SURAT

કુહાડીના સાત ઘા ઝીંકી સુરત મનપાના સફાઈ કર્મીની તેના જ રૂમમાં કરાઈ હત્યા

સુરત(Surat) : શહેરના રાંદેર શીતલ ચાર રસ્તા પાસે આવેલા એસએમસી (SMC) શૌચાલયના વોચમેનના રૂમમાંથી ગુરૂવારે રાત્રે સફાઈકર્મીની (Swiper) સાતથી વધારે કુહાડીના ઘા ઝીંકી હત્યા (Murder) કરાયેલી લાશ મળતા ચકચાર મચી જવા પામી હતી. રાંદેર પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી વધારે તપાસ હાથ ધરી છે.

સફાઈકર્મી એક મહિના પહેલા જ કામે લાગેલો સફાઈ કર્મી સાથી કામદાર સાથે વોચમેનના રૂમમાં રહેતા હતો, જેને રહેંસી નંખાયો

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ છેલ્લા ચાર વર્ષથી રાંદેર હોપપુલની બાજુમાં અડાજણ ડેપો નજીકના એસએમસી શૌચાલયમાં વોચમેનના રૂમમાં રહેતા 65 વર્ષીય નાગેન્દ્રસીંગ જયકિશન રાજપૂત મુળ બિહારના વતની હતા. તેઓ હોપપુલ પાસે રિવરફ્રન્ટ નજીકના શૌચાલયમાં મીનાબેન પટેલના કોન્ટ્રાક્ટમાં સાફસફાઇનું કામ કરતા હતા. તેમનો હમવતની 44 વર્ષીય ચિત્તરંજનસીંગ શ્રીરામસીંગ ભૂમિહાર પણ મીનાબેનના કોન્ટ્રાક્ટ હેઠળ એક મહિના પહેલા કામે લાગ્યો હતો અને હોપપુલની બાજુમાં શીતલ ચાર રસ્તા પાસેના શૌચાલયની સાફસફાઈની નોકરીએ લાગતા વૃદ્ધની સાથે રહેતો હતો.

બપોરે શૌચાલય બંધ કરી નાગેન્દ્રસીંગ રૂમ પર ચિત્તરંજન પાસે જમવા આવ્યા હતા અને જમીને ગયા તે સમયે ચિત્તરંજન નોકરી પર હતો. સાંજે એક મહિલાએ આવીને નાગેન્દ્રસીંગને આગળનું શૌચાલય બંધ હોવાનું કહેતા તેમણે ચિત્તરંજનને ફોન કર્યો હતો. પણ તેનો મોબાઈલ ફોન બંધ હતો. બાદમાં રાત્રે રૂમ ઉપર ગયા ત્યારે યુવકની લાશ જોતા પોલીસને જાણ કરી હતી. રાંદેર પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી વધારે તપાસ હાથ ધરી છે.

રૂમ પર પહોંચીને જોતા યુવકની લાશ લોહીના ખાબોચિયામાં હતી
રૂમ પર સાથે રહેતા વૃદ્ધ સફાઈકર્મી બપોરે જમીને નીકળી ગયા હતા. બાદમાં રાત્રે જમવા પહોંચ્યા તો રૂમનો દરવાજો બહારથી બંધ હતો. દરવાજો ખોલી અંદર પ્રવેશતા ચિત્તરંજનની લાશ સુકાયેલા લોહી સાથે જોવા મળી હતી.

પોલીસને પલંગ પર પડેલી કુહાડી મળી
રાંદેર પોલીસે આવીને જોતા ચિત્તરંજનને મોઢા, કપાળ, દાઢીના નીચે, ગળા, છાતી, પેટ, ડાબા હાથના કાંડા પર, માથાના પાછળના ભાગે તિક્ષ્ણ હથિયાર વડે ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હતી. પોલીસને પલંગ ઉપર લાકડાના હાથાવાળી કુહાડી પણ મળી હતી.

Most Popular

To Top