SURAT

સુરતમાં ફિલ્મી સ્ટાઈલમાં મોપેડની આગળ કાર ઉભી કરી પતિની નજર સામે પત્નીને ઉઠાવી ગયા

સુરતઃ (Surat) મૂળ જુનાગઢના યુવકે પ્રેમ લગ્ન (Love Marriage) કર્યા બાદ પત્ની સાથે ચોવીસ દિવસ પહેલાં સુરત રહેવા આવ્યો હતો. ત્યારે બે દિવસ પહેલા કારમાં (Car) આવેલા સાતેક જણાએ યુવકને માર મારી તેની પત્નીને (Wife) ઉઠાવી કારમાં બેસાડી લઈ ગયા હોવાની ફરિયાદ પોલીસે નોંધી વધારે તપાસ હાથ ધરી છે.

  • કારમાં આવેલા યુવાનો પ્રેમ લગ્ન કરનાર યુવકને ફટકારી તેની પત્નીને ઉપાડી ગયા
  • ચોવીસ દિવસ પહેલાં જ પ્રેમ લગ્ન કરીને સુરત રહેવા આવ્યાં હતાં
  • ફિલ્મી સ્ટાઈલમાં મોપેડની આગળ કાર ઉભી કરી દીધી

સિંગણપોર ખાતે ગંગોત્રી સોસાયટીમાં રહેતો ૨૬ વર્ષીય દિનેશભાઇ રામાભાઇ ગળચર મૂળ જુનાગઢનો વતની છે. દિનેશભાઈ અહીંયા તેમની પત્ની તેજલ સાથે છેલ્લાં ૨૪ દિવસથી ભાડાના મકાનમાં ૨હે છે. તે સિંગણપોર ચાર રસ્તા પાસે પાર્થ કોમ્પ્યુટરમાં સોફટવેર હાર્ડવેર તરીકે નોકરી કરે છે. એકાદ મહિના પહેલાં તેજલ પટાટ નામની યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા હતાં. તેજલના પરિવારને આ સંબંધ ગમતો ન હોવાથી તેઓ સુરત ખાતે સિંગણપોર ગંગોત્રી સોસાયટીમાં રહેવા આવી ગયા હતા.

દરમિયાન ગત ૨૪ તારીખે સાંજે દિનેશ તેની પત્ની તેજલ સાથે મોપેડ ઉપર ઘરે આવતો હતો ત્યારે નરનારાયણ સોસાયટીના ગેટ પાસે એક સફેદ કલરની કાર આવીને તેમની આગળ ઉભી રહી ગઈ હતી. જેમાં વિરલ પટાટ, મયુર પટાટ, વિપુલ પટાટ તથા અન્ય ત્રણ થી ચાર જણા કારમાંથી ઉતર્યા હતા અને લોંખડનો પાઇપ વડે દિનેશનો બન્ને પગના નળાના તથા ઘૂંટણના ભાગે માર માર્યો હતો. અને દિનેશની પત્નીને જબરદસ્તીથી ઉઠાવી કારમાં બેસાડી લઇ નાસી ગયા હતા. દિનેશભાઈને ગંભીર હાલતમાં સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયા હતા. પોલીસે આ અંગે ગુનો નોંધી વધારે તપાસ હાથ ધરી છે.

મુંબઈના વેપારીનું સુરત રેલ્વે સ્ટેશનથી અપહરણ કરી 90 હજારની લૂંટ
સુરતઃ સોલારનો વ્યવસાય કરતાં મુંબઈના વેપારીને મોટો ઓર્ડર આપવાના બહાને સુરત બોલાવી રેલવે સ્ટેશનથી ઓટો-રિક્ષામાં અપહરણ કરી ગ્રામ્ય જેવાં સુમસામ વિસ્તારમાં લઈ જઈ મકાનમાં ગોંધી રાખ્યો હતો. વેપારીને માર મારી તેના ખાતામાંથી ૯૦ હજાર ટ્રાન્સફર કરાવી બાદમાં રેલ્વે સ્ટેશન પાસે ઉતારી ભાગી ગયાં હતાં. મહિધરપુરા પોલીસે ગુનો નોંધી વધારે તપાસ હાથ ધરી છે.

મહિધરપુરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મુંબઈના થાણે સ્થિત ડોંબિવલી મીલાપનગર માઉલી બંગ્લોઝ ખાતે રહેતાં ૬૦ વર્ષીય ચંદ્રકાંત મધુસુદન દાતાર ડોંબિવલીમાં ગ્લોબલ રીચ એન્જિનિયરિંગ નામની મોલ્ડ બનાવવાની કંપની ધરાવે છે. છ મહિના પહેલાં તેમના ઉપર તેની કંપનીના સિનિયર અશોક ચિત્રનાઓને એલ.એન્ડ.ટી (પવઈ મુંબઈ)ના કોઈ વ્યકિતના રેફરન્સથી સુરતના ચૌધરીને સોલાર પેલનમાં વપરાતાં પાર્ટનો ૨ હજારનો ઓર્ડર અંગે વાતચીત કરી હતી. જોકે અશોકભાઈનું અવસાન થયાં બાદ છેલ્લા એક મહિનાથી ચૌધરી નામના વ્યક્તિએ ચંદ્રકાંતને ફોન કરી પાર્ટના ઓર્ડર અંગે ડીલ અંગે ચર્ચા કરી હતી. અને સાત દિવસમાં કોટેશન લઈને સુરતમાં કડોદરા ખાતે આવેલી તેની સોલેરીયમ કંપની ખાતે બોલાવ્યો હતો. તથા સુરત રેલવે સ્ટેશન આવો તો કોલ કરજો તેના માણસો તેને પીકઅપ માટે આવી જશે તેમ કહ્યું હતું.

કંપનીનો મોટો ઓર્ડર મળતો હોવાથી ચંદ્રકાંતભાઈ ગત ૨૪મીના રોજ સાંજે મુંબઈથી ટ્રેનમાં બેસી સુરત આવ્યાં હતાં. સુરત રેલવે સ્ટેશન ખાતે પહોંચ્યા બાદ તેઓએ ફોન કરતાં ઓર્ડર આપનાર ચૌધરી નામના વ્યક્તિએ તેના બે માણસો પીકઅપ કરવા મોકલી આપ્યાં હતાં. તેઓ હોટલમાં જમ્યા બાદ તેઓની સાથે એક ઓટો રિક્ષામાં બેસી ગયાં હતાં. તેમને તેઓ ગામડા વિસ્તારના મકાનમાં લઈ ગયાં હતાં. ત્યાં આંખમાં મરચાની ભૂકી નાંખ્યા બાદ મોઢા, આંખ અને હાથ પગ બાંધી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી અને મારમારી પેટીએમમાંથી રૂપિયા ૯૦ હજાર ઓનલાઈન ટ્રાન્સફર કરી લીધાં હતાં. ચંદ્રકાંતને લૂંટી લીધા બાદ બીજા દિવસે સુરત રેલ્વે સ્ટેશન ખાતે ઉતારી નાસી ગયાં હતાં. પોલીસે ચંદ્રકાંતની ફરિયાદ લઈ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top