SURAT

પાંગળું તંત્ર: ચૂંટણી સભાઓમાં રાજકારણીઓને બેફામ બનવા દીધા અને હવે સુરતીઓને મેક્રો કન્ટેન્મેન્ટ ઝોનમાં રખાશે

સુરત: (Surat) શહેરમાં મનપાની ચૂંટણી (Election) વખતે નફ્ફટ બનેલા રાજકીય પક્ષોએ કોરોનાની ગાઇડલાઇન નેવે મૂકી સભા-સરઘસો કરી કોરોનાનો ચેપ વધે તેવી તમામ પરિસ્થિતિઓ ઊભી કરી દીધી હતી. જો કે, રાજકીય દબાવમાં કામ કરવા ટેવાઇ ગયેલા તંત્રને તે સમયે માત્ર મૂક પ્રેક્ષક બની તમાશો જોયા બાદ હવે ચૂંટણી પૂરી થઇ જતાં કોરોનાને કાબૂમાં લેવા કડક પગલાં લેવાનું શૂરાતન ચડવા માંડ્યું હોય તેમ વધતાં સંક્રમણને ધ્યાને રાખીને મેક્રો કન્ટેન્મેન્ટ ઝોનના બદલે મેક્રો કન્ટેન્મેન્ટ ઝોન (Containment Zone) બનાવવા આયોજન કર્યું છે. એટલે કે, જે ઘરમાં કોરોનાનો દર્દી મળ્યો હોય તે ઘરને જ કન્ટેન્મેન્ટ કરવાને બદલે આખા એપાર્ટમેન્ટ કે શેરી મહોલ્લા કે સોસાયટીની આખી ગલીને ક્વોરન્ટાઇન કરવાની જૂન-જુલાઇ જેવી સ્ટ્રેટજી અપનાવવા તરફ મનપાનું તંત્ર ફરી આગળ વધવા જઇ રહ્યું છે.

અત્રે ઉલ્લખનીય છે કે, જાન્યુઆરી-ફેબ્રુઆરી સુધીમાં કોરોનાના સંક્રમણને કાબૂમાં લેવામાં મનપાના તંત્રને સફળતા મળી રહી હતી. પરંતુ ચૂંટણીનો માહોલ શરૂ થતાં જ ભાજપ-કોંગ્રેસ સહિતના તમામ રાજકીય પક્ષના નફ્ફટ નેતાઓ બેફામ બન્યા હતા. અને ઠેર ઠેર સભા-સરઘસો અને પરિણામ બાદ વિજયોત્સવ યોજાયા હતા. જેના કારણે કોરોનાના સંક્રમણને ફેલાવા માટે મોકળું મેદાન મળ્યું હતું. જેની સામે મનપાનું શાસકોનું કહ્યાગરું તંત્ર મૂક પ્રેક્ષક બની જોતું રહ્યું હતું. જેનું પરિણામ હવે સામાન્ય લોકોએ ભોગવવું પડી રહ્યું છે. હવે કોરોનાના રોજિંદા કેસ સવાસોથી વધુ આવવા માંડતાં મેક્રો કન્ટેન્મેન્ટ ઝોનનો વ્યાપ વધારી મેક્રો ઝોન એટલે કે વધુ ઘરો અને વધુ લોકોને ક્વોરન્ટાઇન કરવાની વ્યૂહરચના અપનાવવાની ફરજ પડી રહી છે.

રોજના 200થી વધુ લોકોને દંડ કરતા તંત્રએ રાજકીય રેલી-સભાઓમાં એકપણ નેતા કે કાર્યકરને દંડ નથી કર્યો
શહેરમાં કોરોનાની ગાઇડ લાઇનનું પાલન કરાવવા માટે રાજકીય નેતાઓ સામે લાચાર પાલિકા અને પોલીસ શહેરના સામાન્ય લોકો પર કાયદાનો કોરડો વીંઝવામાં પાછીપાની કરતી નથી. માત્ર મનપા દ્વારા જ રોજના 200થી વધુ લોકોને માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ બાબતે દંડ કરી 1000-1000ની રસીદો પકડાવી દેવામાં આવે છે. પરંતુ ચૂંટણીના સમયમાં હજારો લોકોને ભેગા કરતા રાજકીય નેતાઓ કે કાર્યકરોને આજ સુધીમાં દંડની પાવતી પકડાવાઇ નથી. આ મુદ્દે લોકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે.


જો આવી જ સ્થિતિ રહી તો એપ્રિલના અંત સુધીમાં રોજિંદા દર્દીઓની સંખ્યા 300 પર જવાનો ભય

શહેરમાં કોરોનાના દર્દીઓમાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે. ત્યારે હવે મનપા દ્વારા કોવિડની ગાઇડ લાઇનનો કડક અમલ કરાવવા સતત કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે જે રીતે જુદા જુદા દેશના કોરોનાના ટ્રેન્ડ જોવા મળી રહ્યા છે. તેમજ કોરોનાએ પોતાનો ટ્રેન્ડ બદલી મહિલાઓ અને બાળકોમાં સંક્રમણની સરેરાસ ટકાવારી વધી રહી છે. તે જોતાં સંક્રમણ સતત વધતું રહે તેવી પૂરતી ભીતિ છે. કેમ કે, હવે જે ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. તે જોતાં તો સંક્રમિત વ્યક્તિઓ અન્યને બહુ ઝડપથી સંક્રમણ ફેલાવે છે. તેથી જો હવે પરિસ્થિતિ કાબૂમાં નહીં આવે તો એપ્રિલ માસ સુધીમાં રોજિંદા દર્દીઓની સંખ્યામાં એટલે ઉછાળો આવશે કે હાલમાં જે રોજના સવાસો જેટલા લોકો સંક્રમિત મળી રહ્યા છે, તે વધી રોજના 300ને પાર કરી જાય તેવી સ્થિતિ ઊભી થશે અને ફરી એકવાર હોસ્પિટલોમાં લાઇનો લાગે તો શું થશે તેવી આશંકાથી આરોગ્ય તંત્ર ફફડી રહ્યું છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top