SURAT

સુરત: પરિણીત પાડોશીએ ઘરે બોલાવી ફિઝીયો થેરાપિસ્ટનો રેપ કર્યો

સુરત: (Surat) સુરત શહેરના અલથાણ વિસ્તારમાં રહેતી એક પર પ્રાંતિય ફિઝીયો થેરાપીસ્ટ (Physio therapist ) સાથે મિત્રતા કેળવીને આ વિસ્તારમાં જ રહેતા પાડોશના પરિણીત પુરુષે પોતે કુંવારો હોવાનું ખોટી બોલી ફસાવી વારંવાર બળાત્કાર (Rape) ગુજાર્યો હતો. પોતાની પત્નીને છુટાછેડા (Divorce) આપીને ફિઝીયો થેરાપીસ્ટને ઓસ્ટ્રેલિયા લઇ જવાનો વાયદો કરી પરિણીત પાડોશીએ ફિઝીયો થેરાપીસ્ટને ફસાવી હતી. જોકે, આખરે મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે.

  • અલથાણ વિસ્તારની ઘટના: માતાને સારવારની જરૂર હોવાનું કહી યુવતી પાસે નંબર લીધો હતો
  • પત્નીને બહેન અને દીકરીને ભાણેજ હોવાનું ખોટું બોલી લગ્નનું વચન આપી ગેરલાભ લીધો
  • ભાંડો ફૂટતા ફિઝીયો થેરાપીસ્ટ યુવતીની હાલત બૂરી થઈ, પરિવારજનોએ ઘરની બહાર કાઢી

પોલીસ પાસેથી મળતી વિગતો અનુસાર, અલથાણ વિસ્તારમાં રહીને ફિઝીયો થેરાપીસ્ટ તરીકે હોમ વિઝીટ કરતી એક યુવતીને વિરેન્દ્ર અભેસીંગ પટેલ (રહે. રાજ રેસીડન્સી-એ, સોહમ સર્કલ, અલથાણ)એ પોતાની માતાને ઘરે ફિઝીયો થેરાપીની જરૂર હોવાનું કહીને તેનો મોબાઇલ નંબર મેળવ્યો હતો. બાદમાં તેની સાથે મિત્રતા કરીને પ્રેમનું નાટક કર્યું હતું અને તેને પોતાના ઘરે બોલાવીને તેની સાથે શરીર સબંધ બાંધ્યો હતો. ઉપરાંત ડુમ્મસ ખાતે લઇ જઇ અને નવસારી તેમજ ધરમપુર ખાતે કારમાં લઇ જઈને પણ શરીર સબંધ બાંધ્યો હતો.

આ ફિઝીયો થેરાપીસ્ટ જ્યારે વિરેન્દ્રના ઘરે ગઇ ત્યારે યુવાને તેની પત્નીની ઓળખ બહેન તરીકે આપી હતી અને પુત્રી બહેનની દીકરી હોવાનું કહ્યું હતું. વિરેન્દ્રએ આ ફિઝીયો થેરાપીસ્ટ યુવતીને લગ્ન કરીને ઓસ્ટ્રેલિયા જતા રહીશું એવું વચન પણ આપ્યું હતું. યુવતીની માતાએ પણ વિરેન્દ્રને જમાઈ તરીકે સ્વીકારી લીધો હતો. દરમિયાન યુવતીની માતાને વિરેન્દ્ર પરિણીત હોવાની જાણ થતા હંગામો મચી ગયો હતો. યુવતી વિરેન્દ્રના ઘરે ગઈ ત્યારે બધી સત્ય હકીકત બહાર આવી ગઈ હતી. વિરેન્દ્રની રાસલીલાનો ભાંડો તેની પત્ની સામે પણ ફૂટી ગયો હતો.

જોકે, સૌથી બુરી હાલત ફિઝીયો થેરાપીસ્ટ યુવતીની થઈ હતી. બદનામી થતાં માતા-પિતાએ યુવતીને ઘરમાંથી કાઢી મુકી હતી. ત્રણ દિવસથી યુવતી મિત્રના ઘરે રહેતી હતી. બીજી તરફ વિરેન્દ્ર પટેલ રમત કરતો હોવાનો અનુભવ થઈ જતા ફિઝીયો થેરાપીસ્ટ યુવતી પોલીસ સ્ટેશન પહોંચી હતી અને તેના પર બળાત્કાર ગુજારવામાં આવ્યાની ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે આ મામલે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top