ઈ-કોમર્સ કંપની શોપીએ ભારતમાં વેપાર સંકેલ્યો, સુરતના 3000 સેલર 25 કરોડનો વેપાર ગુમાવશે

સુરત: મૂળ ચાઈનીઝ અને પછીથી સિંગાપોર (Singapor) બેઝ ગણાતી ઈ-કોમર્સ (E-Commerce) કંપની (Company) શોપી ઇન્ડિયાએ ભારતમાં (India) કોમર્શિયલ ઓપરેશન (Operation) બંધ કરવાની જાહેરાત કરતાં સુરતના 3000 સેલરના જીવ તાળવે ચોંટ્યા છે. કારણ કે, શોપીએ કોમર્શિયલ ઓપરેશન બંધ કરતાં રિટર્ન પાર્સલ નહીં આવે તો સેલરને લાખોનું નુકસાન થશે એવી ભીતિ વ્યક્ત કરવામાં આવી છે. સુરતમાં શોપીના સેલર વર્ષે 25 કરોડનો વેપાર ધરાવે છે. વર્લ્ડની ટોપ 5 ઇ-કોમર્સ કંપનીઓ સુરતમાં 60,000થી વધુ સેલરોની સંખ્યા ધરાવે છે.

સુરતથી જુદા જુદા દેશોમાં અને ડોમેસ્ટિક લેવલે કાપડ, સાડી, બુરખા, કુર્તી, ઈમિટેશન જ્વેલરી, ઈલેક્ટ્રિક-ઇલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટ, હોમ કિચન એસેસરીઝ, મોબાઈલ, મોબાઈલ એસેસરીઝ, એફએમસીજીની પ્રોડક્ટનું વેચાણ થાય છે. બીજી તરફ કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT)એ શોપીના ભારત છોડવાના નિર્ણયને આવકાર્યો છે અને કહ્યું છે કે જે પણ કંપની ભારતના સાર્વભૌમ કાયદાનું ઉલ્લંઘન કરે છે અને ભારતમાંથી એકત્ર કરવામાં આવેલા ડેટાનું ઉલ્લંઘન કરે છે તે પણ શોપીના નિર્ણય માટે જવાબદાર રહેશે. દેશમાં એવી બીજી ઘણી વિદેશી કંપનીઓ છે જે ભારતીય કાયદાઓ સાથે ખેલ ખેલી રહી છે અને વિવિધ પ્રકારની ગેરરીતિઓમાં સંડોવાયેલી છે, CAITના બી.સી.ભરતિયા, પ્રવીણ ખંડેલવાલ અને પ્રમોદ ભગતે જણાવ્યું હતું કે, CAITએ 16 સપ્ટેમ્બર-2021ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક પત્ર મોકલ્યો હતો, જેમાં SEA જૂથની માલિકીની શોપી સામે પગલાં લેવામાં આવ્યાં હતાં. શોપીમાં ચીનનું જંગી રોકાણ છે.

ગૃહ મંત્રાલયના પરિપત્રને લીધે કાપડ માર્કેટ વિસ્તારોમાં ભાડાની દુકાનો રાખવી મુશ્કેલ
સુરત: રાજ્યના ગૃહ મંત્રાલયના અશાંત ધારાને લગતા એક પરિપત્રને લીધે જૂના સુરતના રિંગ રોડની બંને તરફ કાપડ માર્કેટ વિસ્તારમાં ભાડાની દુકાનો રાખવી મુશ્કેલ બની છે. સુરતની 165 કાપડ માર્કેટમાં આવેલી 70,000 દુકાન પૈકી 90 ટકા ભાડાની દુકાનોમાં કાપડનો વેપાર 11 મહિનાના લિવ લાઇસન્સી ધોરણે ચાલે છે. અશાંતધારાની નવી જોગવાઈને લીધે એક જ સમાજ અને ધર્મના લોકો પણ ભાડાની દુકાન રાખી શકતા નથી. સુરત મર્કન્ટાઈલ એસોસિએશનના પ્રમુખ નરેન્દ્ર સાબુના નેતૃત્વમાં વેપારીઓના પ્રતિનિધિમંડળે સુરતના કલેક્ટર આયુષ ઓકની મુલાકાત લઈ આપેલા આવેદનપત્રમાં કાપડ માર્કેટ વિસ્તારને અશાંતધારાની જોગવાઈથી બહાર રાખવા માંગ કરી છે.

એસએમએના વડા નરેન્દ્ર સાબુએ જણાવ્યું હતું કે, કોમર્શિયલ પ્રોપર્ટીમાં કોઈપણ રીતે અશાંતધારાનો ભંગ થતો નથી. તે ફક્ત રહેણાક મિલકત સુધી મર્યાદિત હોવી જોઈએ. વેપારી વર્ગનો કોઈ ધર્મ હોતો નથી. વેપારી સવારે 9 વાગે આવે છે અને રાત્રે 9 વાગે વેપાર કરી નીકળી જાય છે. આમાં કોઈ ધાર્મિક બળજબરી ઊભી થતી નથી. લિવ લાઇસન્સી એગ્રીમેન્ટમાં દર 11 મહિને નવો એગ્રીમેન્ટ કરવો પડે છે. એમાં પોલીસની એનઓસી અને કલેક્ટર વિભાગની મંજૂરી લેવામાં લાંબો સમય જશે. કાપડ માર્કેટ વિસ્તારમાં કોઈ વિવાદ અત્યાર સુધી સામે આવ્યો નથી. નવી જોગવાઇથી વેપારને નુકસાન થશે. કલેક્ટરે પ્રતિનિધિમંડળને જણાવ્યું હતું કે, પરિપત્ર રાજ્યના ગૃહ વિભાગનો છે. તેમ છતાં વેપારીઓની લાગણી સરકાર સમક્ષ મોકલવામાં આવશે. વેપારીઓનું કહેવું છે કે, લિવ લાઇસન્સ, લીઝ ડીડ, ગિફ્ટ-બક્ષિસ એગ્રીમેન્ટમાં પણ અશાંતધારો લાગુ કરી દેવામાં આવ્યો છે, જેમાં એક જ ધર્મની બે વ્યક્તિને પણ દુકાન રાખવામાં મુશ્કેલીઓ નડી રહી છે. કોઈ મિલકતમાં બે અલગ-અલગ ધર્મના લોકો વચ્ચેની લેવડદેવડમાં અશાંતધારો લાગી શકે. પણ એક જ પરિવારના સંબંધોમાં જેમ કે (મા અને પુત્ર) જો પોતાની કોઈ મિલકતમાં કોઈ વ્યવહાર અથવા ભેટ કરે તો પણ અશાંતધારાની મંજૂરી લેવાની જોગવાઈ વધારે પડતી છે. કલેક્ટરને નરેન્દ્ર સાબુ, આત્મારામ બજારી, સુરેન્દ્ર અગ્રવાલ, અશોક બજારી અને કેવલ અસીજાએ રજૂઆત કરી હતી.

Most Popular

To Top