SURAT

સુરત પોલીસે રાજ્યવ્યાપી સટ્ટાકાંડનો પર્દાફાશ કર્યો, આ સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર હતો માસ્ટર માઈન્ડ

સુરત(Surat): સુરતની ડીસીબી (DCB) ક્રાઈમ બ્રાન્ચને (CrimeBranch) મોટી સફળતા મળી છે. પોલીસે રાજ્ય વ્યાપી સટ્ટાકાંડનો પર્દાફાશ કર્યો છે. ક્રિકેટ, ટેનિસ સહિત વિવિધ ઓનલાઈન ગેમ પર સટ્ટો રમાડતા તેમજ સટ્ટાના બહાને લોકો સાથે છેતરપિંડી કરતી ગેંગને પોલીસે ઝડપી પાડી છે. પોલીસે વેસુમાંથી કુલ ત્રણ બુકીને પકડ્યા છે. સુરતનો સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર આ સટ્ટાકાંડનો માસ્ટર માઈન્ડ હોવાનો ઘટસ્ફોટ થયો છે.

  • સુરત ક્રાઇમ બ્રાન્ચને હાથ લાગી મોટી સફળતા, વેસુ વિસ્તારમાંથી ઝડપી પાડ્યું મોટું સટ્ટાકાંડ
  • ડમી સીમકાર્ડ થી ચાલતું હતું સમગ્ર કાંડ, ત્રણ બુકીની ધરપકડ
  • સોશિયલ મીડિયાના રીલ સ્ટાર ચિન્ટુ ભાઈ જી અને ગજાનંદ ટેલર પકડાયા
  • ક્રિકેટ, કેસીનો, ટેનિસ, ફૂટબોલ, હોકી, કબડ્ડી કબડ્ડી જેવી ઈનટેનશનલ ગેમ પર ચાલતું સટ્ટારેકેટ
  • ડમી સીમકાર્ડ ના આધારે ચાલતું હતું સમગ્ર સટ્ટાકાંડ
  • રાજકોટ, અમદાવાદ, અમરેલી, મહેસાણા, પાટણના પાંચ બુકી વોન્ટેડ
  • સુરતમાંથી પકડાયેલા ત્રણ પૈકી ગજાનંદ ટેલર માસ્ટર માઈન્ડ

ક્રાઇમ બ્રાંચની અલગ અલગ ટીમોએ વેસુ વી.આઇ.પી.રોડ, ટાઇમ્સ કોર્નર બિલ્ડીગની બાજુમાં આવેલા એબ્રોઝીયા બિઝનેસ હબના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આવેલા પાનવાડી પાન સેન્ટર નામની દુકાનમાં ગજાનંદ ઉર્ફે ગજુ ટેલર નામનો ઇસમ તેના મળતીયા માણસો મારફતે મોબાઇલ ફોનમાં ઓનલાઇન વેબસાઇટ ઉપર ઇન્ટરનેશનલ ગેમો જેવી કે, ક્રિકેટ, કસીનો, ટેનિસ, ફૂટબોલ, હોકી, કબડ્ડીની લાઇવ ગેમ ઉપર સટ્ટો રમાડતા હોવાની બાતમી મળી હતી.

બાતમીને આધારે ક્રાઇમ બ્રાંચના પોલીસ સબ ઈન્સ્પેક્ટર અને પોલીસ ટીમે છાપો મારી 3 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. જેમાં ગજાનંદ ઉર્ફે ગજુ જશંતભાઇ ટેલર (ઉં.વ-43, રહે-ઘર નં-1/2326, નાનપુરા માછીવાડ, મચ્છી માર્કેટની પાછળ, સુરત), ચીનાંશુ ઉર્ફે ચીન્ટુ ભાઇજી ગોઠી (ઉં.વ-41, રહે- સી-10, શિવકૃપા સોસાયટી, અંબાનગર, ઉધના મગદલ્લા રોડ, સુરત), હીરલ ઉર્ફે જીગ્નેશ દેસાઇ (ઉં.વ-41, રહે-201, સાંઇ કોમ્પ્લેક્ષ, પટેલ ફળીયુ, ઉઘનાગામ, સુરત)નાઓને ઝડપી પાડયા છે.

આરોપીઓ પાસેથી અલગ અલગ કંપનીના મોબાઇલ ફોન નંગ-5 કિંમત રૂપિયા 4,30,000 ની મત્તાના મળી આવ્યા હતા, જે મોબાઇલ ફોન ચેક કરતા Vmgs365.co નામની વેબસાઇટ મળી આવી હતી. આ વેબ સાઇટ બાબતે આરોપીઓની ઝીણવટભરી રીતે પુછપરછ કરતા પકડાયેલા આરોપીઓ પૈકી આરોપી ગજાનંદ ઉર્ફે ગજુ ટેલરે અજાણ્યા ઇસમ પાસેથી સીમકાર્ડ ખરીદી લોકો સાથે ઠગાઇ કરવાના ઇરાદે આ સીમકાર્ડ હાર જીતના જુગારની અલગ અલગ ઓનલાઇન ગેમો રમાડવા માટે ઉપયોગ કરતા હોવાનો ખુલાસો થયો હતો. પોલીસે પકડાયેલા ત્રણેય આરોપીઓ વિરૂધ્ધ ઇ.પી.કો. કલમ-૪૨૦ તથા જુગાર ધારા કલમ- ૪,૫ મુજબનો ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ડમી સીમકાર્ડના આધારે ચાલતો ખેલ
સટ્ટો રમાડવા માટે બુકીઓએ સુવ્યવસ્થિત નેટવર્ક બનાવ્યું હતું. સટ્ટા માટે બુકીઓ ડમી સીમકાર્ડનો ઉપયોગ કરતા હતા. આ રાજ્ય વ્યાપી રેકેટનો મુખ્ય સુત્રધાર સુરતનો ગજાનંદ ટેલર હોવાનું બહાર આવ્યું છે. રાજકોટ, અમદાવાદ, અમરેલી, મહેસાણા અને પાટણના પાંચ બુકી પણ રેકેટમાં સામેલ હતા. તેઓ ફરાર છે. પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે.

પગાર અને કમિશન પર કર્મચારી રાખ્યા
આ રેકેટમાં અન્ય આરોપીઓ ચીનાંશુ ગોઠી તથા હીરલ દેસાઇ નાઓને ઓનલાઇન ગેમની વેબસાઇટ સંભાળવા માટે પગાર અને કમિશન ઉપર રાખવામાં આવ્યા હતા. જેમા અલગ અલગ ગ્રાહકોને તેઓ યુઝર આઇ.ડી. અને પાસવર્ડ બનાવી આપીને Vmgs365.co નામની વેબસાઇટ ઉપર ક્રિકેટ, કસીનો, ટેનિસ, ફુટબોલ, હોકી, કબડ્ડી જેવી લાઇવ ચાલતી ઇન્ટરનેશનલ ગેમો સટ્ટો રમાડતો હોવાની કબુલાત કરી હતી.

Most Popular

To Top