SURAT

મેટ્રો ડ્રિમ પ્રોજેક્ટ તરફ આગળ વધતું સુરત : બીજા કોરિડોરની પણ શરૂઆતની દિશામાં

સુરત: આગામી દિવસોમાં મેટ્રો રેલ (Metro rail project) ધરાવતા દેશના અગ્રણી શહેરો (Metro city) સાથે જોડાવવા મથતા સુરત શહેર (Surat city)માં મેટ્રો રેલનો પ્રોજેકટ ખૂબ ઝડપથી ચાલી રહ્યો છે. મેટ્રો રેલ માટે પ્રથમ કોરિડોર (First corridor)માં સોઈલ ટેસ્ટિંગ અને પાઈલિંગની કામગીરી હાલમાં ચાલી રહી છે.

સાથે સાથે ભૂગર્ભ મેટ્રો માટે ટનલ (tunnel) ખોદવા ટીબીએમ પણ આવી ગયા છે. પ્રથમ કોરિડોરની આ કામગીરી વચ્ચે હવે ગુજરાત મેટ્રો રેલ નિગમ દ્વારા આગામી 10 જ દિવસમાં ભેંસાણથી સરોલીના બીજા કોરિડોર (second corridor)ની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવશે. આ માટે તૈયારીઓ કરી દેવામાં આવી છે. 10 દિવસ બાદ ભેંસાણથી શરૂ કરીને એલપી સવાણી રોડ પર પરફોર્મિંગ આર્ટ્સની વચ્ચે ચાર સ્થળે મેટ્રો રેલ માટે સોઈલ ટેસ્ટિંગની કામગીરી શરૂ કરી દેવામાં આવશે.

મેટ્રો રેલના અધિકારીઓએ જણાવ્યું હતું કે, હાલમાં પ્રાથમિક તબક્કે સોઈલ ટેસ્ટિંગ માટે 4 મશીનો આવશે. જે ભેંસાણથી એલપી સવાણી રોડ પરના સ્થળો પર સોઈલ ટેસ્ટિંગ કરશે, પરંતુ આગામી દિવસોમાં સોઈલ ટેસ્ટિંગના મશીનોની સંખ્યા વધારવામાં આવશે અને ભેંસાણથી સરોલીની વચ્ચે 150થી 200 સ્થળોએ સોઈલ ટેસ્ટિંગની કામગીરી કરવામાં આવશે. સોઈલ ટેસ્ટિંગ પુરૂં થઈ ગયા બાદ પાઈલિંગની કામગીરી પણ શરૂ કરવામાં આવશે. બીજા કોરિડોરની સાથે સાથે પ્રથમ કોરિડોરની કામગીરી પણ સમાંતર ચાલતી જ રહેશે. છ માસમાં પ્રથમ કોરિડોરમાં ભૂગર્ભ મેટ્રો માટેની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવશે.

ક્યાંથી ક્યાં જશે મેટ્રો રેલનો બીજો કોરિડોર

  • ભેંસાણથી સરોલી વચ્ચેના આ કોરિડોરની લંબાઈ 18.74 કિ.મી. હશે
  • આ કોરિડોરમાં મેટ્રો રેલ એલિવેટેડ દોડશે એટલે કે જમીનની ઉપર દોડશે
  • આ કોરિડોરમાં મેટ્રો રેલ માટેનો ડેપો ભેંસાણમાં બનાવવામાં આવશે
  • આ કોરિડોરમાં કુલ 18 સ્ટેશન બનાવવામાં આવશે
  • આ 18 સ્ટેશનમાં ભેંસાણ, બોટનિકલ ગાર્ડન, ઉગત વારીગ્રહ, પાલનપુર રોડ, એલ.પી. સવાણી સ્કૂલ, પરફોર્મિંગ આર્ટ સેન્ટર, અડાજણ ગામ, એક્વેરિયમ, બદરી નારાયણ મંદિર, અઠવા ચોપાટી, મજુરા ગેટ (ઇન્ટરચેંજ), ઉધના દરવાજા, કમેલા દરવાજા, અંજના ફાર્મ, મોડેલ ટાઉન, મગોબ, ભારત કેન્સર હોસ્પિટલ, સરોલીનો સમાવેશ થાય છે.

Most Popular

To Top