SURAT

લો બોલો, એક પીધ્ધડ ભૂત મામાની મૂર્તિ લઇ તો ગયો, પણ નશો ઉતરતા પાછો પણ મૂકી ગયો

સુરત : ઉમરા (Umra)ની આદર્શ સોસાયટી પાસે વણઝારા ભૂતમામા મંદિર (bhutmama temple)માંથી ભૂતમામાની મૂર્તિ ચોરાઇ (Idol theft) જતાં હોબાળો મચી ગયો હતો. જો કે, ગણતરીના કલાકોમાં જ મૂર્તિ પરત મંદિરમાં સ્થાપિત થઇ જતા લોકોમાં કુતૂહલ જોવા મળ્યું હતું. આ મૂર્તિ એક પીધ્ધડ વ્યક્તિ (drunken person) દારૂના નશામાં લઇ ગયો હતો, જ્યારે દારૂનો નશો ઉતર્યો ત્યારે તે પરત મુકી (return back) ગયો હોવાનું જાણવા મળ્યું હતું. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરા (cctv camera)માં કેદ થઇ હતી.

ઉમરા આદર્શ સોસાયટી પાસે આવેલા વણઝારા ભૂતમામા મંદીરમાંથી શુક્રવારની મધરાત્રે 2.15 કલાકે ભૂતમામાની મૂર્તિની ચોરી થઇ હતી. સવારના સમયે ભૂતમામાની પૂજા કરવા માટે આવતા લોકોએ ભૂતમામાની મૂર્તિ જોવા મળી ન હતી. લોકોએ આ વાત વાયુવેગે ફેલાવી હતી, ભૂતમામાની મૂર્તિ જોવા નહીં મળતા મંદીર સંચાલકો અને ભક્તોમાં રોષ જોવા મળ્યો હતો. શહેરભરમાંથી લોકો ભૂતમામા મંદીરે દર્શનાર્થે આવવા ઉપરાંત આ મંદીરે માનતા પણ લેતા હોય છે. આ ઐતિહાસિક મંદીરની મૂર્તિ ચોરી થતા ભક્તોનું ટોળુ મંદીર પાસે એકત્ર થઇ ગયું હતું. બીજી તરફ ઉમરા પોલીસને જાણ થતા પોલીસે પણ તાત્કાલિક મંદીરે પહોંચી સીસીટીવી ફટેજ ચેક કર્યા હતા. આ દરમિયાન ઘોડદોડ રોડ વિસ્તારમાં રહેતો એક યુવક ગઇ રાત્રે 2.15 કલાકે નશાની હાલતમાં મૂર્તિ ઘરે લઇ ગયો હતો. મૂર્તિ ચોરાયાની ઘટના અંગે પીધ્ધડએ થોડો નશો ઉતર્યો ત્યારે પોતાના પરિવારને જાણ કરી હતી. ત્યારબાદ મંદિરના સંચાલકોનો સંપર્ક કરાયો હતો અને મૂર્તિની પરત સ્થાપના કરવામાં આવી હતી. વણઝારા ભૂતમામાની મૂર્તિ પરત આવી જતા ભક્તોની આસ્થા વધી ગઇ હતી.

એક વર્ષ પહેલા પણ આ રીતે મૂર્તિની ચોરી થઇ હતી. ભક્તોના જણાવ્યા અનુસાર કુલ ચાર મૂર્તિ હતી. મંદીરના સંચાલકો દ્વારા આજની ઘટના બાદ એવું નક્કી કરાયું છે કે, અગાઉ પણ ચોરીની ઘટના બની હોય હાલ માત્ર એક જ મૂર્તિ બચી છે ત્યારે આગામી દિવસોમાં મંદીરમાં સીસીટીવી કેમેરા લગાડવાનું નક્કી કરાયું છે.

Most Popular

To Top