મેટ્રો, ડ્રીમ સિટી પ્રોજેક્ટમાં જમીનો જતાં અસરગ્રસ્તો હાઈકોર્ટમાં જશે

સુરત: (Surat) ખજોદ ગામની પાંજરું, ડભારિયુ, ભાથલ આ ત્રણેય મળીને આશરે 500 વીઘાં ખેતીલાયક જમીનનો ડાયમંડ રિસર્ચ એન્ડ મર્કન્ટાઇલ (ડ્રીમ) સિટીએ (Dream City) તેમના પ્રોજેક્ટમાં સમાવેશ કરી લેતાં આ જમીનો ડ્રીમ સિટી ખેડૂતો પાસેથી લઇ ખેડૂતોને તેમની મૂળ જમીનના બદલામાં મીંઢોળા નદીની આજુબાજુની ખેતી નહીં કરી શકાય એવી બિનઉપજાઉ, બંજર, ઝાડી-ઝાંખરાવાળી, ભરતીના પાણી ફરી વળે તેવી જમીનની ફાળવણી કરવાની કામગીરી હાથ ધરી છે. તેમજ મેટ્રો રેલના (Metro Rail) સત્તાધીશોએ ખેડૂતોને કોઇપણ પ્રકારની નોટિસ અને જાણ કર્યા વિના મનસ્વી રીતે આશરે 10 ખેડૂતોની (Farmers) ખાનગી જમીનોમાં મેટ્રો રેલના ડીમકિશન ખૂંટ મારી દેવાયા છે. બીજી તરફ ખેડૂતોને તેમની જમીનના બદલામાં ‘ખુડા’ દ્વારા મીંઢોલા નદીની આસપાસ બિનઉપજાઉ જમીન અપાઈ રહી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.

ખેડૂતોની રજૂઆત છે કે, ડ્રીમ સિટીના સંચાલકોએ ખાનગી ખેડૂતોની જમીનમાં એટલે કે મૂળખંડમાં જ અંતિમખંડ ફાળવવાની ખાતરી આપી હતી. તેમ છતાં તેમણે પોતાના વચનમાંથી ફેરવીતોળી ખેડૂતો સાથે વિશ્વાસઘાત કર્યો છે. વધુમાં ખજોદ ગામની અન્ય ખેતીલાયક ખાનગી ખેડૂતોની જમીનો પણ આ રીતે ડ્રીમ સિટીના પ્રોજેક્ટમાં સમાવી લેશે એવી દહેશત ખેડૂતોને છે. તેમજ હાલમાં અમુક જમીન ખરીદનારાઓએ એક ધરી બનાવી ખેડૂતો પાસેથી સસ્તા ભાવે જમીન પડાવી લેવાની તજવીજ હાથ ધરી છે. આ ધરીએ ખેડૂતોને ખોટી અને પાયા વિનાની વાતો કરી ગભરાટ ફેલાવી તદ્દન સસ્તા ભાવે જમીન પડાવવાની કોશિશ કરી છે. જેનો ભોગ ખેડૂતો ખોટી રીતે નહીં બને એ માટેની ચર્ચા-વિચારણા કરવા તેમજ મેટ્રો રેલ ડ્રીમ સિટી અને ખજોદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (ખુડા) સામે ગુજરાત હાઇકોર્ટમાં અસરગ્રસ્ત ખેડૂતો દ્વારા રીટ પિટિશન દાખલ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

જેને ઓપીમાં એફપી શક્ય નહીં હોય તેને તેટલી જ કિંમતી જમીનો અપાશે: સુડા સીઈઓ
ખેડૂતોએ કરેલા આક્ષેપો અંગે સુડાના સીઈઓ વી.એન.શાહે જણાવ્યું હતું કે, જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી ખેડૂતોને તેમના જ ઓપીમાં એફપી આપવા માટે પ્રયાસો કરાશે. જો તેમ શક્ય નહીં હોય તો ટીપી સ્કીમમાં અન્યત્ર પણ તેટલી જ મહત્વ ધરાવતી અને કિંમતની જમીન ખેડૂતોને ફાળવવામાં આવશે. ખેડૂતો દ્વારા કરવામાં આવી રહેલા આક્ષોપો ખોટા છે.

Related Posts