈસરોના અમદાવાદના ડાયરેકટર નીરજ દેસાઈ આ સમગ્ર પ્રોજેકટ સાથે જોડાયેલા હતા.

ચંદ્રયાન-3ની ડિઝાઈનના નામે સૌને મુરખ બનાવનાર મિતુલ ત્રિવેદી પોલીસ કમિશનર કચેરીએથી ભાગ્યા
‘મિશન મૂન હેઠળ તૈયાર થયેલા ચંદ્રયાન-3 ની ડિઝાઇન મેં બનાવી હતી’ એવા ગપ્પા મારી પારકો જશ લૂંટનારા મિતુલ ત્રિવેદી અમદાવાદ ઇસરોની સ્પષ્ટતા પછી પણ શુક્રવાર સવાર સુધી મમત છોડવા તૈયાર ન હતા. શુક્રવારે સવારે ત્રિવેદીએ પત્રકારોને નવી વાર્તા સંભળાવી કે, ચંદ્રયાન-3ની સ્પેસ ક્રાફટ ડિઝાઇન મારી ટીમની હતી, એમાં હું મેમ્બર હતો. પ્રોજેક્ટ પૂરતો ઇસરોના ડિઝાઇન ડિપાર્ટમેન્ટ સાથે મારો કોન્ટ્રાક્ટ છે, હું ફ્રીલાન્સર છું એટલે ઇસરો અને નાસા બંને સાથે કોન્ટ્રાક્ટ પર કામ કરી શકું છું. ચંદ્રયાનની ડિઝાઇનનું કામ મારું છે પણ અખબારોએ ક્વેરી કાઢી છે, એટલે મારે વધારે કોઈ વાત કરવી નથી.

કહેવાતો ઇસરોનો વૈજ્ઞાનિક સવારે પત્રકારો સમક્ષ ગપગોળા છોડી રહ્યો હતો, સાંજે પોલીસ કમિશનર કચેરીએ 5 વાગે હાજર થવાનું તેડું આવતા ડઘાઈ ગયેલા મિતુલ ત્રિવેદી 5 વાગ્યાને બદલે 04.15 કલાકે જ પોલીસ કમિશનર કચેરીએ દોડી આવ્યા હતા. પરંતુ પોલીસ કમિશનર કચેરીએ મીડિયાના ટોળા જોઈ મિતુલ ત્રિવેદી મૌન થઈ ગયા હતા. ઘરે બોલાવી ચેનલોને ઇન્ટરવ્યૂ આપનાર અને ઇસરોના સાચા વૈજ્ઞાનિકોની સિદ્ધિ પોતાને નામે ચઢાવનાર ત્રિવેદી પોલીસ કમિશનર કચેરીએથી પાછા વળી ગયા હતા.

વર્ષોથી પત્રકારોને જુદા જુદા સ્પેસ મિશનની માહિતી આપનાર મિતુલ ત્રિવેદી પત્રકારોને જાણે ઓળખતા જ ન હોય એવું વર્તન કર્યું હતું. ઉપરાંત પોતે ઇસરો સાથે કઈ રીતે સંકળાયેલા છે, એના ડોક્યુમેન્ટ આપવા આવ્યો છું પણ મીડિયા મને હેરાન કરે છે, હું પછી આવું એવી ફરિયાદ પોલીસ કમિશનર કચેરીના નાગરિક સુવિધા કેન્દ્ર પર ઊભેલા જવાનોને કરી ચાલ્યા ગયા હતા. પત્ની સાથે પોલીસ કમિશનર કચેરીએ આવેલા મિતુલ ત્રિવેદીએ પત્રકારોના એકપણ પ્રશ્નોના ઉત્તર આપ્યા ન હતા. દોડીને કારમાં બેસી પોલીસ કમિશનરને મળ્યાં વિના જ ચાલતી પકડી હતી.

એરપોર્ટ પર ભીડ હોવાથી બીજા દરવાજેથી કાઢ્યો હોવાનું પણ ગપ્પુ ચલાવ્યું
શ્રી હરિકોટાથી બેંગલુરુ થઈ રાતે સુરત આવવાનો દાવો કરનાર અને રાતે 12 વાગ્યે પત્રકારોને એરપોર્ટ પર તેડાવી ગાયબ થઈ ગયેલા મિતુલ ત્રિવેદીએ ગપ્પુ માર્યું હતું કે સુરત એરપોર્ટ પર એના સ્વાગત માટે રાત્રે ખૂબ મોટી સંખ્યામાં લોકોની ભીડ આવી હોવાથી એરપોર્ટ તંત્રએ તેમને બીજી સાઈડથી બહાર કાઢ્યા હતા. હકીકતમાં રાતે 12 વાગ્યે બેંગલુરુથી સુરત કોઈ ફ્લાઈટ જ આવતી નથી. એરપોર્ટના સૂત્રોએ જણાવ્યું હતું કે,ચન્દ્રયાનનાં વિક્રમ લેન્ડરનું ચંદ્રની ધરતી પર જે દિવસે સફળ લેન્ડિંગ થયું એ દિવસે કે બીજા દિવસે આ પ્રકારના કહેવાતા વીવીઆપીને બહાર કાઢવાની કોઈ ઘટના બની નથી. કોઈ ટોળું પણ એરપોર્ટ પર ભેગું થયું ન હતું.

પોલીસનું તેડું આવતા જ મિતુલ ત્રિવેદી અડાજણના ઘરને તાળું મારી ગાયબ
શુક્રવારે સવાર સુધી પોતાના જુઠ્ઠને સાચું સાબિત કરવાની હઠે ચડેલા મિતુલ ત્રિવેદીને બપોરે પોલીસ કમિશનર કચેરીએ હાજર થવાનો આદેશ થતા ફોન બંધ કરી, અડાજણ ખાતેના ઘરને તાળું મારી ગાયબ થઈ ગયા હતા.

આખા સુરતને નીચું જોવડાવનાર મિતુલ ત્રિવેદી સામે ફોજદારી ગુનો દાખલ કરવા માંગ
સુરત : શહેરમાં એક તરફ ચંદ્રયાનની ઘટનાથી શહેરીઓ ગૌરવ લઇ રહ્યાં છે બીજી બાજુ આ ચંદ્રયાનના નિર્માણમાં પોતાનો સિંહફાળો હોવાની વાત કરનાર મિતુલ ત્રિવેદીએ શહેર સાથે છેતરપિંડી કરી હોવાના ગંભીર આક્ષેપો થઇ રહ્યા છે. જેના કારણે આખા સુરતને નીચું જોવાપણું થયું છે, શહેરના જાણીતા ગૌરક્ષક ધર્મેશ ગામીએ આ મામલે શહેર સાથે છેતરપિંડી કરનાર મિતુલને જેલના સળિયા પાછળ નાંખવા માટે ઉમરા પોલીસને અરજી કરી છે.

તેઓએ જણાવ્યું હતું કે જયારે સમગ્ર દેશ ઉપરાંત સુરત માટે આ ગૌરવનો વિષય છે. ત્યારે આખા શહેરને ડફોળ બનાવનાર આ કહેવાતા વિજ્ઞાનીને જેલના સળિયા પાછળ ધકેલવાની માંગણી ધર્મેશ ગામી દ્વારા કરવામાં આવી છે. આ મામલે ઉમરા પોલીસને અરજી પણ આપવામાં આવી હતી. તેમાં મિતુલ ત્રિવેદી સામે છેતરપિંડીનો ગુનો દાખલ કરવા માટે પોતે ફરિયાદી બનવા માટે તૈયારી બતાવી છે.

Most Popular

To Top