Dakshin Gujarat Main

કીમનું રેલવે ફાટક આ તારીખ સુધી બંધ રહેશે, વાહનચાલકોને આટલો લાંબો ચકરાવો લેવો પડશે

કીમ: ઓલપાડના (Olpad) કીમ રેલવે સ્ટેશને (Kim Railway Station) આવેલી રેલવે ફાટક (Railway Gate ) નં.158 બી ઉપર હાલ છેલ્લાં ચાર વર્ષથી રેલવે ઓવરબ્રિજ (Railway Overbridge) નિર્માણ પામી રહ્યો છે. અનેકો વખત બ્રિજ કામગીરી સંદર્ભે કીમ ફાટક દિવસો સુધી બંધ રાખવામાં આવી હતી. ત્યારે હવે વધુ એક વખત તંત્ર દ્વારા આ બ્રિજના જરૂરી કામ અર્થે ફાટકની બંને તરફનો માર્ગ બંધ કરવાની ફરજ પડતાં રેલવે ફાટક 158 બી એક મહિનાથી વધુ સમય બંધ રાખવાની જાહેરાત કરી છે. જેથી નેશનલ હાઇવે નં.48થી આંબોલી થઈને કઠોર-વેલંજા-સાયણ-સાંધિયેર-ઓલપાડ-માસમા-સરોલી-સુરત બંને તરફ તેમજ અંકલેશ્વરથી આજુબાજુથી આવતાં વાહનો નેશનલ હાઇવે નં.48થી કોસંબા ચોકડીથી કોસંબા-ખરચ-પાંજરોલી-ઓભા-સાહોલ-કદરામા-ઓલપાડ-સારોલી થઈ સુરત બંને તરફ જઈ શકશે તેમ જણાવવામાં આવ્યું છે.

એક મહિનાથી વધુ સમય ફાટક બંધ રહેતાં રોજિંદા અવરજવર કરતા હજારો નોકરિયાતો, ધંધાદારીઓએ ભારે મુશ્કેલી વેઠવી પડશે. જ્યારે દિવાળી વેકેશન બાદ શાળાઓ શરૂ થતાં વિસ્તારની શાળાઓમાં સ્કૂલ વાન અને સ્કૂલ બસમાં આવતાં અનેક બાળકોએ પણ આગામી એક મહિનો ભારે હાલાકી વેઠવાનો વારો આવશે તેમ જાણવા મળે છે. ત્યારે આજે સવારે 7 વાગ્યાથી આવતી ડિસેમ્બરની 31 તારીખ સુધી ફાટક બંધ રહેશે. જેને કારણે ડાયવર્ઝન માર્ગથી પસાર થતા લોકોના સમય અને ઇંધણનો પણ વ્યય થશે. તેમજ પોતાના સ્થળ સુધી પહોંચવા લાંબું અંતર કાપવું પડશે. જેના પગલે વધુ એકવાર લોકોએ હાલાકી વેઠવી પડશે.

Most Popular

To Top