SURAT

ચીખલીથી હાઈવે બંધ થયા બાદ 20 કિ.મી. લાંબો ટ્રાફિક જામ લાગ્યો, સુરતથી આ રસ્તે વાહનો ડાયવર્ટ કરાયા

સુરત (Surat): વીતેલી રાતે વરસેલા અતિ ભારે વરસાદના (Rain) લીધે દક્ષિણ ગુજરાતની (South Gujarat) અંબિકા, પૂર્ણા, કાવેરી અને ઓરંગા નદી છલકાઈ છે. જેના લીધે વલસાડમાં (Valsad) અઠવાડિયામાં બીજી વાર પૂર (Flood) આવ્યું છે, જ્યારે નવસારી (Navsari) શહેર અને આસપાસના ગામોને કાવેરી, અંબિકા અને પૂર્ણા નદીના પાણીએ તબાહી મચાવી છે. હાલત એટલી ખરાબ છે કે પૂર્ણા નદીનું પાણી નવસારીના સ્ટેટ હાઈવેની (State Highway) સાથે સાથે મુંબઈ (Mumbai) ગુજરાતના (Gujarat) નેશનલ હાઈવે 8 (NH8) પર પણ ફરી વળ્યું છે. ચીખલીની આલ્ફા હોટલ પાસે હાઈવેના રસ્તા પર પાણી ફરી વળ્યા છે જેના લીધે અહીંથી હાઈવે બંધ કરી દેવાયો છે. પરિણામે ગુજરાત-મહારાષ્ટ્રનો સંપર્ક કપાઈ ગયો છે. ચીખલીની બંને તરફ 15થી 20 કિ.મી. લાંબો ટ્રાફિક જામ થયો છે. વાપી પાસે બેરિકેટ મુકી મુંબઈ તરફના વાહનો અટકાવી દેવાયા છે, આ તરફ સુરતની પલસાણા ચોકડી અને ભાટીયા ટોલનાકા પર વાહનવ્યવહારો અટકાવાયો છે. બારડોલી તરફ વાહનો ડાયવર્ટ પણ કરાયા છે.

ગુજરાત-મુંબઈ નેશનલ હાઈવે બંધ કરાતા ટ્રાફિક જામ
નવસારીની કાવેરી, અંબિકા અને પૂર્ણા નદી ઓવરફલો થઈ ગઈ છે, જેના લીધે સાદકપોર, ખૂંધ સહિત ચીખલીના અનેક ગામોમાં ગળાડૂબ પાણી ભરાયા છે. ગામોમાંથી પસાર થઈ પાણી ગુજરાત મુંબઈ નેશનલ હાઈવે સુધી પહોંચી ગયા છે. ચીખલીની વસુંધરા ડેરી, આલ્ફા હોટલ, ખૂંધ ચાર રસ્તા પાસેના હાઈવે પર પૂરના પાણી પહોંચી ગયા છે, જેના લીધે આજે ગુરૂવારે સવારથી જ ગુજરાત-મુંબઈ નેશનલ હાઈવે પર વાહનની અવરજવર પ્રતિબંધિત કરી દેવાઈ છે. અમદાવાદ તરફથી આવતા વાહનોને સુરત ખાતે રોકી દેવામાં આવી રહ્યાં છે, બીજી તરફ મુંબઈ તરફથી આવતા વાહનો વાલી અને સેલવાસ પાસે રોકી દેવાયા છે જેના લીધે હાઈવે પર 15 કિલોમીટરથી વધુ ટ્રાફિક જામ સર્જાયો છે. લોકો હેરાન થઈ ગયા છે.

આલીપોર સ્ટેટ હાઈવે પણ બંધ કરી દેવાયો
નવસારીના લેકટરે જણાવ્યું હતું કે, નવસારી જિલ્લામાં અમદાવાદ મુંબઈ નૅશનલ હાઈવે પર વરસાદી પાણી ભરાવાને કારણે નવસારી જિલ્લાના નાગરિકોની સલામતી અને સુરક્ષા માટે ચીખલી આલીપોરથી વલસાડ સુધીનો હાઈવે અવરજવર માટે બંધ કર્યો છે તેમજ સલામતી માટે આ હાઇવે પરનો પ્રવાસ ટાળવા જિલ્લા કલેકટરએ લોકોને અપીલ કરી છે.

ભાટીયા ટોલનાકાથી વાહનોને આગળ જતા અટકાવાયા
ચીખલી નજીક હાઈવે પરથી ધસમસતું પાણી પસાર થઈ રહ્યું છે. હોટલોમાં પાણી ભરાઈ ગયા છે, જેના લીધે નવસારી કલેક્ટર દ્વારા નેશનલ અને સ્ટેટ હાઈવે બંધ કરી દેવાયો છે. તેની અસર સુરતને પણ પડી છે. સુરતમાં ભાટીયા ટોલ નાકા (Bhatia Toll Plaza) પરથી જ વાહનોને આગળ વધતા રોકી દેવામાં આવ્યા છે. સુરત શહેરના પોલીસ કમિશનર દ્વારા ભાટીયા ટોલનાકા પર પોલીસ કુમક ગોઠવી દેવામાં આવી છે, જેઓ વાહનચાલકોને નવસારી તરફ નેશનલ હાઈવે પર વધતા અટકાવી રહ્યાં છે. પલસાણા ચોકડી પર પણ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. લોકોને નવસારી તરફ આગળ વધતા રોકવામાં આવી રહ્યાં છે. સુરત શહેર પોલીસે સોશિયલ મીડિયા પર જાહેર અપીલ કરી છે કે લોકો નવસારી તરફ હાઈવે પર નહીં જાય.

Most Popular

To Top