SURAT

‘મારી પત્નીને ઘરે પાછી કેમ નથી મોકલતા’, કહી જમાઈએ સાસુ પર જલદ્દ પ્રવાહી ફેંક્યું

સુરત : પતિ-પત્નીના પારિવારીક ઝઘડામાં જમાઈએ સાસુ પર હુમલો કર્યાનો બનાવ સુરતમાં બન્યો છે. ચાર વર્ષથી પિયર રહેતી પત્ની પાછી નહીં આવતા જમાઈ અકળાયો હતો. સાસુના લીધે જ પત્ની પાછી નહીં આવતી હોય એમ માની સાસુ પર જલદ પ્રવાહી જમાઈ ફેંકી ભાગી છૂટ્યો છે.

પત્નીને ઘરે કેમ નથી મોકલતા તેમ કહીને સાસુ પર જવલનશીલ પદાર્થ ફેંકતા મામલો પૂણા પોલીસ મથક સુધી પહોંચ્યો છે. તેમાં સાસુ નિતાબેન નારાયણભાઇ ભાગવત (ઉ.વ.૫૨ ધંધો, વેપાર રહે-એ/૨૦, કૌશલનગર સોસાયટી, આસપાસ- ગોડાદરા) દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. તેમના જમાઇ (૧) ગણેશ નામદેવ લોનારી (રહે., મ.નં ૮૦ રૂષિનગર, મહારાણા પ્રતાપચોક, ગોડાદરા) સુરત તથા તેની સાથે આવેલા એક અજાણ્યા ઇસમ સામે દાખલ કરાવી હતી.

તેઓએ જણાવ્યું હતું કે ગત તા. 10 ઓગસ્ટના સાંજના સાડા છ વાગ્યે તેમનો જમાઇ ગણેશ અજાણ્યા ઇસમ સાથે તેઓ પાસે આવ્યો હતો. તેણે જણાવ્યું કે મારી પત્નીને કેમ ઘરે મોકલતા નથી તેમ કહીને આંખમાં જવલનશીલ પદાર્થ નાંખીને ભાગી ગયો હતો.

નીતાબેને જણાવ્યું કે તેમની દિકરીના લગ્ન ગણેશ સાથે થયા છે. ગણેશ તેમની દિકરીને ફટકારતો હોવાને કારણે ચાર વર્ષથી તે અલગ રહે છે. દરમિયાન સાત દિવસ પહેલા તેઓની સમાધાન માટે મિટીંગ થઇ હતી. તેમાં ઉગ્ર બોલાચાલી થઇ હતી. ત્યારબાદ આ ગણેશ તેઓ પાસે આવીને તેઓ પર જવલનશીલ પદાર્થ નાંખીને ફરાર થઇ ગયો હતો.

વલસાડનાં ઘરમાં સુતેલા શખ્સ ઉપર બારીમાંથી એસિડ એટેક
વલસાડ : વલસાડનાં મોગરાવાડી અંબુ નગરમાં રહેતો ઇસમ પોતાના ઘરમાં સુઇ રહ્યો હતો, તે દરમિયાન અજાણ્યા ઈસમોએ બારીમાંથી એસિડ નાંખતા તે આંખ અને મોઢાના ભાગે દાઝી જતા સારવાર માટે વલસાડ સિવિલમાં દાખલ કરાયો હતો. જ્યાં સમાજના લોકો મોટી સંખ્યામાં ભેગા થઈ પરિવાર સહિતનાઓએ સમગ્ર ઘટનાને ચીકલીગર ગેંગ દ્વારા અંજામ આપવામાં આવ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ વલસાડના મોગરાવાડી ખાતે અંબુ નગરમાં વિનોદભાઈ પરિવાર સાથે રહે છે. ગુરુવારે રાત્રે પોતાના ઘરની બારી પાસે સુતેલા હતા, તે દરમિયાન કોઈ અજાણ્યા ઈસમોએ બારી ખોલી એસિડ એટેક કરતાં વિનોદભાઈ પવાર આંખના ભાગે ગંભીર રીતે દાજી ગયા હતા. દાઝી ગયેલા વિનોદભાઈને તાત્કાલિક વલસાડની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

ઘટનાની જાણ થતા વલસાડ સીટી પોલીસની ટીમ તાત્કાલિક દોડી ગઈ હતી. જોકે આ એસિડ એટેક ચીકલીગર ગેંગના માણસો દ્વારા કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ પરિવાર અને આગેવાનોએ કર્યો છે. વિનોદભાઈના પરિવારજનોએ જણાવ્યું કે અગાઉ પણ વિનોદભાઈને ચીકલીગર ગેંગના માણસોએ મારી નાંખવાની ધમકી આપી હોવાનો આક્ષેપ કર્યો હતો. ઘટના અંગે પરિવારે પોલીસ મથકે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે.

Most Popular

To Top