SURAT

સુરત: દારૂના કેસમાં પકડાયેલા PSI પેશાબનું બહાનું કરી ભાગવા જતા ફિલ્મી દૃશ્યો સર્જાયા

સુરત: (Surat) દારૂના કેસમાં બસના (Bus) માલિકને આરોપી નહીં બનાવવા માટે પાંચ લાંખની લાંચ માંગનારા પૂણા પોલીસ સ્ટેશનના પીએસઆઇ (PSI) રાજપુતના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર થયા હતા. પોલીસની (Police) પ્રાથમિક પુછપરછમાં પીએસઆઇએ રૂપિયા લીધા ન હોવાનું કહ્યું, જ્યારે માણસે 1.70 લાખ પીએસઆઇને આપ્યા હોવાનું કહેતા બંનેના વિરોધાભાસી નિવેદનો નોંધાયા હતા. દરમ્યાન પંચનામાની કાર્યવાહી દરમ્યાન પીએસઆઈ પેશાબ કરવા જવાનું બહાનું કાઢી ભાગવાની કોશિશ કરતા તેમને પકડવા માટે એસીબીએ (ACB) ફિલ્મી ઢબે પીછો કર્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ પુણા પોલીસે રાજસ્થાનથી આવતી એક લકઝરી બસમાં રૂા.4.82 લાખનો દારૂ પકડી પાડ્યો હતો. જેમાં પોલીસે 2 આરોપીને પકડી પાડ્યા હતા, જ્યારે બસના માલિકને આરોપી તરીકે દાખલ નહીં કરવા માટે પુણા પોલીસના પીએસઆઇ જયદિપસિંહ રાજપુતે 5 લાખ રૂપિયા માંગ્યા હતા. રકઝકના અંતે મામલો રૂા.3 લાખમાં પત્યો હતો. જેમાંથી બસના માલિક દ્વારા રૂા.1.70 લાખ આપ્યા હતા. બીજા રૂા.1.30 લાખ આપવાના બાકી હતા. પીએસઆઇ વારંવાર ફોન કરીને રૂપિયાની માંગણી કરતા આખરે એસીબીમાં ફરિયાદ થઇ હતી. જેને લઇને એસીબી દ્વારા વોચ ગોઠવીને પુણા પોલીસ મથકની બહારથી જ પીએસઆઇ રાજપુત અને તેના માણસ જીયાઉદ્દીનની ધરપકડ કરી હતી.

પોલીસની પ્રાથમિક પુછપરછમાં જીયાઉદ્દીનનું નિવેદન નોંધાતા તેને રૂા.1.70 લાખ પીએસઆઇને આપી દીધા હોવાનું જણાવ્યું હતું, જ્યારે પીએસઆઇ રાજપુતએ પોતાને કોઇ રૂપિયા મળ્યા ન હોવાનું કહેતા મામલો ગુંચવાયો હતો. પોલીસે આ બંનેના નિવેદનો લઇને પુછપરછ કરી હતી. બંને પૈકી જીયાઉદ્દીનનો કોવિડનો રિપોર્ટ પોઝિટીવ આવતા તેને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ મોકલાયો હતો. બીજી તરફ પીએસઆઇ રાજપુતની ધરપકડ કરીને તેમને કોર્ટમાં રજૂ કરી પાંચ દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી.આ કેસમાં અન્ય પુરાવા ભેગા કરવાના હોય આરોપીના રિમાન્ડ માંગવા માટે સરકારી વકીલ સંતોષ ગોહિલ દ્વારા દલીલો કરાઇ હતી. કોર્ટે બંને પક્ષોની દલીલો બાદ પીએસઆઇના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરતો હુકમ કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે એસીબી પીએસઆઇની ધરપકડ કરીને તેમનું નિવેદન નોંધ્યા બાદ પંચનામાની કાર્યવાહી કરી રહ્યા હતા તે સમય દરમિયાન પીએસઆઇ રાજપુત પેશાબ કરવા જવાના બહાને ત્યાંથી નિકળ્યા હતા. પોલીસ મથકની દિવાલ ઉપરથી ભુસકો મારી રોડ ઉપરથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પીએસઆઇ એક કિન્નરની રિક્ષાને ઊભી રખાવીને તેમાં બેસી ગયા હતા. એસીબીએ પ્રાઇવેટ વાહન મારફતે 10 મીનીટ સુધી તેમનો પીછો કરી ફિલ્મી ઢબે પકડી પાડ્યા હતા.

Most Popular

To Top