SURAT

સીઆર પાટીલના નેતૃત્વમાં સુરત ડાયમંડ બુર્સનું પ્રતિનિધિ મંડળ આજે મોદીને મળશે

સુરત: ગુજરાત (Gujarat) ભાજપના (BJP) પ્રદેશ અધ્યક્ષ અને નવસારીના (Navsari) સાંસદ સી.આર. પાટીલની (CR Patil) અધ્યક્ષતામાં સુરતના (Surat) હીરા ઉદ્યોગપતિઓનું પ્રતિનિધિ મંડળ બુધવારે નવી દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત કરશે. વિશ્વના સૌથી મોટા ઓફિસ બિલ્ડીંગ તેમજ વિશ્વના સૌથી મોટા હીરા બજાર તરીકે ઉદઘાટન પહેલા જ ખ્યાતિપ્રાપ્ત બની ચૂકેલા સુરતના ખજોદ સ્થિત સુરત હીરા બુર્સ (SDB)ના ઉદઘાટનનું રિવર્સ કાઉન્ટડાઉન શરૂ થઇ ચૂક્યું છે. સંભવત: સુરત ડાયમંડ બુર્સનાં ઉદ્ઘાટન સમારોહની તારીખ આજે નક્કી થવાની શકયતા છે.

સુરત હીરા બુર્સ મેનેજમેન્ટના સભ્ય દિનેશ નાવડીયાએ જણાવ્યું હતું કે તા. 2 ઓગસ્ટના રોજ ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને નવસારીના સાંસદ સી.આર. પાટીલની અધ્યક્ષતામાં સુરત હીરા બુર્સની મેનેજિંગ કમિટીના સભ્યો નવી દિલ્હી જઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રૂબરૂ મળીને ઉદઘાટન માટે તેમને નિમંત્રિત કરશે. આ સાથે જ તા. 21મી નવેમ્બર 2023ના રોજ સુરત હીરા બુર્સમાં પોતાની ઓફિસનો શુભારંભ કરવા જનારા 450થી વધુ હીરા ઉદ્યોગપતિઓ, હીરા વેપારીઓ, હીરા વ્યવસાયીઓની નામાવલિ પણ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને સુપરત કરવામાં આવશે. વધુ 150 જેટલા ઓફિસ ધારકોએ તા. 21મી નવેમ્બરે પોતાની ઓફિસ ધમધમતી કરી દેવાની તૈયારી દાખવતા હવે 450 ઓફિસો એક જ દિવસે શરૂ થઇ જશે.

રોજેરોજ અનેક ઓફિસ ધારકો પોતાની ઓફિસના ઇન્ટીરીયર ડેકોરેશન, ફર્નિચર તેમજ અન્ય કામકાજ માટે સુરત હીરા બુર્સની મુલાકાત લઇ રહ્યા છે. સુરત અને મુંબઈની 400 ડાયમંડ કંપનીઓએ ટ્રેડિંગ શરૂ કરવા સહમતિ આપી છે. અત્યારે 5,55,720 સ્કવેર ફૂટ એરિયામાં આવેલી ઓફિસોનું ઇન્ટીરીયરનું કામ પુર્ણ થવાના આરે છે. સુરત ડાયમંડ બુર્સમાં 4600 ઓફિસ રૂપિયા 3,000 કરોડના ખર્ચે બાંધવામાં આવેલ SDBમાં અંદાજે 4,500 ઓફિસોનો સમાવેશ થાય છે.

આ કામો વિના સુરત ડાયમંડ બુર્સ સફળ થશે?
સૂત્રો કહે છે કે, બુર્સને લગતી કસ્ટમની મંજૂરીઓ મળવામાં ખૂબ વિલંબ થઈ રહ્યો છે. સુરત એરપોર્ટ પર હાઈ વેલ્યુ ગુડ્ઝ માટે ઇન્ટરનેશનલ કાર્ગો સુવિધાના ઠેકાણાં નથી. સુરતથી દુબઇ, સિંગાપોર, બેંગકોક, હોંગકોંગ, લંડન, બોટસવાના, બ્રસેલ્સ જેવા ઈન્ટરનેશનલ ડેસ્ટિનેશનની ફ્લાઈટ માટે કોઈ તૈયારી નથી. સુરત એરપોર્ટ પર વિકાસના કામો ખૂબ ધીમી ગતિએ ચાલી રહ્યાં છે. સુરત એરપોર્ટને ઇન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો આપવો અને બાયલેટરલ કરારમાં સુરતનો સમાવેશ કરવો જરૂરી છે.

Most Popular

To Top