National

યમુનોત્રી NH પર નિર્માણાધીન ટનલમાં ભૂસ્ખલન, 36થી વધુ મજુરો ફસાયા

નવી દિલ્હી: ઉત્તરાખંડના (Uttarakhand) ઉત્તરકાશી જીલ્લામાં એક મોટી દુર્ઘટના બની છે. ઘટના રવિવારે (Sunday) વહેલી સવારે બની હતી. બ્રહ્મખાલ-યમુનોત્રી (Yamunotri) રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર સિલ્ક્યારાથી દાંડલગાંવ સુધીની નિર્માણાધીન ટનલનો 50 મીટરનો ભાગ તૂટી પડ્યો (Landslide) હતો. જેમાં આશરે 36થી વધુ મજુરો ફસાયા હોવાના અહેવાલો સામે આવ્યા છે. હાલ રેસ્ક્યુ ટીમે ઘટના સ્થળે પહોંચી રેસ્ક્યુની કામગીરી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં યમુનોત્રી નેશનલ હાઈવે પર સિલ્ક્યારાથી દાંડલગાંવ સુધી નિર્માણાધીન ટનલમાં ભૂસ્ખલન થયું છે. NHIDCLના નિર્દેશન હેઠળ નવયુગ કંપની દ્વારા આ ટનલનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. હાલ આ ટનલમાં 36થી વધુ મજૂરો ફસાયેલા હોવાના અહેવાલ સામે આવ્યા છે.

જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઉત્તરકાશીએ આ ઘટનાની પુષ્ટિ કરી છે. જો કે હજી સુધી એ જાણી શકાયું નથી કે કેટલા કામદારો ટનલની અંદર ફસાયેલા છે. પરંતુ રેસ્ક્યુ ટીમ દ્વારા અંદાજે 36 લોકોના ફસાયેલા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. વધુમાં કાટમાળ હટાવવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. સાથે જ ઘટના સ્થળે પાંચ 108 એમ્બ્યુલન્સ હાજર છે.

જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓએ વધુમાં જણાવ્યુ હતુ કે કામદારોને બહાર કાઢવામાં 2 થી 3 દિવસનો સમય લાગી શકે છે. ઉત્તરકાશીના પોલીસ અધિક્ષક અર્પણ યદુવંશીએ કહ્યું કે ટનલની અંદર ફસાયેલા તમામ કામદારો સુરક્ષિત છે અને તેમની પાસે ઓક્સિજન સિલિન્ડર ઉપલબ્ધ છે. ટનલની અંદર ઓક્સિજન પાઇપ પણ લાવવામાં આવ્યા છે.

એડીજી લો એન્ડ ઓર્ડર એપી અંશુમને કહ્યું કે હજી સુધી કોઈ મૃત્યુની માહિતી નથી. પોલીસ ફોર્સની સાથે SDRF અને અન્ય બચાવ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. પ્રાપ્ત વિગતો મુજબ અકસ્માત રવિવારે સવારે 5:00 વાગ્યાની આસપાસ થયો હતો. આ ભૂસ્ખલન સિલ્ક્યારા તરફના ટનલના પ્રવેશદ્વારથી 200 મીટરના અંતરે ટનલની અંદર થયું હતું. જ્યારે કામ કરી રહેલા કામદારો વાહનો સાથે પ્રવેશદ્વારની અંદર 2800 મીટર અંદર હતા.

જણાવી દઇયે કે ઓલ વેધર રોડ પ્રોજેક્ટ હેઠળ તૈયાર કરવામાં આવી રહેલી આ ટનલની લંબાઈ 4.5 કિમી છે. તેમાંથી ચાર કિમીનું બાંધકામ પૂર્ણ થયું છે. અગાઉ ટનલનું નિર્માણ પૂર્ણ કરવાનો સમય સપ્ટેમ્બર 2023 નક્કી થયો હતો પરંતુ હવે તેને માર્ચ 2024 સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.

Most Popular

To Top