SURAT

ઇ-વ્હીકલ ખરીદી લો.. સુરત મનપા શહેરમાં આટલા ઇલેક્ટ્રિક ચાર્જીંગ સ્ટેશન બનાવી રહી છે

સુરત: (Surat) સુરત મહાનગર પાલિકા (Municipal Corporation) દ્વારા દેશમાં પ્રથમ વખત પોતાની ઇ-વ્હીકલ (E Vehicle) પોલીસી બનાવીને મંજુરી આપી દેવાઇ છે. ત્યારે શહેરમાં 50 ઇલેક્ટ્રિક ચાર્જીંગ સ્ટેશનો (Electric Charging Station) બનાવવા માટે મનપાની લાઇટ એન્ડ ફાયર સમિતિમાં અંદાજો મંજુર કરી દેવાયા છે. આ 50 ચાર્જીંગ સ્ટેશનોમાંથી 25 સ્ટેશનો એવા હશે જેમાં ફાસ્ટ ચાર્જર હશે. વાહન ખૂબજ ઝડપથી ચાર્જ થઈ જશે. એક સ્ટેશન પર એક સાથે ચાર વાહનો ચાર્જ થઈ શકશે.

મનપા દ્વારા જુદી જુદી કેટગરીમાં ચાર્જીંગ સ્ટેશન બનાવવાનું આયોજન છે. જેમાં એક સ્ટેશન પર ચાર વાહનો એક સાથે ચાર્જીંગ થઇ શકે તેવા 25 સ્ટેશનો એવા બનશે, જેમાં સ્લો ચાર્જર હશે, જ્યારે 25 સ્ટેશનો એવા હશે. જેમાં ફાસ્ટ ચાર્જર હશે. આ ચાર્જીંગ સ્ટેશન બનાવવા માટે 21.56 કરોડનો કેપીટલ ખર્ચ થશે તેમજ 10.69 કરોડ 10 વર્ષ સુધીના મેઇન્ટેનન્સ માટે લાગશે જો કે મનપાની લાઇટ ફાયર સમિતિમાં 34.55 કરોડના ગ્રોસ અંદાજો મંજુર કરી દેવાયા છે.

સુરત બનશે ઇલેક્ટ્રિક વ્હીકલ સિટી

મનપા કમિશનર બંછાનિધિ પાનીએ વર્ચ્યુઅલ ઈવેન્ટમાં જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્ય સરકાર દ્વારા નિર્ધારિત કરેલા ઇલેક્ટ્રિક વ્હીકલના લક્ષ્યાંકમાંથી 20% એટલે કે 40,000 જેટલાં ઇલેક્ટ્રિક વ્હીકલ આગામી 4 વર્ષમાં સુરત શહેરની પરિવહન વ્યવસ્થામાં સામેલ થશે. એ માટે મનપા દ્વારા 500 પબ્લિક ચાર્જિંગ સ્ટેશન, વ્હીકલ ટેક્સમાં માફી, એન્વાયરમેન્ટ ઇમ્પ્રુવમેન્ટ ચાર્જમાં રાહત, ફ્રી પાર્કીંગ સુવિધા તેમજ અન્ય સુવિધાઓ આપવામાં આવશે.

સુરત મહાનગર પાલિકા દ્વારા પબ્લિક ટ્રાન્સપોર્ટ સિસ્ટમ અંતર્ગત હાલમાં કાર્યરત 800 જેટલી સિટી બસ, બીઆરટીએસ બસમાંથી આગામી વર્ષના અંત સુધીમાં કુલ 500 જેટલી ઇલેક્ટ્રિક બસ દોડાવવાનું આયોજન પણ કરાયું છે. સુરતની ઓળખ બ્રિજ સીટી અને ડાયમંડ સીટી તરીકે છે પરંતુ આગામી દિવસોમાં ઇવ્હીકલ સીટી તરીકેની ઓળખ સુરતની બને તેવા પ્રયાસ છે. શહેરમાં ટ્રાન્સપોર્ટ સિસ્ટમ એવી હોવી જોઈએ કે જે નાગરિકોને ફર્સ્ટ માઈલ તેમજ લાસ્ટ માઈલ કનેક્ટિવિટીની સુવિધા પૂરી પાડી શકાશે. અને જે મલ્ટિ મોડેલ ટ્રાન્સપોર્ટ સુવિધા સાકારિત થઇ શકે છે. મલ્ટિ મોડેલ ટ્રાન્સપોર્ટ સુવિધામાં મેટ્રો રેલ, બીઆરટીએસ, સિટી બસ, ઓટો વગેરે મહત્ત્વનું યોગદાન આપી શકે છે અને આ સુવિધા પણ નાગરિકોને પોષાય એ મુજબની હોવી જોઈએ તેનું પણ મનપા દ્વારા ધ્યાન રાખવામાં આવશે.

Most Popular

To Top