SURAT

સુરત ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા મંડળોમાં રાષ્ટ્રધ્વજનું વિતરણ કરાશે

સુરત (Surat): શ્રાવણ માસના પ્રારંભ સાથે જ તહેવારોની મોસમ શરૂ થઈ ગઈ છે. સૌથી પહેલાં રક્ષાબંધન ત્યાર બાદ જન્માષ્ટમી અને ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવશે. આ વર્ષે પ્રભુભક્તિના આ ઉત્સવોની સાથે દેશભક્તિના અનેરા દ્રશ્યો જોવા મળશે. કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) આઝાદીના 75માં વર્ષ નિમિત્તે આઝાદી કા અમૃત મહોત્સવની (Azadi Ka Amrut Mahotsav) ઉજવણી કરવાના ભાગરૂપે હર ઘર તિરંગાનો (Har Ghar Tiranga) સંદેશ આપ્યો છે. દેશના પ્રત્યેક નાગરિકો પોતાના મકાન પર રાષ્ટ્રધ્વજ (National Flag) લહેરાવીને દેશ પ્રત્યેની આસ્થા પ્રદર્શિત કરી શકશે. હર ઘર તિરંગાના આ અભિયાનને સુરતમાં ખૂબ જ બહોળો પ્રતિસાદ સાંપડ્યો છે.

સૌથી સારી બાબત એ છે કે સુરતના કાપડ ઉત્પાદકોને 10 કરોડ રાષ્ટ્રધ્વજના ઉત્પાદનની જવાબદારી સોંપાઈ હતી. સુરતના કારીગરોએ ચપ્પલ કાઢી રાષ્ટ્રધ્વજનું ઉત્પાદન કર્યું અને તે રાષ્ટ્રધ્વજ વિશ્વના ખૂણે ખૂણે પહોંચ્યા. ત્યાર બાદ સુરતના કાપડના વેપારીઓએ રાષ્ટ્રધ્વજના વિતરણની જવાબદારી ઉપાડી. હાલમાં શહેરની કાપડ માર્કેટોમાં (Textile Market) વિવિધ સંસ્થા, એસોસિએશનો દ્વારા રાષ્ટ્રધ્વજનું વિતરણ થઈ રહ્યું છે, તેમાં હવે સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિનો (Ganesh Utsav Samiti) ઉમેરો થયો છે. સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા રવિવારે શહેરના ગણેશ મંડળોને રાષ્ટ્રધ્વજનું વિતરણ કરવાનો નિર્ણય લેવાયો છે.

આવતીકાલે તા. 8 ઓગસ્ટ 2022ના રોજ સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા પાલના સંજીવકુમાર ઓડિટોરીયમ ખાતે ઈનામ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. કોરોના (Corona) મહામારીના લીધે બે વર્ષ સુધી ગણેશ ઉત્સવની ઉજવણી થઈ શકી નથી, તેથી 2019-20ના વિજેતા ગણેશ મંડળોને આવતીકાલે સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા ઈનામ એનાયત કરવામાં આવશે. સ્વામી અંબરીશાનંદજીના અધ્યક્ષ સ્થાને આ કાર્યક્રમ યોજાશે, જેમાં કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદી, મેયર હેમાલી બોઘાવા, કલેક્ટર આયુષ ઓક, મનપા કમિશનર બંછાનિધિ પાની, પોલીસ કમિશનર અજય તોમર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમનું સૌથી મોટું આકર્ષણ રાષ્ટ્રધ્વજ રહેવાનું છે.

સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિના પ્રમુખ અનિલ બિસ્કિટવાલાએ કહ્યું કે, હર ઘર તિરંગાના અભિયાન અંતર્ગત સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા ગણેશ મંડળોને કાર્યક્રમના અંતે રાષ્ટ્રધ્વજનું વિતરણ કરવાનો નિર્ણય લેવાયો છે. કુલ 1200 જેટલાં રાષ્ટ્રધ્વજનું વિતરણ કરાશે. આ રાષ્ટ્રધ્વજને પોતાના ઘર પર લહેરાવીને મંડળના આયોજકો દેશભક્તિનો સંદેશ આપી શકશે.

Most Popular

To Top